National

કર્ણાટક ચૂંટણી: રૂ. 2.56 અબજના સોના-ચાંદી, રોકડ, દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત

કર્ણાટક: આગામી 10મી મેના રોજ યોજાનારી કર્ણાટક (Karnataka) વિધાનસભા (Assembly) ની ચૂંટણી (Election) નો રંગ ઠીક ઠીક જામી ચુક્યો છે. ત્યારે રાજકીય (political) પક્ષો (parties) તેમજ ઉમેદવારો (candidates), મતદારો (voters)ને રીઝવવા માટે નિયમોના ભંગ નહીં કરે તે માટે તંત્ર સાબદું થઈ ગયું છે. કર્ણાટક ચૂંટણી કાર્યાલય (office) દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન વિવિધ ગેરરીતિઓ સામે આવી છે. જે અંગે વિવિધ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. જેમાં રૂ. 79.33 કરોડની સોના (gold)-ચાંદી (silver) સહિતની કિંમતી ધાતુ, રૂ. 83.42 કરોડની (cash) રોકડ, રૂ. 57.13 કરોડનો દારૂ તેમજ રૂ. 20 કરોડની મફતની લ્હાણી સહિતની વસ્તુઓ સીઝ કરવામાં આવી છે. આમ કુલ 2.56 અબજની જણસ જપ્ત કરી લેવાઈ છે. આ કાર્યવાહી દરમિયાન 1967 ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોઈપણ પ્રકારની ચૂંટણી હોય એટલે રાજકીય પક્ષો, ઉમેદવારો અને કાર્યકર્તાઓ, મતદારોને આકર્ષવા માટે અનેક પ્રકારના પ્રયોજનો કરતાં હોય છે, જે પૈકી કેટલાક પ્રયોજનો કાયદાની વિરુદ્ધમાં પણ હોય છે. જેથી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી આચાર સંહિતા તેમજ સંલગ્ન નિયમોને આધીન, કાયદાની હદમાં રહીને પૂર્ણ થાય તેને માટે પ્રયત્નો કરતું હોય છે. જેમાં પોલીસ વિભાગ, ફ્લાઈંગ સ્ક્વોડ, એક્સાઈઝ, કસ્ટમ્સ, સહિતની સરકારી એજન્સીઓ આચાર સંહિતા તેમજ ચૂંટણી નિયમોનું પાલન કરાવવા કામે લાગી જાય છે.

કર્ણાટક ચૂંટણી ચીફ ચૂંટણી અધિકારી કાર્યાલય દ્વારા આજે એક આધિકારીક અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે ચૂંટણીની તારીખ જાહેર થઈ એટલે કે આચારસંહિતા લાગુ થઈ ત્યારથી આજદિન સુધી રૂ. 83,42,47,650 રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત રૂ. 20,53,11,464 ફ્રીબીઝ એટલે કે મફતની લ્હાણીની જણસ જપ્ત કરવામાં આવી છે. સાથે જ 15.08 લાખ લિટર દારૂ કે જેની કિંમત રૂ. 57,13,26,042 થાય છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાસ વાત જો કે એવી છે કે વિવિધ એજન્સીઓએ 79.33 કરોડથી વધુની કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ટીમો પૈકીની પોલીસ, ફ્લાઈંગ સ્ક્વોડ, ઈનકમ ટેક્સ જેવા વિભાગોની ટીમોએ મળીને અત્યાર સુધીમાં 147.52 કિલો સોનુ અને 615.63 કિલો ચાંદી મળી કુલ્લે 763.15 કિલો કિંમતી ધાતુ જપ્ત કરી છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 79,33,64,589 થાય છે. આમ અત્યાર સુધીમાં વિવિધ એજન્સીઓએ મળીને કુલ્લે રૂ. 2,56,98,45,616ની જણસ જપ્ત કરી લીધી છે.

યાદીમાં વધુ જણાવાયું છે કે વિવિધ એજન્સીઓએ આ તમામ સીઝરના 1967 કેસ કર્યાં છે અને એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાંથી લાયસન્સવાળા 69,766 હથિયારો જમા લઈ લેવાયા છે. 18 હથિયારો જપ્ત કરાયા છે, જ્યારે 20 હથિયારોના લાયસન્સ રદ કરાયા છે. 8122 શખ્સો વિરુદ્ધ સીઆરપીસી હેઠળ 4989 કેસ કરાયા છે. ચૂંટણીની જાહેરાત થયેથી અત્યાર સુધીમાં 12,677 નોન-બેલેબલ વોરન્ટ ઈશ્યુ કરાયા છે.

Most Popular

To Top