Editorial

કરમુક્તિથી કંઇ નહીં થાય કાશ્મીરી પંડિતોની મિલકતો પર કબજો જમાવનારાઓને ભગાવો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કાશ્મીર ફાઇલ્સ જોવા દર્શકો થિયેટરોમાં જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે. ધ કાશ્મીર ફાઇલ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોને 1990ની સાલમાં ઘરમાંથી કઈરીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે દુઃખદ ઘટનાને વિસ્તારમાં દર્શાવામાં આવી છે. તાજેતરમાં જ હરિયાણા સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની ઘોષણા કરી હતી. એક્સાઇઝ અને ટેક્સેસન ડિપાર્ટમેન્ટે હરિયાણામાં આ ફિલ્મને કરમુક્ત કરવાની સત્તાવાર ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં આર્ટિકલ 370થી લઈને કાશ્મીરના ઈતિહાસને સમાવામાં આવ્યો છે.

તેમજ કાશ્મીરી પંડિતોને કઈ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથે-સાથે મધ્ય પ્રદેશે પણ ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રીની ઘોષણા કરી હતી. આ ફિલ્મ લાઇમ લાઇટમાં ત્યારે આવી હતી જ્યારે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આક્ષેપો કર્યા હતા કે કપિલે ફિલ્મમાં કોઈ મોટા કલાકારો નહીં હોવાને કારણે પ્રમોશનની ના પાડી દીધી હતી. આ વિવાદ વચ્ચે આ ફિલ્મ 11 માર્ચે થિયેટરમાં રિલીઝ થઇ ચૂકી છે. વિવેક અગ્નિહોત્રાના આક્ષેપો બાદ કપિલ શર્માને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો છે. એક યુઝરે સો.મીડિયામાં વિવેકને કહ્યું હતું કે તેણે આ ફિલ્મનું પ્રમોશન કપિલ શર્માના શોમાં કરવું જોઈએ. આ યુઝરે કપિલને પણ વિનંતી કરી હતી કે તે આ ફિલ્મનું પ્રમોશન તેના શોમાં કરે. જોકે, વિવેકે આ પોસ્ટ પર જવાબ આપ્યો હતો. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે જ્યારે લાલ કૃષ્ણ અડવાણી આ ફિલ્મ જોઇને રડી પડ્યાં હતાં. આમ તો અત્યાર સુધી ભારતવર્ષના અનેક ટુકડા થઇ ચૂક્યા છે.

પરંતુ બે જે સૌથી મોટા કુઠારાઘાત કહી શકાય તેમાં એક છે ભારત પાકિસ્તાનનું વિભાજન અને બીજું છે કાશ્મીરીઓની તેમના જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા તે ઘટના. ભારત પાકિસ્તાનના વિભાજન વખતે પણ જે વિસ્તાર પાકિસ્તાનમાં ગયો ત્યાં રહેતા કેટલાક હિન્દુ, સિંધી અને પંજાબીઓ ત્યાંથી પલાયન થવું પડ્યું હતું. વર્ષોથી બાપ દાદાની હવેલીઓ મકાનો ખેતીવાડી વેપાર બધુ જ છોડીને તેમણે ભારત આવી જવું પડ્યું હતું. જે પૈકી કેટલાક સ્વેચ્છાએ આવ્યા હતા તો કેટલાકને ભારત છોડવા માટે મજબૂરમાં આવ્યા હતાં. એ લોહીના ડાઘ પાકિસ્તાન છોડનારા હિન્દુ, શીખ અને સિંધીઓ હજી પણ ભૂલ્યા નથી. એ વાત તો વિભાજનની હતી પરંતુ કાશ્મીરી પંડિતોની વાત અલગ જ છે. અહીં તો તેમને તેમના જ દેશમાં કતલે આમનો સામનો કરવો પડ્યો હતો. આ વ્યથા એ લોકો જ સમજી શકે છે જેમને તેમના પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે.

1989માં યાસિન મલિકે જેકેએલએફની રચના કરી હતી અને આ જેકેએલફ જ કાશ્મીરી પંડિતોને બેઘર કરવા માટે જવાબદાર છે. ત્યાં કાશ્મીરી પંડિતોને વણી વણીને મારવામાં આવતા હતા. તે સમયે જાણે કાશ્મીરમાં આતંકવાદીઓનું જ રાજ ચાલતું હતું અને સરકારની કોઇ મશીનરી કાશ્મીરી પંડિતોની મદદ કરવા આગળ આવી ન હતી. જેના કારણે કાશ્મીરીઓએ પોતાના વતન કાશ્મીરને છોડીને પોતાના જ વતન ભારતમાં શરણાર્થી તરીકે રહેવું પડ્યું હતું. આ તો કેવો કપરો કાળ કહેવાય કે પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવે તો અલગ વાત છે પરંતુ પોતાના જ દેશમાં ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવે તે તો ખરેખર દર્દનાક જ કહેવાય. તે સમયે 19 જાન્યુઆરી 1989ના દિવસે કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી ભગાડવા માટેનો તખ્તો તૈયાર કરાયો હતો અને જેહાદી સંગઠનો જાણે કોઇ જ સરકાર નહીં હોય તે રીતે વર્તન કરતાં હતાં.

સૌથી ગંભીર બાબત તો એ હતી કે, જેહાદી સંગઠનોએ 4 જાન્યુઆરી 1990ના રોજ  સ્થાનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી હતી પંડિતોને સંબોધીને તેમાં લખવામાં આવ્યું હતું કે, કાશ્મીર છોડી દો અથવા ઇસ્લામ કબૂલી લો. તે સમયે ઘાટીમાં સાડા ત્રણ લાખ પંડિતો રહેતા હતા. આતંકવાદીઓએ તેમના મકાનો અને ધર્મસ્થાનોને નિશાન બનાવવાના શરૂ કર્યાં. પોતાના જ દેશમાં પંડિતો લાચાર બની ગયા હતા અને પાણીના ભાવે સંપતિ વેચીને પલાયન શરુ કરી દીધું હતું. જે લોકોને તેમની સંપતિ વેચવાનો મોકો નહીં મળ્યો તેમના સંપતિ પર અત્યારે બીજાનો કબજો છે.

આજે ખીણ વિસ્તારમાં 242 સ્થળોએ માત્ર 808 પરિવાર જ બચ્યા છે. હવે તેમને ફરીથી વસાવવાની વાત ચાલી રહી છે પરંતુ તે માત્ર એક તુકકા સમાન છે કારણ કે હવે અહીં કાશ્મીરી પંડિતોની બીજી કે ત્રીજી પેઢી છે જેઓ હવે વતન જવા માટે તૈયાર નથી અને જો ગયા તો પણ સલામતિની કોઇ ગેરેંટી નથી. તેવા સંજોગોમાં કાશ્મીરીઓની મિલકતો છે જેના પર બીજાનો કબજો છે તે પરત લેવો જોઇએ અને તે દિશામાં સરકારી મશીનરીઓએ વિચારવું જોઇએ. ભલે કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડી દીધું પરંતુ તેમની વડિલોપાર્જીત મિલકતો અને જમીનો હજી કાશ્મીર ઘાટીમાં આવેલી છે. સરકાર પુનર્વસનનો વિચાર કરે તે અયોગ્ય નથી પરંતુ જેમના બાપદાદાની મિલકત પર જેહાદીઓનો કબજો છે તે પણ પાછો મળે તો જ તેમના મનમાં વર્ષોથી સળગતી જ્વાળા ઠરી શકે તેમ છે.

Most Popular

To Top