Comments

ટાટા સમૂહ નવી ટેકનોલોજીમાં નેવું અબજ ડોલર રોકશે

ભારતની સરકારી કંપનીઓ દુબળી અને ગરીબ ગાયને વળગેલી બગાઇઓ પુરવાર થઇ. ચાવી દીધેલું રમકડું રાહુલ ગાંધી એ કંપનીઓને ‘નવ રતન’ ગણાવે છે. કોઇ એ પૂછતું કે વિચારતું નથી કે આ નવરત્નો તો ભારત પાસે છ સાત દાયકાથી છે છતાં ભારત હમણાં સુધી ગરીબ કેમ રહ્યું? ગરીબીના પાયામાંથી ગમાણના શ્વાન જેવી એ નવરત્ન કંપનીઓ હતી અને હજી છે. અમુક અપવાદને બાદ કરતાં બાકીની સેંકડો કંપનીઓએ ન ધંધો કર્યો અને મોનોપોલીને કારણે ન બીજાઓને કરવા દીધો. હમણાં આવી એક પેધી ગયેલી સરકારી બગાઇને ખેંચી કાઢી ટાટા ગૃપને સોંપવામાં આવી. ટાટા ગ્રુપ હવે નવાં ૩૦૦ વિમાનો ખરીદી એર ઇન્ડિયાને નવી રંગબેરંગી પાંખો સાથે ઊડતાં પતંગિયાં બનાવશે.હમણાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને થોડો રંજ વ્યકત કર્યો હતો કે સરકાર તરફથી ભારતીય કંપનીઓને દોડવા માટે ઢાળ તૈયાર કરી આપ્યો છે છતાં ભારતીય કંપનીઓ નાણાં રોકાણ સાથે મેદાનમાં કેમ ઊતરતી નથી? શકય છે કે તેઓને કોઇ ડર લાગી રહ્યો હશે.

હમણાં દેશમાં એક હવા ચાલી છે કે સરકાર અમુક બિઝનેસ ગ્રુપોને જ આગળ લાવવામાં રસ ધરાવે છે તેથી બીજા ઉદ્યોગપતિઓ નાણાં રોકતાં ડરતા હશે. પરંતુ અનિલ અગ્રવાલના ‘વેદાન્ત’ ગ્રુપે ગુજરાતમાં તાઇવાનની પ્રસિધ્ધ ફોકસકોન કંપનીના સહયોગમાં સાડા ઓગણીસ અબજ ડોલરનું રોકાણ સેમી કન્ડકટરોના નિર્માણ ક્ષેત્રે કરવાની જાહેરાત કરી. ત્યાર બાદ સરકાર અમુક માંધાતાઓને જ મહત્ત્વ આપી રહી છે તે ગરમ હવા થોડી ઠંડી પડી. તેમાં વળી દેશના સૌથી પ્રાચીન ઉદ્યોગ ગૃહ, ટાટા સન્સ, જેની સ્થાપના ૧૮૬૮ માં થઇ હતી તેણે ભારતમાં વરસ ૨૦૨૭ સુધીમાં નેવું (૯૦) અબજ ડોલરના મૂડીરોકાણની યોજના જાહેર કરી છે તેનાથી પુરવાર થાય છે કે દેશમાં બિઝનેસમેનો માટે હવેથી એક નવું વાતાવરણ તૈયાર થઇ રહ્યું છે.

ટાટા ગ્રુપની મહત્ત્વની કંપની ટાટા કન્સલટન્સીને બાદ કરતાં ટાટા જૂથની આંગળીઓ નવા યુગના ધંધાઓમાં ખાસ નથી અને આ ટાટા કન્સલ્ટન્સી જ ટાટા સમૂહની આવકનો સૌથી મોટો કમાતો દીકરો છે. જૂની ટેકનોલોજીની કંપનીઓ જેવી કે હોટેલ, ટેકસટાઇલ, સિમેન્ટ, સ્ટીલ, મોટર કાર, એરલાઇન વગેરે નોંધપાત્ર કમાણીઓ કરતી નથી. ત્યાં સુધી કે થ્રી જી મોબાઇલ સેવા હવે જૂની ટેકનોલોજીમાં ગણાતી થઇ છે અને ટાટા તેમાં હાથ દઝાડી ચૂકયા છે.

