SURAT

રાજ્યમાં સૌથી વધુ ઈ-વ્હીકલ સુરતીઓએ ખરીદ્યા

સુરત: દેશમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને ટક્કર આપવા માટે ઈ વ્હીકલ (E-vehicle) લોકોને પોસાય તેમ છે. તેથી વધતા પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) ભાવ સાંભળીને તમામ લોકો ઈ વ્હીકલને ખરીદવું વધુ પસંદ કરે છે. દેશભરની સ્માર્ટ સિટીમાં અગ્રેસર રહેનાર સુરત (Surat) હવે ઈ-વ્હીકલ ખરીદવામાં પણ આગળ છે. રાજ્યમાં ઈ-વ્હીકલ પર સરકારી સબસિડીનો સૌથી વધુ લાભ પણ સુરતીઓએ લીધો છે તેમ કહી શકાય. 

રાજ્યની વિવિધ RTO અને ARTOમાં રજીસ્ટર્ડ ઈ-વ્હીકલનો હિસાબ જોવા જઈએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ ઈ-વ્હીકલ સુરત RTOમાં રજીસ્ટર્ડ થયાં છે. એક આંકડા અનુસાર જુલાઇ 2021થી અત્યાર સુધી 10 મહિનામાં 5732 ઈ-વ્હીકલ માલિકોને સબસિડીના 12 કરોડ 65 લાખ રૂપિયા એકાઉન્ટમાં મળી ચૂક્યા છે. જેમાંથી 1 જુલાઈ 2021થી 31 માર્ચ 2022 સુધીમાં સુરત RTOમાં 6226 ઈ-વ્હીકલ રજિસ્ટર્ડ થયા છે. અને આ આંકડો અમદાવાદ RTOમાં રજીસ્ટર્ડ થયેલા આંકડા કરતા વધુ છે. અમદાવાદ RTOમાં 4623 ઈ-વ્હીકલની નોંધણી થઈ છે. 

ઉલ્લેખનીય છે કે સુરત મનપાના પ્રયાસો બાદ લોકો ઈ વ્હીકલ લેવા તરફ આગળ વધ્યા હતા. કારણ કે વર્ષ 2018માં સુરતમાં માંડ 3 ઈ-વ્હીકલ રજીસ્ટર્ડ હતા સરકારી પોલિસીના પગલે લોકોમાં ઈ-વ્હીકલ ખરીદવા માટે હવે જાગૃતિ દેખાઇ રહી છે. હાલ શહેરમાં 30 થી વધુ ડીલરો ઈ-વ્હીકલ વેચ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે મનપાના ઇલેક્ટ્રિક અને મશીનરી વિભાગના એડિશનલ સીટી એન્જીનીયર એચ કે ખતવાનીએ જણાવ્યું હતું કે, મનપાએ હાલ સુરતની પ્રજા માટે ઇ-વાહનોની પોલિસી અમલમાં મૂકી છે, જેમાં પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીની અંતિમ તારીખ સુધી રોડ ટેક્સ માફી આપવાનું નક્કી કરાયું છે. લોકો સરળતાથી વાહન ચાર્જ કરી શકે તે માટે 500 જેટલા ચાજિંગ સ્ટેશન બનાબવાનું પણ આયોજન પણ કરાયું છે.  

કેટેગરી પ્રમાણે સુરતમાં રજીસ્ટર થયેલા ઈ-વાહનો
બાઈક /સ્કૂટર 4305​​​​​​​
મોપેડ 1541
કાર 233
મોટર કેબ 07
બસ 27
ઈ રીક્ષા 09
3 વ્હીલર (ગુડ્સ ) 72
3 વ્હીલર (પેસે.) 31

Most Popular

To Top