Columns

ભગવાનનો આભાર માનીએ

એક મહેનતુ કારીગર બહુ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે, સવારથી રાત સુધી મહેનત કરે ત્યારે માંડ પરિવારને બે ટંક જમાડી શકે.આવી પરિસ્થિતિમાં તેણે અને તેની પત્નીએ થોડી થોડી બચત કરીને પૈસા ભેગા કર્યા. તેમની ઈચ્છા હતી કે ભલે નાનું તો નાનું, પણ પોતાનું ઘરનું એક ઘર બનાવી લઈએ. આ એક ઈચ્છા પૂરી કરવા તેઓ બહુ મહેનત અને એથી વધુ કરકસર કરતા.

વર્ષો બાદ તેમની મહેનત રંગ લાવી અને તેમનું પોતાનું નાનકડું એવું ઘર બાંધવાની શરૂઆત થઇ.મહિનાઓ સુધી તેઓ પોતાના ઘરમાં રહેવા જવાના સપનાં જોયાં અને હવે સપનું પૂરું જ થવામાં હતું.ઘર લગભગ તૈયાર થઇ ગયું હતું અને વરસાદની મોસમ શરૂ થઇ ગઈ હતી.સારો દિવસ જોઇને હવે તેઓ નવા ઘરે રહેવા જવાના હતા. દિવસ નક્કી થયો. દસ દિવસ પછી તેઓ નવા ઘરે રહેવા જવાના હતા.

નવા ઘરે રહેવા જવા માટેની અને પૂજાની તૈયારીઓ ચાલુ હતી. હવે ત્રણ જ દિવસ બાકી હતા. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો હતો અને અટકવાનું નામ જ લેતો ન હતો અને રાત્રે બહુ વરસાદ પડ્યો, તોફાન અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ઘણાં વૃક્ષો અને મકાનો જમીનદોસ્ત થયાં અને કમનસીબે આ મહેનતુ દંપતીનું ઘર પણ જમીનદોસ્ત થઇ ગયું.
ઘરમાં બધા આ સમાચાર જાણી ખૂબ દુઃખી દુઃખી થઇ ગયાં.કંઈ જ સૂઝતું ન હતું કે વર્ષોની મહેનત ધૂળભેગી થતાં હવે શું કરીશું? એટલામાં બહારથી કારીગર આવ્યો અને પૂજા અને પ્રસાદની તૈયારી કરવા લાગ્યો.બધાને લાગ્યું મકાન પડી જવાના આઘાતથી તેની માનસિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ લાગે છે. પત્ની બોલી, ‘હવે શું મકાન રહ્યું નથી પૂજાની તૈયારી શું કામ કરો છો?’

કારીગર બોલ્યો, ‘ચલ તું પણ મારી સાથે પૂજાની અને પ્રસાદની તૈયારી કર.ચલ આપણે બધા સાથે મળીને પ્રભુનો આભાર માનીએ કે આપણે નસીબદાર છીએ કે આપણે તે મકાનમાં હજી રહેવા ગયા ન હતા. જો આપણે રહેવા ગયા હોત તે પછી તોફાન આવતા અને મકાન પડ્યું હોત તો આપણું અને આપણા બાળકોનું શું થાત? ભગવાને આપણને બચાવી લીધા અને આપણી પર કૃપા કરી છે તો આપણે પૂજા કરી પ્રભુનો આભાર માનીએ અને પ્રસાદ વહેંચીએ.’ પત્ની પતિનો અભિગમ જોઈ વિચારી રહી કે ‘ધન્ય છે મારા પતિને આવી પરિસ્થિતિમાં તેઓ ભગવાનને ભૂલ્યા નથી ,ભગવાનને દોષ નથી આપતા અને આભાર માને છે. આવો અભિગમ છે એટલે તેઓ ક્યારેય હિંમત નહિ હારે અને કોઈ પરિસ્થિતિ તેમને દુઃખી નહિ કરી શકે.’પત્ની પણ પતિ સાથે પૂજાની તૈયારી કરવા લાગી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top