SURAT

સુરતના અડાજણમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબી જતા દોઢ વર્ષના બાળકનું મોત

સુરત: (Surat) અડાજણ છપ્પનિયા મહોલ્લામાં દોઢ વર્ષિય બાળકનું અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં (Under Ground Water Tank) ડુબી જતા મોત નિપજ્યું હતું. બાળક તેની માતા સાથે છપ્પનિયા મહોલ્લાનાં એક મકાનમાં સાફ સફાઇના કામ માટે ગયો હતો તે સમયે બાળક (Child) રમી રહ્યો હતો અને માતા સાફ સફાઇના કામમાં વ્યસ્ત હતી ત્યારે આ ઘટના બની હતી.

  • અડાજણમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબી જતા દોઢ વર્ષના બાળકનું મોત
  • છપ્પનિયા મહોલ્લામાં દોઢ વર્ષિય રિયાન્સ માતા સાથે ગયો હતો : માતા મહોલ્લાના મકાનમાં સફાઇનું કામ કરતી હતી ત્યારે બનાવ બન્યો

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ છોટા ઉદેપુરના વતની અને હાલ અડાજણ સુર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઇ કોળીનો દોઢ વર્ષિય પુત્ર રિયાન્સ ગઇકાલે સાંજે માતા ભાવનાબેન સાથે અડાજણ છપ્પનિયા મહોલ્લામાં ગયો હતો. માતા છપ્પનિયા મહોલ્લામાં સાફ સફાઇનું કામ કરતી હોય ગઇકાલે કૌશલભાઇ પટેલના મકાનમાં માતા સફાઇ કામ કરી રહી હતી દરમિયાન રમતા રમતા રિયાન્સ મકાનની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયો હતો. માતા કામમાં વ્યસ્ત હતી અને આ બનાવ બન્યો હતો. થોડો સમય વિતી ગયા બાદ બાળક નજરે નહીં પડતા તેની શોધ-ખોળ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મળ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

કાપડ દલાલે સસ્તામાં ક્રિપ્ટો કરન્સી લેવાના ચક્કરમાં 20 લાખ ગુમાવ્યા
સુરતઃ અડાજણ ખાતે રહેતા કાપડ દલાલે ટેલિગ્રામ ક્રિપ્ટોબીઝ એક્સચેન્જ નામના ગ્રુપમાં જાહેરાત જોઈને સંપર્ક કરતા સસ્તામાં ક્રિપ્ટો કરન્સી મેળવવાના ચક્કરમાં 20 લાખ રૂપિયા ગુમાવ્યા હતાં. પુણેની ઓફિસનું સરનામું મેળવી તપાસ કરતા ઓફિસમાં તાળા હતા. જેથી તેની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

અડાજણ પાટિયા ખાતે નીશાદ સોસાયટીમાં રહેતો 25 વર્ષીય અહમદ રઝા મોહમદ યાસીન પટેલ બેગમપુરા નવાબ વાડી પાસે કાપડ લે-વેચનો ધંધો કરે છે. તેણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગત 18 જુને ટેલિગ્રામ એપ્લિકેશનમાં ક્રિપ્ટોબીઝ એક્સચેન્જ નામના ગ્રુપમાં જોઈન્ટ થયો હતો. આ ગ્રુપમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અંગેની જાહેરાત હતી. જાહેરાત જોઈને અહમદ રઝાએ તેના પિતરાઈ ભાઈને ચર્ચા કરી હતી. અને બાદમાં તેમાં આપેલા નંબર ઉપર સંપર્ક કર્યો હતો ત્યાં તેની વાત ઓમકાર નામની વ્યક્તિ સાથે થઇ હતી. કંપનીના સુપરવાઈઝર ઓમકારના મોબાઈલ નંબર પર વોટ્સએપ ઉપર રોકાણ કરવાની વાત કરી હતી. ઓમકારે કંપનીના સીઈઓ રાહુલ વિજય રાઠોડનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી અહમદ રઝાએ તે નંબર પર વાત કરી હતી.

રાહુલે કંપનીનું થાઈલેન્ડ અને સિંગાપોરમાં ક્રિપ્ટો કરન્સીમાં માઈનિંગનું કામ ચાલતું હોવાથી તે સસ્તા ભાવે ક્રિપ્ટો કરન્સીમાં યુએસડીપી આપતો હોવાનું કહ્યું હતું. લાલચમાં આવીને અહમદ રઝાએ અને તેનાભાઈએ સસ્તામાં ક્રિપ્ટો કરન્સી લેવાના ચક્કરમાં ટુકડે ટુકડે કરીને 21 જુન સુધીમાં 29.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી મોહમદ ગુલાલના વોલેટમાં 9.50 લાખ યુએસડીટી કોઈન જમા કરાવ્યા હતા. જ્યારે બાકીના 20 લાખના અહમદ રઝાના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે અનેક વખત કહ્યા પછી પણ વાયદાઓ કરી જમા કરાયા ન હતાં. કંપનીની વેબસાઈટ પરથી પુણેનું સરનામું મેળવતા ઓફિસમાં તપાસ કરાઈ હતી. પરંતુ ત્યાં પણ તાળા લાગેલા હતા. ત્યારબાદ રાહુલ રાઠોડનો નંબર બંધ આવતો હતો. જેથી અંતે તેને સાયબર ક્રાઈમમાં તેની સાથે 20 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top