SURAT

બોલો, સુરતમાં ઘરના સભ્યની નજર સામે જ તસ્કરો ઘરમાંથી ચોરી કરીને બહાર નીકળ્યા

સુરતઃ (Surat) ઉધના ખાતે રહેતા જયરામભાઈ મતદાન માટે મહારાષ્ટ્ર (Maharashtra) જલગાંવ ગયા હતા. ત્યાંથી પરત આવ્યા ત્યારે મળસ્કે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોય તે પહેલા બે તસ્કરો (Thief) તેમની નજર સામે ઘરમાંથી રોકડ 80 હજાર અને સોના-ચાંદીના (Gold Silver) દાગીના મળી 4 લાખની ચોરી કરી નાસી ગયા હતા.

  • ઘરના સભ્યની નજર સામે જ તસ્કરો ઘરમાંથી ચોરી કરીને બહાર નીકળ્યા
  • યુવક પરિવાર સાથે મહારાષ્ટ્ર જલગાંવ મતદાન માટે ગયા અને મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે જ બે તસ્કરો ઘરમાંથી નીકળ્યા
  • તસ્કરો ઘરમાંથી રોકડા 80 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી 4 લાખની ચોરી કરી ગયા

ઉધના કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા 46 વર્ષીય જયરામ હિંમતભાઈ પાટીલ બાટલીબોય પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે. જયરામભાઈ મુળ મહારાષ્ટ્રમાં જલગાંવના વતની છે. જયરામભાઈના ગામમાં ચૂંટણી હોવાથી તેઓ પત્ની અને પુત્ર સાથે ગત 17 તારીખે તેમના ગામ હિંગોનેસિમ ખુર્દ ખાતે મતદાન કરવા ગયા હતા. 19 તારીખે તેઓ લક્ઝરી બસમાં બેસીને સુરત આવવા નીકળ્યા હતા. મળસ્કે પરિવાર સાથે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો લોખંડની ગ્રીલવાળો દરવાજો તથા લાકડાનો મેઈન દરવાજો ખુલ્લો હતો. જેથી ઘરની અંદર જઈને જોતા ઘરમાંથી બે અજાણ્યા તસ્કરો બહાર નીકળ્યા હતા. આ બંનેને જોઈને જયરામભાઈએ બુમો પાડતા બંને નાસી ગયા હતા. જયરામભાઈની બૂમો સાંભળી પડોશીઓ જાગી ગયા હતા. બાદમાં તેમના મિત્રએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. તસ્કરોએ ઘરમાં કબાટની તિજોરીમાંથી 80 હજાર રૂપિયા રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળીને કુલ 4 લાખની ચોરી કરી હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં લૂમ્સ ખાતામાં કારીગરોના પગાર માટે ઓફિસમાં રાખેલા ૩ લાખની ચોરી
સુરત : અલથાણમાં રહેતા અને પાંડેસરામાં જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સ ખાતુ ધરાવતાં કારખાનેદારે કારીગરોના પગારના મળીને કુલ ૩ લાખ રૂપિયા ઓફિસના ટેબલમાં મુક્યા હતા. આ રૂપિયા ગત ૧૮ તારીખને રવિવારે તસ્કરોએ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. અલથાણ ખાતે આરડી પાર્ક સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષીય કમલેશભાઇ ઇશ્વરભાઇ પટેલ મુળ ઉંઝા મહેસાણાના વતની છે. તેઓ પાંડેસરા ગુ.હા.બોર્ડ દક્ષેશ્વર મંદીરની પાછળ જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં પાવર લુમ્સનું ખાતુ ચલાવે છે. ગત ૧૮ ડિસેમ્બરે રવિવારે કારખાનામાં રજા હતી. જેથી સાંજે ૫ વાગે કમલેશભાઈ કારખાનું બંધ કરી ઘરે નિકળી ગયા હતા. કારીગરોના પગાર કરવા માટે કારખાનાની ઓફીસમાં રોકડા રૂપિયા ૩ લાખ મુકેલા હતા. બીજા દિવસે સવારે કારીગરો કારખાને આવ્યા ત્યારે ખાતામાં ચોરી થયાની જાણ થઈ હતી. કમલેશભાઈએ કારખાને આવીને જોતા સીડીના ગેટનું લોક તુટેલું હતુ. તથા લોખંડની ગ્રીલનું લોક અને ઓફીસના દરવાજાનો કાચ પણ તોડેલો હતો. ઓફીસમાં તપાસ કરતા ટેબલના ખાનાનું લોક તોડી ખાનામાં મુકેલા કારીગરો માટેના પગારના રૂપિયા ૫૦ હજાર મળી આવ્યા ન હતા. તથા બાજુમા તિજોરીમાં મુકેલા રૂપિયા ૨.૫૦ લાખ પણ ગાયબ હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top