ભારતને પણ ચીન પર આધાર રાખવો ન પડે તે ઉપરાંત ઘરઆંગણાના વિકાસ તેમ જ રોજગારીના સર્જન માટે નવા યુગની ટેકનોલોજીમાં કામકાજ કરતી કંપનીઓની જરૂર છે. જો કે આજે ટાટા ગ્રુપમાં દસ લાખથી વધુ લોકો કામ કરે છે. પણ ગુંજાઇશ તો તેનાથી અનેક ગણી છે અને હવે દુનિયાના તમામ બિઝનેસ હાઉસો જાણે છે કે નોંધપાત્ર વિકાસ કરવો હોય તો નવી ટેકનોલોજીમાં જ ઝંપલાવવું પડે.

શ્રી રતન ટાટા ઘણાં વર્ષોથી ન્યુ ટેક સ્ટાર્ટ કંપનીઓમાં નાણાંનું રોકાણ કરી યુવાનોને જુસ્સો બંધાવતા રહ્યા છે અને કેટલીક નવી કંપનીઓ સફળ (યુનિકોર્ન) પણ બની રહી છે. આ દિશામાં ટાટાનું અદ્યતન વેન્ચર જોવું હોય તો તામિલનાડુ જવું પડે. ત્યાં ૫૫૦ એકર ક્ષેત્રફળમાં સૂર્યશકિતથી ચાલતી ટાટાની એક નવા જમાનાની ફેકટરીમાં એપલ કંપનીના આઇફોન માટેના જરૂરી સ્પેર પાર્ટસનું નિર્માણ થાય છે. મોદી સરકારે ચીનનો વિકલ્પ બનવા માટે ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપ્યા તેનું આ પરિણામ છે. ભારત હવે એપલને સ્પેર પાર્ટસ પૂરા પાડે છે.

ટાટાનો આ પ્રોજેકટ તેના નેવું અબજ ડોલરના રોકાણની યોજનાનો હિસ્સો છે. ટાટા જૂથ એક સમયે બ્લેક ડાયમન્ડ નામક ટી.વી. સ્ક્રીન બનાવતું હતું તે ટી.વી. ખાસ્સા લોકપ્રિય થયાં હતાં. પરંતુ ત્યાર બાદ ટાટાએ નવા યુગ સાથે ખાસ તાલ મિલાવ્યો નહીં. ઇંગ્લેન્ડમાં લોખંડની ખાણો લીધી, આઇકોનિક બ્રેન્ડની મોટરકારોની કંપનીઓ ખરીદી. તેમાં સફળતા ક્ષણિક અને નુકસાન અવિરત થયું. છેલ્લાં ત્રીસ વરસમાં ટાટા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં વધુ મૂડી રોકાણ કરવા આગળ વધ્યું. પરંતુ ટાટા સન્સના સફળ વડા નટરાજન ચન્દ્રશેખરનને લાગે છે કે હવેનો દાયકો ભારતનો દાયકો છે. તેનો અર્થ એ કે ટાટા સમૂહ ઘરઆંગણે વધુ મૂડીરોકાણ કરશે.

ભારત પ્રત્યેના આકર્ષણ માટે વૈશ્વિક સ્થિતિ જવાબદાર અથવા પ્રેરણાદાયક છે. જગતની મોટી કંપનીઓ અને દેશોએ છેલ્લાં અમુક વર્ષોના ચીનના અભિગમ બાદ એ ફિલોસોફી અપનાવી છે કે જાગતીકરણ એવી રીતે આગળ ન વધવું જોઇએ જેમાં માત્ર ચીનને જ ફાયદો થાય. ચીન પર જ આધાર રાખવો પડે અને તેથી ચીનની જ ધોંસ ચાલે. એવાં માનવીય અને કુદરતી પરિબળો પેદા થઇ રહ્યાં છે જેમાં ચીન થોડું ઢીલું પડયું છે. તાઇવાનની ફોકસકોન કંપની સેમી કન્ડકટરો અને ચીપ્સના નિર્માણમાં જગતની અગ્રણી કંપની છે અને વરદી પર કામ કરે છે. એપલના મહત્ત્વના સામાનનું તે ચીનમાં નિર્માણ કરે છે. પરંતુ ચીનની દાદાગીરીને કારણે આ કંપની અને અમેરિકાની એપલ ભારત તરફ વળ્યા છે.

