SURAT

સુરતના વરાછાના 14 વર્ષના કિશોરનું હૃદયની બિમારીથી મોત થયું હોવાની વાતથી ગભરાટ ફેલાયો

સુરત: (Surat) શહેરના રસ્તા પર યુવાનો હાર્ટ એટેકથી (Heart Attack) મરી રહ્યા છે તેવામાં વરાછા ખાતેની અંકુર સોસાયટીમાં રહેતો 14 વર્ષિય કિશોરનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. કિશોરનું મૃત્યુ હૃદયની બીમારીના કારણે થયું હોવાની પીએમ રિપોર્ટના આધારે તબીબે શકયતા વ્યક્ત કરી હતી. જોકે સચોટ મોતનું કારણ પીએમ દરમિયાન લીધેલ સેમ્પલના રિપોર્ટ બાદ જાણવા મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા રોડ પર આવેલા સુરભી એપાર્ટમેન્ટ પાસે અંકુર સોસાયટીમાં અરૂણભાઈ ગાંધી પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની એક પુત્ર અને એક પુત્રી છે. ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. પુત્ર જયેશ( 14 વર્ષ) ગતરોજ સાંજે ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક જ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે પરિવાર હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૂળ મહેમદાબાદના વતની જયેશના પિતાએ જણાવ્યું હતું કે તેઓ ત્રણેક વર્ષથી સુરતમાં રોજગાર માટે આવ્યા છે.

જયેશ વતનમાં ધોરણ-5માં અભ્યાસ કરી રહ્યો હતો. સુરતમાં આવ્યા બાદ પિતા જયેશની અભ્યાસની ફી ભરી શકતા ન હોવાથી તેને અભ્યાસ છોડી દીધો હતો. જયેશને કોઈ બિમારી ન હતી. વરાછા પોલીસે મૃતકનું પીએમ કરાવ્યું હતું. જે પીએમ રિપોર્ટ દરમિયાન જયેશને હૃદય રોગની બીમારી હોવાનું સામે આવ્યું હતું. તેનું મોત હૃદયની બીમારીમાં થયું હોવાની શક્યતા તબીબે જણાવી હતી. હાલ મૃતકના મોતનું કારણ જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સચોટ તારણ સામે આવશે.

Most Popular

To Top