Entertainment

લોકપ્રિય ટીવી શો CIDના અભિનેતાનું મોત, ચાર દિવસથી હોસ્પિટલમાં એડમીટ હતા

મુંબઈ(Mumbai): ટીવીની દુનિયામાંથી એક ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી શો CIDમાં ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન (Actor Dinesh Phadnis passes away) થયું છે. દિનેશને છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. તેમની તબિયત નાજુક હોવાનું જણાવાયું હતું. પરંતુ આજે (5 ડિસેમ્બર) તેમનું અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી તેના તમામ ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે.

દિનેશ ફડનીસ છેલ્લા કેટલાક દિવસોથી ICUમાં જીવન-મરણ વચ્ચે લડી રહ્યા હતા. પરંતુ આજે મુંબઈની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. દિનેશના મૃત્યુની પુષ્ટિ તેના નજીકના મિત્ર અને સીઆઈડી શોના સહ કલાકાર દયાનંદ શેટ્ટીએ કરી છે. દયાનંદ શેટ્ટી દિનેશની ખૂબ નજીક હતા. તે પણ અભિનેતાના નિધનથી ઊંડો આઘાતમાં છે.

દિનેશ ફડનીસના અંતિમ સંસ્કારની માહિતી પણ સામે આવી છે. દિનેશના અંતિમ સંસ્કાર દોલતનગર સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.

દિનેશ ફડનીસને સીઆઈડી શોથી ઓળખ મળી હતી
દિનેશ ફડનીસની વાત કરીએ તો તેને લોકપ્રિય ટીવી શો CID થી મોટી ઓળખ મળી હતી. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યો હતો. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ CID પછી દિનેશ અચાનક સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો. તેમના વિશે એવા અહેવાલો હતા કે તેમણે અભિનય છોડી દીધો હતો અને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું.

દિનેશના ચાહકો તેને ફરીથી સ્ક્રીન પર અદ્ભુત પ્રદર્શન કરતા જોવા માંગતા હતા. પરંતુ કમનસીબે તે પહેલા જ દિનેશ દુનિયાને અલવિદા કહી ચૂક્યો છે. 57 વર્ષની નાની વયે દિનેશના અવસાનથી તેના ચાહકોનું હૃદય તૂટી ગયું છે. અભિનેતાના પરિવાર અને નજીકના મિત્રો પણ તેમના જવાથી દુખી છે. દરેક લોકો દિનેશને નામથી યાદ કરી રહ્યા છે અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Most Popular

To Top