Comments

ઇનામ પાછું લઇ લો

એક કુંભાર હતો …ગામમાં તેનું ઘર અને ઘરની બહાર આંગણામાં જ તે એક બાજુ માટી ગુંદે અને એક બાજુ ચાકડો ચલાવી જુદા જુદા આકારના માટીના વાસણો બનાવે …ઘરની પાછળ વાસણોને પાકા કરવા તપાવે.કુંભાર ભગવાનનો ભગત હતો અને વળી તેનો અવાજ પણ સરસ હતો રોજ વહેલી સવારથી મોડી રાત સુધી કુંભાર સતત કામ કરે અને ભગવાનના ભજનો ગાતો રહે ન તેના હાથ અટકે ..ન તેના ભજનો …સતત હરિનામ લેતા લેતા કામ કરતા કુંભારને ન કામનો ભાર લાગે ન થાક.

એક દિવસ એક રાજા યુદ્ધમાં ઘાયલ થઈને જીવ બચાવવા ગામમાં આવીને કુંભારના ઘરની પાછળ છુપાય ગયો…કુંભાર તો પોતાના કામમાં અને હરિભજનમાં મગ્ન હતો …દુશ્મન રાજાના સૈનિકો રાજાને શોધતા શોધતા ગામમાં આવ્યા…કુંભારને પૂછ્યું, ‘અહીં કોઈ ઘાયલ આવ્યું છે??’ કુંભારે ભજન ગાતા ગાતા જ નકારમાં ડોકું હલાવ્યું…સૈનિકો આગળ વધી ગયા…આ બાજુ કુંભારના ઘરની પાછળ છુપાયેલો રાજા ગંભીર રીતે ઘાયલ હતો…તે વૃક્ષ નીચે તૂટયું વાળી સુતો..તેના કાનમાં સતત કુંભારના ભજનના સુર પડી રહ્યા હતા..આ ભજનના સુર તેના તન અને મનને જાણે શાતા આપી રહ્યા હતા…રાજાને સારું લાગ્યું.

કુંભારનું ધ્યાન ઘાયલ રાજા પર પડ્યું ..તેણે પાણી આપ્યું ..ઘા પર દવા અને ભીની માટી લગાવી ..રાજાને સારું લાગ્યું..રાજાએ કહ્યું, ‘ભાઈ તારા ભજનોએ તો મારી પીડા ભુલાવી દીધી ..અને મને શાતા આપી…બહુ સારું લાગ્યું ..આ લે, એમ કહી રાજાએ પોતાના શરીર પર રહેલા બધા સુવર્ણ આભૂષણો કુંભારને ઇનામમાં આપી દીધા અને એક દિવસ તેને ત્યાં રહી પોતાને નગર ગયો.કુંભાર આટલા બધા સુવર્ણ આભૂષણો મેળવી ખુશ ખુશ થઇ ગયો.તે વારંવાર બધા આભૂષણ જોતો ..પહેરતો ..ઉતારતો ..પોટલું વાળી ઘરમાં જુદી જુદી જગ્યાએ સંતાડતો….સતત કોઈ આ ઇનામમાં મળેલા આભૂષણો ચોરી નહી કરી જાય તેની તેને ચિંતા સતાવતી…

કામમાં તેનું ધ્યાન ઓછું થવા લાગ્યું …કામમ કરતા કરતા તે ઘડી ઘડી આભુષણોનું પોટલું તપાસતો રહેતો અને ભગવાનના ભજનો તો સાવ ભૂલાય જ ગયા…… આમ થોડા દિવસ હરિનામ લીધા વિના પસાર થઇ ગયા…થોડું કામ અને આભુષણોની ચિંતા કરી કરી ક્યારેય ન થાકતો કુંભાર તરત થાકી જતો……પત્ની બોલી, ‘ હવે તમે ભજનો નથી ગાતા એટલે જલ્દી થકો છો.’ કુંભારની આંખ ખુલી ..તે ઉભો થયો ..આભૂષણોનું પોટલું લીધું ..રાજા પાસે ગયો …અને કહેવા લાગ્યો ..’આ ઇનામ પાછું લઇ લો …આ મને નથી જોઈતું આને લીધે મારો ભગવાન સાથેનો સંબંધ વિસરાઈ ગયો …ભજનો ભૂલી ગયા ..આપ આ પાછુ લઈ લો.’આટલું કહી આભૂષનોનું પોટલું રાજાના પગમાં મૂકી કુંભાર ભજન ગાતો ગાતો ચાલ્યો ગયો….  
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top