Sports

અંડર 19 વુમન T20 વર્લ્ડકપની જીત પાછળ અસ્સલ હીરો એક સુરતી છે!

સુરત: રવિવારે ભારતીય મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચાયો. પહેલીવાર ભારતની મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી (ICC) ટ્રોફી જીતી. ફાઈનલમાં ઈંગ્લેન્ડને (England) સરળતાથી હરાવી અંડર 19 વુમનની ટીમે T20 વર્લ્ડકપની ટ્રોફી (India Win Under 19 Women World Cup) ઊંચકી વિશ્વમાં તિરંગાનું નામ રોશન કર્યું. કેપ્ટન શેફાલી વર્મા (Shefali Varma) સહિત ટીમના તમામ ખેલાડીઓની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે અંડર 19 T20 વર્લ્ડકપની જીતમાં સુરતનો સિંહફાળો રહેલો છે. મૂળ સુરતના ક્રિકેટ કોચ અપૂર્વ દેસાઈએ અંડર 19 T20 વર્લ્ડકપમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

વર્લ્ડકપ અગાઉ બીસીસીઆઈ દ્વારા અંડર 19 વુમન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે અપૂર્વ દેસાઈની નિયુક્તી કરવામાં આવી હતી. સુરત અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે અંડર 19 વુમન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ અપૂર્વ દેસાઈ મૂળ સુરતના છે. અપૂર્વ દેસાઈ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. તેઓ રણજી રમી ચૂક્યા છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સાથે તેઓ ઘણા વર્ષોથી સંકળાયેલા છે. અપૂર્વ દેસાઈ 19 વર્ષથી ક્રિકેટ કોચ તરીકે કાર્યરત છે. તેઓ NCA માં બેટિંગ કોચ છે.

અપૂર્વ દેસાઈ બન્યા વર્લ્ડકપની ટ્રોફી જીતનાર સુરતના પહેલાં વ્યક્તિ
સુરત માટે ગૌરવની વાત એ છે કે અપૂર્વ દેસાઈ વર્લ્ડકપની ટ્રોફી જીતનાર પહેલા સુરતી બન્યા છે. જીતની ખુશી વ્યક્ત કરતા અપૂર્વ કહે છે કે વર્લ્ડકપની ટ્રોફી ઊંચકવી એ અદ્દભૂત અનુભૂતિ છે. 19 વર્ષની મહેતનું ફળ મળ્યું છે. વર્લ્ડકપની જર્ની અંગે અપૂર્વ દેસાઈએ કહ્યું કે, ઓગસ્ટ 2022માં ટી-20 વર્લ્ડકપ માટે વુમન ક્રિકેટ ટીમ બની હતી. માત્ર 7 મહિનાના ટૂંકા સમયમાં કરેલી સખ્ત મહેનતના લીધે વુમન્સ વર્લ્ડકપ જીતી શકી છે. તેનો ખૂબ આનંદ છે.

7 મહિના પહેલાં વર્લ્ડકપ માટે ટીમ બની: અપૂર્વ દેસાઈ
આઈસીસી દ્વારા પહેલીવાર વુમન્સ અંડર 19 ટી20 વર્લ્ડકપ રમાડવાનો નિર્ણય લેવાયો હતો. તે પહેલાં ભારતમાં અંડર 19 ટી-20 વુમન ટીમ નહોતી. મે 2022માં 125 મહિલા ક્રિકેટરનો કેમ્પ કર્યો. તેમાંથી તબક્કાવાર 20-25 ક્રિકેટર્સની પસંદગી કરાઈ. ઓગસ્ટ 2022થી વુમન્સ ક્રિકેટર્સની ખરી ટ્રેનિંગ શરૂ થઈ હતી. તેથી કહી શકાય કે માત્ર 6-7 મહિનાની સખ્ત તાલીમને પગલે વર્લ્ડકપ જીતી શકાયો છે. અપૂર્વ દેસાઈએ 6 મહિનામાં જ ચમત્કાર સર્જયો એવું કહેવું પણ અયોગ્ય નહીં કહેવાય.

Most Popular

To Top