Sports

દિલ્હી કેપિટલ્સના મિચેલ માર્શનો બીજો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, ટીમ ડોક્ટરને પણ કોરોના

મુંબઇ : આઇપીએલ (IPL) પર ફરી કોરોનાનું (Corona) જોખમ તોળાયું છે. દિલ્હી કેપિટલ્સનો (DC) સભ્ય અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શનો બીજો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ (Possitive) આવ્યો છે. તેનો સીટી વેલ્યુ 17 થઇ ગયો છે, જેને ગંભીર ગણવામાં આવે છે અને તેના કારણે માર્શને ટૂંકમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. માર્શ ઉપરાંત ટીમના ડોક્ટર અભિજીત સાલ્વી, ટીમના મસાજર અને ત્રણ હોટલ સ્ટાફનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ રહ્યો છે.

બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે મિચેલ માર્શનો પહેલો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જો કે બીજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય તમામ બાકીના ખેલાડીઓને ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એ ઉલ્લેખનીય છે કે માર્શનો રેપિડ એન્ટીજન ટેસ્ટ (આરએટી) પોઝિટિવ આવ્યા પછી કરવામાં આવેલા આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેને પગલે કહેવાયું હતું કે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બુધવારે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચ તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમાશે.

બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ પીટીઆઇને સોમવારે જણાવ્યું હતું કે મિચેલ માર્શનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આરટી-પીસીઆર રિપોર્ટને નિર્ણાયક ગણવામાં આવે છે. આ ઉપરાંત ટીમના અન્ય સભ્યોનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. આ પહેલા માર્શમાં કોરોનાના હળવા લક્ષણ જણાયા હતા અને તેને પગલે તેનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પહેલા બીસીસીઆઇના એક સૂત્રએ કહ્યું હતું કે દિલ્હી કેપિટલ્સની ટીમે આજે પુણે જવાનું હતું પણ ટીમના તમામ સભ્યોને તેમની હોટલના રૂમમાં જ રોકાવા કહેવાયું હતું અને ટીમમાં અન્ય કોઇને કોરોના થયો છે કે નહીં તેના માટે તમામનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સના તમામ સભ્યોનો ફરી એકવાર ટેસ્ટ કરવામાં આવી શકે છે.

મેચ રમાડવી કે સ્થગિત રાખવી તે અંગે મંગળ અથવા બુધવારે નિર્ણય કરાશે
માર્શનો પહેલો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવતા દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બુધવારે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચ તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમાડવાની પહેલા જાહેરાત થઇ હતી. જો કે હવે આ મેચ રમાડવા સંબંધે મંગળવારે અથવા તો બુધવારે નિર્ણય કરવામાં આવશે. મોટાભાગે આ મેચને સ્થગિત રાખવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટેસ્ટીંગ પ્રોટોકોલ અનુસાર આઇપીએલ ટીમના દરેક સભ્યોનો દર પાંચમા દિવસે ટેસ્ટ થાય છે
બીસીસીઆઇના ટેસ્ટીંગ પ્રોટોકોલ અનુસાર આઇપીએલ ટીમના દરેક સભ્યનો ટીમ બબલમાં દર પાંચમા દિવસે ટેસ્ટ કરવામાં આવે છે. ગત સિઝનમાં આ ટેસ્ટ દર ત્રીજા દિવસે થતો હતો. આ ઉપરાંત ફ્રેન્ચાઇઝી પોતે પણ પોતાના તમામ ખેલાડી સહિતના સભ્યોનો ટેસ્ટ કરાવે છે.

Most Popular

To Top