SURAT

હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડલ જીતશે તો આ સુરતી દરેક પ્લેયરને 11 લાખનું ઘર અથવા કાર ગિફ્ટ આપશે

પ્લેયરોનો ઉત્સાહ વધારવા સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરાઈ

સુરત: 41 વર્ષના લાંબા વિલંબ પછી ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં પ્રવેશેલી ભારતીય મહિલા હોકી ટીમના પ્લેયર્સનો ઉત્સાહ વધારવા સુરતના હીરા ઉદ્યોગકાર સવજીભાઈ ધોળકીયાએ જાહેરાત કરી છે કે જો ભારતીય મહિલા હોકી ટીમ ટોકિયો ઓલિમ્પિકની ફાઇનલમાં જીતશે તો દરેક પ્લેયરની 11 લાખની કિંમતનું ઘર અથવા 5 લાખ સુધીની કિંમતની કાર ભેંટમાં આપશે.ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર મીરાંબાઈ ચાનુંને ઘરમાં જમીન પર બેસી જમતા જોયા પછી સવજીભાઈએ મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આ નિર્ણય લીધો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ગણાતી ટીમને પણ ગોલ કરવાની તક ન આપી 1-0 થી સેમિફાઇનલમાં 41 વર્ષના દુકાળ પછી પ્રવેશ કર્યો છે. સોશ્યલ મીડિયામાં જાહેરાત કર્યા પછી સવજીભાઈ ધોળકીયાએ થોડોક સુધારો કરતા કહ્યું હતું કે ભારતીય મહિલા હોકી ટીમ ઓલમ્પિકમમાં ગોલ્ડ, બ્રોન્ઝ કે સિલ્વર પૈકી કોઈપણ એક મેડલ જીતશે તો પણ ટીમના તમામ પ્લેયરને ઘર અને કાર જે જરૂરિયાત હશે તે મુજબ ગિફ્ટ આપશે. તેમણે કહ્યું હતું કે મહિલા હોકી ટીમે ખૂબ મહેનત કરી ટોક્યો ઓલિમ્પિકમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે. તેમના આ દેખાવથી દેશની 130 કરોડની જનતા ખુશ છે.

જેનો ફોટો જોઈ નિર્ણય લીધો તે મીરાંબાઈ ચાનું માટે કોઈ જ ગિફ્ટ નહીં
ઓલમ્પિક મેડલ વિજેતા મીરાંબાઈ ચાનુંને કાચા ઘરમાં જમીન પર જમતો ફોટો જોઈને સવજીભાઈ એ ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલમાં જીતે તો 11 લાખનું ઘર અથવા 5 લાખની કાર આપવાની જાહેરાત કરી હતી.જોકે પછીથી તેમના પરિવારના સભ્ય પિન્ટુ ધોળકીયાએ પત્રકારો ને જણાવ્યું હતું કે મહિલા હોકી ટીમ ગોલ્ડ,બ્રોન્ઝ કે સિલ્વર કોઈપણ મેડલ જીતે આ ઇનામ આપવામાં આવશે.જોકે સવજી ભાઈએ મીરાંબાઈ ચાનુંના જે ફોટોથી પ્રેરાઈને મહિલા હોકી ટીમ માટે ગિફ્ટની જાહેરાત કરી તે ઓલમ્પિક મેડલ વિજેતા મીરાંબાઈ ચાનુંને પ્રોત્સાહિત કરવા માટે કોઈ ઇનામ-ઈકરામ આપવાની જાહેરાત કરી નથી.

Most Popular

To Top