SURAT

પરન્યાતમાં પ્રેમલગ્ન કરનાર વરાછાના લુહાણા સમાજની યુવતીની જિંદગી નરકથી બદતર બની, આખરે..

સુરત (Surat) : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ ક્યારેક આ અંધાપામાં લેવાયેલા નિર્ણયો જીવન બરબાદ કરી દેતાં હોય છે. આવું જ કંઈક વરાછાની (Varacha) યુવતી સાથે બન્યું. લોહાણા સમાજની આ દીકરીએ થોડા સમય પહેલાં પરન્યાતના યુવક સાથે પ્રેમ લગ્ન (Love Merriage) કર્યા હતા. સુખી જીવનના સપનામાં રાચતી યુવતી પ્રેમી સાથે પરણીને સાસરે ગઈ ત્યારે તેના તમામ સપના ચકનાચૂર થઈ ગયા હતા. કારણ કે પ્રેમીએ બતાવેલી સપનાની દુનિયા કરતા વાસ્તવિકતા અલગ હતી.

  • પ્રેમ લગ્ન બાદ માનસીક તણાવમાં રહેતી યુવતીનું મોત : માતાએ કહ્યું દહેજ ન આપતા પતિએ ઇન્જેક્શન આપી ગર્ભ પડાવી નાખ્યો હતો

લગ્ન બાદ સાસરિયાઓએ યુવતીને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે તેનો પતિ પણ સાસરિયાઓને સાથ આપી પોતાની પત્નીને ત્રાસ આપતો હતો. આખરે પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી હારી થાકીને યુવતીએ જીવનનો અંત આણી દીધો છે. આ ઘટના બાદ યુવતીના માતા-પિતાના આંસુ અટકી રહ્યાં નથી અને ક્યારે કોઈ માબાપે દીકરીને પ્રેમ લગ્ન કરવા સંમતિ નહીં આપવી જોઈએ એવી અપીલ કરી રહ્યાં છે.

આજે તા. 5 ડિસેમ્બરના રોજ સવારે નવી સિવિલ હોસ્પિટલમાં એક યુવતીને લાવવામાં આવી હતી. સિવિલ લાવવામાં આવે તે પહેલાં જ તે યુવતીનું મોત થયું હતું. આ 38 વર્ષીય યુવતીનું નામ મીનાબેન નાથભાઈ નથવાણી હોવાનું જાણવા મળ્યું છે. તે લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હોય તેણીએ આપઘાત ( Suicide ) કરી લીધો છે.

બીજા લગ્ન કર્યા બાદ પણ મીનાને સુખ ન મળ્યું
મીનાની માતા નયનાબેને જણાવ્યું હતું કે હું અને મારી દીકરી વરાછાના જગદીશનગરમાં રહેતા હતા. મીના 11 વર્ષથી નાથના સંપર્કમાં હતી. પ્રેમ લગ્ન કર્યા બાદ મીના રાજસ્થાન ચાલી ગઈ હતી. બંન્નેના આ બીજા લગ્ન હતા. જોકે 5 મહિનામાં જ પાછી સુરત પિયર આવી ગઇ હતી. પિતા વગરની દીકરી ના સુખમય દામ્પત્ય જીવન માટે જનરલ સ્ટોર ચલાવતી માતા બધું જ કરવા તૈયાર હતી. તેમ છતાં સાસરિયાઓ ની માંગ પુરી થતી ન હતી. પતિએ છોડી દેતા ડિપ્રેશનમાં સરી પડી હતી.

સાસરિયાના ત્રાસથી કંટાળી મારી દીકરીએ આપઘાત કર્યો, માતાની વ્યથા
મીનાબેનની માતા નયનાબેને આક્ષેપ કર્યો કે , સાસરિયાના ત્રાસથી કંટાળી મીનાએ અંતિમ પગલું ભર્યું છે. મારી દીકરીએ રાજસ્થાની મારવાડી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ તે માનસિક તણાવમાં રહેતી હતી. દહેજની માંગણી કરી પતિ સહિતના સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા. મારઝૂડ કરતા હતા.

દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ઈન્જેક્શન આપી તેનો ગર્ભ પણ પડાવી નાંખ્યો હતો. તેથી મારી દીકરી ખૂબ જ તણાવમાં રહેતી હતી. આ તણાવને કારણે તે ડિપ્રેશનમાં સરી પડી હતી. સાસરિયાઓના ત્રાસના લીધે જ મારી દીકરીએ આપઘાત કરી લીધો છે એવો આક્ષેપ નયનાબેને કર્યો હતો.

રૂમમાં ગોંધી દેવાયેલી દીકરી ભાગીને પિયર આવી હતી
લગ્ન બાદ ફોન પર પીડા વ્યક્ત કરતી દીકરીને દહેજ ભૂખ્યા સાસરિયાઓ એ મારીને રૂમમાં ગોંધી દીધી હતી. જોકે એજ રૂમમાંથી ધાબા પર જવાનો રસ્તો હોવાથી દીકરી પાડોશીના ઘરમાંથી બહાર નીકળી શકી હતી. ત્યારબાદ પિયર આવી ગઈ હતી. પ્રેમ લગ્ન હોવા છતાં કરિયાવરમાં બધું જ આપ્યું હતું. છતાં દહેજ ની માગણી કરાઈ રહી હતી.

વધુમાં જણાવ્યું હતી કે બે વર્ષના પ્રેમ લગ્નમાં દોઢ વર્ષથી દીકરી પિયરમાં જ રહી છે. પતિ લઈ જાય એ અપેક્ષાએ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા પણ ખખડાવ્યા છે. દીકરી હંમેશા કહેતી મારા સાસરિયા અને પતિને દહેજમાં રોકડ, ઘરેણાં અને સંબંધીઓ માટે મોંઘી સાડીઓ જોઈએ છે.

પતિ અંતિમસંસ્કાર કરે તેવી મીનાની ઈચ્છા પૂરી થશે નહીં
મીનાની અંતિમ ઈચ્છા હતી કે તેનો પતિ તેના મૃતદેહને અગ્નિદાહ આપે. નયનાબેને કહ્યું કે મીના કહેતી મારે એક પણ રૂપિયો નહિ જોઈએ. બસ મને લઈ જાય અને સાથે રાખે. જોકે પિયર પક્ષ જ મીનાની અંતિમ વિધિ કરશે, એટલું જ નહીં પણ જે પતિ પત્નીના મૃત્યુની ખબર જાણ્યા બાદ પણ સુરત ન આવ્યો. અંતિમ વિધિ પોસ્ટ મોર્ટમ બાદ કરી દેવાશે.

Most Popular

To Top