ટાટાને તેનો લાભ મળ્યો છે અને ધારશે તો હજી વધુ લાભ લઇ શકશે. મોદી સરકારે તે માટેની અનુકૂળ ઔદ્યોગિક નીતિ પણ અપનાવી છે. જો કે ગૌતમ અદાણી હાલમાં જગતના બીજા ક્રમના ધનવાન બન્યા છે. ભારતનો આર્થિક વિકાસ દર જગતમાં સૌથી ઊંચો છે. આવતા વર્ષમાં પણ સાડા સાત ટકા રહેશે. આવી સ્થિતિમાં અગાઉ પણ મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, અઝીમભાઇ પ્રેમજી વગેરે જગતના ધનાઢયોમાં એકથી ત્રણ ક્રમ શોભાવતા રહ્યા છે. માટે નવી પેઢીમાં નવા ઔદ્યોગિક યુગમાં ગૌતમ અદાણી એ સ્થાન મેળવે તો નવાઇ પામવા જેવું નથી. આમેય ભારતમાં એ રીત આગે સે ચલી આતી હૈ કિ જે સરકારની નજીક હોય તે દેશશ્રેષ્ઠી બને.

સામયિક ધ ઇકોનોમિસ્ટ દ્વારા ટાટા જૂથ વિષે અને તેનાં રોકાણો વિષે અહેવાલ પ્રસિધ્ધ કરાયો છે. તે મુજબ અદાણી અને અંબાણી બન્ને હાઉસો મળીને આવતાં પાંચ વર્ષમાં એકસો અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. વધુ બરાબર ચાલશે જ એવી આશા સાથે આગળ વધીએ તો ભારત માટેનો સારો સમય અથવા ‘અચ્છે દિન’ હવેથી શરૂ થાય છે. જાણ્યા કારવ્યા વગર ફેંકમ ફેંક કરતાં રાહુલ ગાંધીનાં તમામ ઉચ્ચારણો જૂઠાં સાબિત થયાં છે અને વધુ જૂઠાં સાબિત થશે. દેશમાં શાહી તામજીમ સાથે એરકન્ડીશન્ડ સહેલગાહ પર નીકળેલા રાહુલ ગાંધી એ વાતનો રસ્તામાં ઉલ્લેખ નહીં કરે કે આખા જગતમાં ભારતનો વિકાસ દર આજે સૌથી ઊંચો છે.

ચીન કરતાં પણ. ઉદ્યોગપતિઓના નામ લઇને ટીકા કરે છે પણ એ જ ઉદ્યોગપતિઓ કરોડો લોકોને રોજી આપે છે જેમાં રાહુલને કોઇ એક એવી નોકરી પણ મળી શકે તેમ નથી, જેની લાયકાત રાહુલમાં હોય. છત્રી દ્વારા આકાશમાંથી ખરી પડેલો રાહુલ ગાંધી આજીવન કુંવારો અને આજીવન ગેરલાયક બેરોજગાર છે એ વાસ્તવિકતા શું સમજવાનો? ભલે વ્યકિત શ્રીમંત તરીકે ગૌતમભાઇ આગળ છે, પણ બિઝનેસ હાઉસમાં સૌથી મોટું નામ અને કામ ટાટા ગ્રુપનું જ છે. ટાટા ગ્રુપની મારકેટ વેલ્યુ ૨૬૯ અબજ ડોલરની છે. પાકિસ્તાનનું વાર્ષિક બજેટ તેના રૂપિયાની હાલની કિંમતમાં ગણો તો ૩૩ થી ૩૪ અબજ ડોલરનું છે. ટાટા ગ્રુપ અને ભારતના નવા અર્થતંત્ર વિષે ઘણું કહેવાનું રહે છે. અવારનવાર તે વિષે લખતાં રહીશું.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top