SURAT

સુરતમાં ભારે વરસાદ વચ્ચે ગટરનું ઢાંકણું બેસી જતા બાઈકચાલક ગટરમાં પડી ગયો

સુરત(Surat): હજીરાના (Hazira) કવાસ પાટિયા પાસે વરસાદી પાણીને (Rain Water) કારણે ગટરનું (Drainage) ઢાંકણું બેસી ગયું હતું. જેને લઇને બાઇક ઉપર નીકળેલો એક યુવક ગટરમાં પડી ગયો હતો. જેને ટીઆરબી જવાને તાબડતોબ બહાર કાઢ્યો હતો. આ સાથે જ ગટરની પાસે બે બંબા મૂકીને લોકોને માહિતગાર પણ કર્યા હતા.

  • કવાસ પાટીયા પાસે વરસાદી પાણીના કારણે ગટરનું ઢાંકણું બેસી ગયું
  • વરસાદી પાણી ભરાઈ જવાના લીધે ગટર દેખાતી નહોતી
  • બાઈક ચાલક યુવાન ગટરમાં પડી ગયો
  • ટીઆરબીના ત્રણ જવાનોએ તરત જ દોડી જઈને યુવકને બહાર કાઢ્યો
  • અન્ય વાહનચાલકો નહીં પડે તે માટે બાંબુ મુકી લોકોને જાણ કરી

શહેરમાં મનપાની (SMC) પ્રિ-મોન્સૂન (Pre Monsoon) કામગીરીની પોલ ખૂલી રહી છે. ઘણી જગ્યાએ રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે. ઉપરાંત કેટલીક જગ્યાએ રસ્તા પર નાના-મોટા ખાડી પડી ગયા છે. જેના કારણે લોકોને ભારે જહેમત ઉઠાવવી પડે છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી વધી ગયેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તેવામાં હજીરાના કવાસ પાટિયા પાસે ચાર રસ્તા પર જ ગટરનું ઢાંકણું બેસી ગયું હતું અને આજુબાજુમાં પાણી ભરાઇ ગયા હતા. દરમિયાન ત્યાં એક એવેન્જર બાઇકચાલક પસાર થયો હતો. આ બાઇક ગટર ઉપરથી પસાર થતાં અકસ્માત થયો હતો અને યુવક ગટરમાં પડી ગયો હતો.

એ વેળા ફરજ બજાવતા ટીઆરબી જવાન રિયાઝ ગગજીભાઇ તેમજ કેયુર ચંપકભાઇ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તે યુવકને બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત ટીઆરબી જવાનોએ ગટરની આજુબાજુ બે મોટા બંબા મૂકી લોકોને જાણ કરી હતી કે, અહીં મોટો ખાડો છે. તમે થોડા દૂરથી ચાલો. પોલીસની આ કામગીરીની સ્થાનિક લોકો ખુશ થયા હતા. ટીઆરબીની આ કામગીરીને લઇ સુરત પોલીસ કમિશનરે પણ તેમની કામગીરીને બિરદાવી હતી.

ગૃહમંત્રીએ ટીઆરબીની કામગીરીની પ્રશંસા કરી
ગટરમાં પડી ગયેલા યુવકને દોડી જઈ બચાવનાર અને અન્ય વાહનચાલકો તે ગટરમાં નહીં પડે તે માટે ત્યાં બાંબુ મુકી પોતાની ફરજ નિષ્ઠાથી બજાવનાર ટીઆરબી જવાનોની કામગીરી પ્રશંસા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાઈ હતી. સોશિયલ મીડિયામાં ટીઆરબીના ફોટા પોસ્ટ કરવા સાથે તેઓની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી હતી.

Most Popular

To Top