Business

ભારતીયો કયાંથી કપડાં ખરીદવાનું પસંદ કરે છે? સરવેમાં મળ્યા રસપ્રદ જવાબો…

નવી દિલ્હી(NewDelhi): ભારતમાં (India) કાપડ માર્કેટ (Garment Market) ખૂબ મોટું છે. વિશ્વભરની કપડાંની બ્રાન્ડ અહીં વેચાય છે. ભારતીય કાપડ બજારમાં ખરીદીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. કેટલાક લોકો દરજીઓ પાસે કપડાં સિલાઇ કરાવે છે, તો કેટલાક શો-રૂમમાંથી કપડાં ખરીદવાનું પસંદ કરે છે, જ્યારે આજના સમયમાં કપડાંની ઑનલાઇન ખરીદીનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીયો કયાંથી કપડાં ખરીદવાનું વધુ પસંદ કરે છે તે અંગેનો એક સરવે તાજેતરમાં કરવામાં આવ્યો હતો, જેમાં રસપ્રદ તારણો જાણવા મળ્યા છે.

એક સર્વેમાં કપડાની ખરીદીને લઈને એક મોટી વાત સામે આવી છે. હા, એ વાત સામે આવી છે કે ભલે ઓનલાઈન શોપિંગ વધી ગયું હોય પણ લોકો કપડાંની વાત આવે ત્યારે મોલ્સ અને સ્ટોર્સમાં જવાનું વધુ પસંદ કરે છે. એક સર્વે મુજબ લોકપ્રિય વેબસાઈટ્સ કપડાના શોપિંગ વિકલ્પોની વિશાળ કેટેગરી ઓફર કરતી હોવાથી ઓનલાઈન શોપિંગ ચોક્કસપણે વધ્યું છે, પરંતુ તે હજુ પણ મોલ્સ કરતા પાછળ છે. આ ક્ષેત્રમાં મોલ્સ અને સ્ટોર્સનું પ્રભુત્વ વધુ છે. લોકો હજુ પણ મોલ્સ અને માનીતા સ્ટોર્સમાંથી કપડાં ખરીદવાનું વધુ પસંદ કરે છે.

જો આપણે સર્વેના પરિણામોને સંક્ષિપ્તમાં સમજીએ તો જેટલાં લોકોને સવાલ પૂછાયો તેમાંથી 50 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ હજુ પણ કપડાં ખરીદવા મોલ્સ અને દુકાનોમાં જવાનું પસંદ કરે છે. જો આપણે લોકલ સર્કલ્સના સર્વેના પરિણામો પર નજર કરીએ તો 47 ટકા જવાબ આપનારાઓએ કહ્યું કે તેઓ મુખ્યત્વે કપડાં ખરીદવા માટે મોલ અથવા સ્ટોરમાં જવાનું પસંદ કરે છે, જ્યાં તેઓ કપડાં ખરીદી શકે છે. ખરીદતા પહેલા ટ્રાયલ લઈ શકે છે.

આ સિવાય 40 ટકા લોકોએ કહ્યું કે કપડાંની ખરીદી એ સ્ટોરમાં અને ઓનલાઈનનું સારું મિશ્રણ છે. ઈ-કોમર્સ બિઝનેસ મોટો છે. ભારતમાં ઈ-કોમર્સ બિઝનેસ સતત વધી રહ્યો છે અને ઓનલાઈન સ્ટોર્સ પર દુનિયાભરની બ્રાન્ડ ઉપલબ્ધ છે. આ સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર શોપિંગ પર પણ ઘણી છૂટ આપવામાં આવી રહી છે. આ બધું હોવા છતાં દેશમાં કપડા ખરીદવાના મામલે ઓનલાઈન પ્લેટફોર્મ પાછળ છે.

સર્વે મુજબ ફક્ત 4 ટકા પરિવારો હવે કપડાં ખરીદવા માટે તેમની વિશિષ્ટ ચેનલ તરીકે ઈ-કોમર્સનો ઉપયોગ કરે છે, જ્યારે 9 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના કપડાંને કસ્ટમ-મેઇડ અથવા ટેલર-મેઇડ પસંદ કરે છે.

Most Popular

To Top