Charchapatra

‘દામકા’નું ટેસ્ટી લસણ

૧૨ મી એપ્રિલના ‘ગુજરાતમિત્ર’ અખબારના આસપાસ ચોપાસ’ પૂર્તિમાં હજીરા પટ્ટીના સૌથી મોટા ગામ ‘દામકા’ની વિગતે વિસ્તારથી વાત કરી છે. દામકા લસણ અને ભાજી માટે પ્રખ્યાત છે. ભાગળના બજારમાં દામકાના લસણ માટે સુરતીલાલાઓ વહેલી સવારે ખરીદવા માટે રાહ જોતા હોય છે. ભરેલા ટેમ્પામાં દામકાના લસણ સાથે બજારમાં વરાછાનું લસણ પણ આવે છે. દામકાના લસણની વિશેષતા એ છે કે પતલુ રેશમ જેવું મુંછાળાવાળું હોય છે જે સ્વાદમાં તીખું હોય છે. આ લસણ બજારના બારે માસ મળે છે. વરાછાનું લસણ પ્રમાણમાં જાડું અને મોળું હોય છે, જે સિઝનમાં મળે છે. દામકાના લસણનું ચલણ સૌથી વધુ વધારે હોય છે.

આ લસણમાંથી રીંગણ બટાકાનું ‘ભરત’ સુરતીઓ બનાવે છે જે સ્વાદમાં ટેસ્ટી સાથે પૌષ્ટિક હોય છે. આ લસણનું કાચું બનાવવામાં પણ આવે છે. કાચા લસણના બનાવેલુ કાચુ બાજરીના રોટલા પર ઘી લગાવીને ખાવાની ખૂબ મજા આવે છે. મોટે ભાગે શિયાળાની સિઝનમાં શરીરમાં ગરમાટો લાવવા માટે એ ખૂબ ફાયદાકારક અને સ્વાદિષ્ટ લાગે છે. સૂરતની ક – ખ – ગ – ઘ આ ચાર સમાજમાં આ વાનગીનું વિશેષ  ચલણ હોય છે. શાકાહારી લોકો માટે આ વાનગી એક પ્રકારની શકિતશાળી દવા જેવું કામ આપે છે. કેટલાંક માંસાહારી લોકો પણ આ લસણનો ઉપયોગ કરે છે જેનો એ લોકો એની રીતે મજા લે છે. ભુસામાં અને પોંકમાં પણ આ ઝીણું બારીક લસણ કાપીને નાંખવામાં આવે છે.

અસ્સલ સુરતીઓ પોંકની સેવ સાથે બધું ભેગું કરીને એનો આનંદ લૂંટે છે. કેટલાંક શાકમાં પણ ઉપરથી નાંખવામાં આવે છે. અહીં એક વાત કરવી જરૂરી છે. કેટલાંક સંપ્રદાયના ચુસ્ત લોકો લસણને તામસી ખોરાક સમજે છે એટલે તેઓ લસણ કાંદાથી દૂર રહે છે. બાકી બહુ વિશાળ વર્ગ શરીરના બંધારણ માટે લસણ સારું ગણે છે. એનો સૌથી વધારે ખાવામાં ઉપયોગ કરે છે. ઘરે ઘર સુરતની સન્નારીઓ પાસે જાતજાતની વાનગી બનાવવાની આવડત હોવાથી દામકાના લસણથી વાનગી બનાવીને સુરતીલાલાઓને ખવડાવીને ખુશ કરી દે છે. રજાના દિવસે અને ખાસ મોટે ભાગે રવિવારની રજાના દિવસે પરિવાર ભેગો મળીને રંગેચંગે લસણના કાચાની ચટણી સાથે મજા લૂંટે છે.
સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top