SURAT

વરાછાના વેપારીનું હીરાનું પેકેટ રસ્તામાં પડી ગયું, 10 દિવસ બાદ પોલીસે આ રીતે શોધી કાઢ્યું

સુરત (Surat) : વરાછા પોદાર આર્કેડ પાસે 10 દિવસ પહેલા રસ્તામાં પડી ગયેલું રૂા.13 લાખના હીરાના (Diamond) પેકેટને કાપોદ્રા પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજથી એક રિક્ષાચાલક પાસેથી મેળવી મુળ માલિકને પરત આપ્યુ હતું. 10 દિવસ સુધી હીરા રાખનાર રિક્ષાચાલકને કાપોદ્રા પોલીસે રૂા.11 હજારનું ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કર્યો હતો.

  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાચાલકને પકડીને હીરા પરત મેળવ્યા
  • હીરા રાખનાર રિક્ષાચાલકને કાપોદ્રા પોલીસે 11 હજારનું ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ પાલના ભાઠા વિસ્તારમાં રહેતા જીગરભાઇ દક્ષેશભાઇ ઠાકર હીરાની ડિલીવરી કરવાનું કામ કરે છે. તેઓ ગત તા. 18મી મેના રોજ વરાછા પોદાર આર્કેડથી હીરાબાગ તરફ જતા રોડ ઉપર બ્રિજની નીચેથી જતા હતા ત્યારે અચાનક જ એક રૂા.13 લાખની કિંમતનું 16 હિરાનું પેકેટ પડી ગયું હતું. ઓફિસે પહોંચ્યા ત્યારે હીરાનું પેકેટ નહીં મળતા જીગરભાઇએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. આ ઉપરાંત કાપોદ્રા પોલીસની એક ટીમ હીરા શોધવા માટે કામે લાગી ગઇ હતી. જ્યાં હીરાનું પેકેટ પડ્યું હતું ત્યાં નજીકમાં જ એક સીસીટીવી કેમેરો હતો. આ કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં એક રિક્ષાચાલકની ઉપર શંકા ગઇ હતી અને તેઓએ રિક્ષાના નંબરના આધારે રિક્ષાચાલક અસ્લમ દાદુભાઇ પયક સુધી પહોંચ્યા હતા. પોલીસે અસ્લમની પુછપરછ કરતા તેના ઘરેથી રૂા.13 લાખની કિંમતના હીરા મળી આવ્યા હતા. અસ્લમે પોલીસને કહ્યું કે, મને રસ્તામાં જ હીરા મળી આવ્યા હતા અને મે મુળ માલિકને પરત આપવા માટે મારી પાસે જ રાખી મુક્યા હતા. પોલીસે જીગરભાઇને બોલાવીને હીરાની ખરાઇ કરી પેકેટ પરત આપ્યું હતું. આ સાથે જ હીરા સાચવીને રાખનાર રીક્ષાચાલક અસ્લમભાઇને પણ રૂા.11 હજારનું ઇનામ આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ કમિશનરે હીરામાલિક અને હિરા પરત આપનાર રિક્ષાચાલકને બોલાવીને તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

Most Popular

To Top