SURAT

વરાછાના ડોક્ટરોને ટ્રાવેલ એજન્ટના ભરોસે ચારધામની યાત્રાએ જવું પડ્યું મોંઘું, પ્રવાસ બન્યો ત્રાસ..

સુરત(Surat) : વરાછા (Varacha) વિસ્તારમાં રહેતા ડોક્ટરોના (Doctors) ગ્રુપને ચારધામ યાત્રાએ (Chardham Yatra) મોકલવા તેમના ટૂર પેકેજ (Tour Package) નક્કી કરી રૂ.5.15 લાખની ઠગાઇ (Fraud) કરવામાં આવતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઇ હતી. વરાછામાં રહેતા ટૂર ઓપરેટરે હોટેલ જ બુકિંગ (Booking) કરાવી ન હતી, અને ડોક્ટરોના ગ્રુપને રિફંડ (Refund) રૂપિયા પણ આપ્યા ન હતા.

  • ચારધામ યાત્રાના નામે ડોક્ટરોના ગ્રુપની સાથે 5.15 લાખની ઠગાઈ : ટૂર પેકેજ આપીને વ્યવસ્થા અપાઈ નહીં
  • ટૂર ઓપરેટર મનીષ ગૌસ્વામીએ રૂપિયા લઈ કોઈની ટિકિટ જ બુક કરી ન હતી, અને રિફંડ આપવાનું કહી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ આંબા તલાવડી પાસે ભૂમિપૂજા સોસાયટીમાં રહેતા પ્રકાશ સોમા પટેલ પોતાના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ રાજ નામથી ક્લિનિક ચલાવે છે. ફેબ્રુઆરી-2022માં પ્રકાશભાઇએ ચારધામની યાત્રાએ જવા માટે અલગ અલગ ગ્રુપ પાસેથી એસ્ટિમેન્ટ મંગાવ્યાં હતાં, જેમાં વરાછા માતાવાડી પાસે કુબેરનગર સોસાયટીમાં રહેતા મનીષ રમેશ ગૌસ્વામીએ પણ પોતાનું એસ્ટિમેન્ટ મૂક્યું હતું. પ્રકાશભાઇ અને તેમના બીજા ડોક્ટર મિત્રો દ્વારા મનીષભાઇના ટૂરમાં જવાનું નક્કી કર્યું હતું. ચારધામ બાબતે બુકિંગ કરવાનું પૂછ્યું ત્યારે મનીષભાઇએ તેઓને માતાવાડી પાસે આવેલી ખોડિયાર ટ્રાવેલ્સ નામની ઓફિસે બોલાવ્યા હતા.

આ ઓફિસમાં મનીષભાઇએ એક યાત્રીના રૂ.23 હજાર થશે તેમ જણાવ્યું હતું અને ચારધામ યાત્રામાં દિલ્હીથી ચારધામ યાત્રા કરી ફરી દિલ્હી મૂકી જશે અને તેમાં રહેવા, જમવા તેમજ ટ્રાવેલિંગ સહિતની સુવિધા આપવાનું જણાવ્યું હતું. પ્રકાશભાઇ અને તેમની સાથે બીજા 23 સભ્ય મળી કુલ 24 લોકોએ રૂ.5.52 લાખનું પેકેજ આપ્યું હતું. આ ઉપરાંત કેદારનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા હેલિકોપ્ટરમાં જવા આવવાના 19 સભ્યના 1.52 લાખ ભાડા પેટે આપવાનું નક્કી કર્યું હતું. કુલ 7 લાખમાંથી પ્રકાશભાઇ અને તેમના ગ્રુપ દ્વારા રૂ.50 હજાર રોકડા એડ્વાન્સ આપ્યા હતા. અને બીજા 5.42 લાખ ટૂકડે ટૂકડે ચૂકવી આપ્યા હતા. બાદમાં મનીષભાઇએ એક કન્ફર્મેશન લેટર આપ્યો હતો, જેમાં હરિદ્વાર હોટેલ ક્રિષ્ટ ગંગામાં, બારકોટ હોટેલ કેમ્પ રિંગ વેડા, ઉત્તરકાશી હોટેલ હીમમ ગંગા, ગુપ્તકાશી શિવાલીક વેલી, કેદારનાથ હોટલ બિકાનેર હાઉસ, ગુપ્તકાશી શિવાલીક વેલી, બદ્રીનાથ હોટેલ નારાયણ પેલેસ અને રિષિકેશ હોટેલ ધ ક્લાસીયો હોટેલમાં રોકાવાની 10 દિવસની વ્યવસ્થા કરી હતી.

વધુમાં મનીષભાઇએ કેદારનાથનાં દર્શન માટે હેલિકોપ્ટરની કુલ 19 ટિકિટ બુક કરાવી હતી. પ્રકાશભાઇનું ગ્રુપ દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યું, પરંતુ ત્યાં કોઇ બસ આવી જ ન હતી. આ અંગે મનીષભાઇને ફોન કરતાં તેણે ફોનનો જવાબ આપ્યો ન હતો. ત્રણ કલાક રાહ જોયા બાદ પ્રકાશભાઇએ જે હોટેલમાં બુકિંગ થયું હતું ત્યાં તપાસ કરતાં ખબર પડી કે, મનીષભાઇએ માત્ર 2 લાખ જ જમા કરાવ્યા છે, બીજા રૂપિયા જમા કરાવવાના બાકી છે. દિલ્હી એરપોર્ટના ત્રણ કલાક બાદ મનીષભાઇએ ફોન કરીને 3 હજાર મંગાવી જર્જરિત બસ મોકલાવી હતી. યાત્રા દરમિયાન યોગ્ય રીતે હોટેલ વ્યવસ્થા તેમજ ટ્રાવેલિંગ વ્યવસ્થા નહીં મળતાં પ્રકાશભાઇએ પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. ત્યારે મનીષે કહ્યું કે, તમે યાત્રા પતાવીને સુરત આવો એટલે રૂપિયા આપી દઇશ. સુરત આવ્યા બાદ પ્રકાશભાઇ રૂપિયા લેવા માટે ગયા ત્યારે મનીષે કહ્યું કે, હું દિલ્હી જાઉં છું અને બે દિવસમાં પરત આવીને રૂપિયા આપી દઇશ. પરંતુ ચાર મહિના છતાં પણ મનીષે રિફંડના રૂ.5.15 લાખ પરત નહીં આપતાં આખરે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ડો.પ્રકાશભાઇની ફરિયાદ લઇ વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top