SURAT

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સુરતના હીરાબજાર અને 200થી વધુ ડાયમંડ ફેક્ટરી પર રોશની કરાશે

સુરત: આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) કરવામાં આવનાર છે. 500 વર્ષના લાંબા વનવાસ બાદ પ્રભુ પોતાના ઘરે પાછા ફરી રહ્યાં હોય, આ દિવ્ય પ્રસંગને આવકારવા માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભક્તો પોતાની શક્તિ અનુસાર ભગવાન રામ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે સુરત પણ રામ ભક્તિમાં રત બન્યું છે. ડાયમંડ સિટી સુરતના (Surat) હીરાવાળાઓએ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને દિવાળીની જેમ ઉજવવા માટે 200થી વધુ ડાયમંડ ફેક્ટરીઓને (diamond market) રોશનીથી સજાવવાનું નક્કી કર્યું છે.

આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ દિવસે સમગ્ર ભારત દેશ દીપોત્સવી જેવી ઉજવણી કરશે. દરમિયાન સુરત ડાયમંડ એસોસિએશને અને સમગ્ર ડાયમંડ ઈન્ડસ્ટ્રી ખુબ ઉત્સાહથી આ સમારોહ ઉજવવા જઈ રહી છે.

સુરત ડાયમંડ એસોસિએશન તા.18 થી 22 જાન્યુઆરી 2024 એમ પાંચ દિવસ માટે પોતાના બિલ્ડિંગને રોશનીથી શણગારશે. તેમજ મિનીબજારમાં સરદાર ચોકથી સુરત ડાયમંડ એસોસિએશન સુધી ડિવાઈજર પર તા. 21થી 22 જાન્યુઆરી બે દિવસ માટે લાઈટિંગ કરવામાં આવશે. તેમજ શ્રી રામની તથા અયોધ્યા મંદિરની ધજા લગાડાશે.

આ સાથે જ તા. 22 જાન્યુઆરીના રોજ સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ બહાર સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકોને તિલક કરી પ્રસાદ આપવામાં આવશે. તેમજ રામધૂન, રામરક્ષા સ્ત્રોત, સુંદર કાંડ, હનુમાન ચાલીસાના પાઠ પણ કરાશે. સુરત ડાયમંડ એસો. દ્વારા તા. 22 જાન્યુઆરીના રોજ સાંજે 7.30 કલાકે સરદાર ચોક, મિનીબજાર વરાછા ખાતે દિવાળીથી વધુ આતશબાજી કરાશે.

ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં 22મીએ અનેકવિધ પ્રવૃત્તિ કરાશે. બંને હીરા બજારો અને 200થી વધારે નાની મોટી ડાયમંડ ફેક્ટરીઓ પર રોશની અને રંગોળી કરાશે. હીરા બજારની સાથે ડાયમંડ ફેક્ટરીના મુખ્ય ગેટ પર શ્રી રામજીના કેસરિયા ધ્વજ લગાવાશે.

22મી જાન્યુઆરીએ સવારે 10 થી બપોરે 1 સુધી શ્રી રામલલ્લા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ ડાયમંડ કંપનીઓમાં કરાશે. આ સાથે જ શ્રીરામ લલ્લા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ સમયે રામધુન, રામરક્ષા સ્ત્રોત, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ કરાશે તેમજ પ્રસાદનું વિતરણ કરાશે. આ પ્રસંગે વેપારી, કારખાનેદાર, દલાલ, રત્નકલાકાર તમામ પોતાના ઘરે સાંજે 5-5 દીવા ઘરની બહાર પ્રગટાવશે.

Most Popular

To Top