National

તાલિબાને પંજશીરમાં મોટા હુમલાની તૈયારી શરૂ કરી: ઘણાનાં મોતના અહેવાલ

અફઘાનિસ્તાનમાં તાલિબાને પંજશીરમાં મોટા હુમલાની તૈયારી શરૂ કરી હોવાના અને ઘણા લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે. તાલિબાન પંજશીરમાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. નજીકના બગલાન પ્રાંતના અંદરાબ જિલ્લામાં ગત રાત્રે મોટી સંખ્યામાં તાલિબાની લડવૈયાઓએ હુમલો કર્યો હતો. અહીં ઘણા લોકો માર્યા ગયા હોવાના પણ અહેવાલ છે. લડાઈ શરૂ થયા બાદ આ વિસ્તારમાંથી પણ હિજરત શરૂ થઈ છે. લોકો સલામત સ્થળની શોધમાં પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે.અહીં તાલિબાન સામે લડતા વિદ્રોહી થોડા દિવસો પહેલા પીછેહઠ કરીને પહાડો પર ચાલ્યા ગયા હતા. પરંતુ, આજે સવારે તેઓએ પહાડો પરથી જ તાલિબાન પર હુમલા શરૂ કર્યા હતા.

દરમ્યાન, ભારત પહોંચેલા અફઘાની સાંસદ અનારકલી હોનારયારે કહ્યું કે, ‘કહેવા માટે તો ઘણું છે, પરંતુ તબિયત એવી નથી કે બધું કહી શકીએ. ત્યારબાદ તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી. અનારકલીના જણાવ્યાં અનુસાર, ‘મારો પરિવાર બધું જ છોડીને માત્ર એક જોડી કપડાંમાં દિલ્હી આવ્યા છીએ. પરંતુ, અમે ભારતને ખૂબ પ્રેમ કરીએ છીએ. આપણી સંસ્કૃતિ એક જેવી જ છે. પરંતુ, અમારો દેશ છોડવો સરળ બાબત નહોતી. સરકાર ન હોવાથી ત્યાંની પરિસ્થિતી સારી નથી.

મેં ક્યારે જ વિચાર્યું નહોતું કે આ દિવસનો પણ સામનો કરવો પડશે. આ બધું માત્ર બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મોમાં જોવા મળ્યું હતું. પરંતુ તેને વાસ્તવિક જીવનમાં જોઈને કેટલીકવાર તેના પર વિશ્વાસ થતો નથી. ગયા અઠવાડિયે અમે આ સમયે ઑફિસમાં હતા અને બે કલાકમાં બધું બદલાઈ ગયું હતું.તેમણે આગળ કહ્યું કે, અમને અમારો દેશ છોડવાની ફરજ પડી હતી. અમે ભારત, મોદીજી અને ભારતીય વાયુસેનાનો આભાર માનીએ છીએ. તેમજ વિનંતી કરીએ છીએ કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને પણ બહાર કાવામાં આવે.

Most Popular

To Top