SURAT

બે દિવસ સજ્જડ બંધ રહ્યા બાદ સોમવારથી કાપડ માર્કેટ, હીરા બજારો અને પાવરલૂમ એકમો શરૂ

સુરત: (Surat) શહેરમાં તીવ્ર ગતિએ વધી રહેલા કોરોનાને રોકવા માટે મનપાની અપીલ બાદ શહેરના કાપડ માર્કેટ, હીરાબજાર (Textile Diamond Market) તેમજ કેટલાક વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક રીતે બે દિવસ બંધ રાખ્યા બાદ સોમવારથી ફરીથી વેપાર ઉદ્યોગ રાબેતા મુજબ ધમધમતા થઇ જશે. બે દિવસ દરમિયાન કેટલાક વેપારીઓ (Traders) અને મજૂરોએ આરટીપીસીઆર ટેસ્ટ અને કોરોના વેક્સિન લેતા સોમવારે માર્કેટમાં કોરોના વેક્સિનને લઇ મજૂરો અને મનપાના કર્મચારીઓ વચ્ચે થતો વિવાદ ઓછો રહેશે તેવી સંભાવના છે. કાપડ માર્કેટમાં મોટી સંખ્યામાં પાર્સલો (Parcel) ટ્રાન્સપોર્ટ મોકલવામાં આવશે, જ્યારે હીરા ઉદ્યોગમાં પણ રાબેતા મુજબ વેપાર શરૂ થશે.

સોમવારે કાપડ માર્કેટ ઉઘડવાની સાથે જ સૌપ્રથમ વેપારીઓ માટે કાપડ પાર્સલોને ટ્રાન્સપોર્ટ સુધી પહોંચાડવાનું કામ પ્રાયોરિટીમાં રહેશે. બે દિવસથી માર્કેટો બંધ રહેતા હજ્જારો પાર્સલો માર્કેટોની ગેલેરીમાં સ્ટોક થયા છે. જેને ક્લીયર કરવામાં આવશે. હાલ લગ્નસરાની સીઝનને લીધે કાપડ માર્કેટમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ બન્ને સેગમેન્ટમાં સારી ઘરાકી હોવાથી મોટાપાયે પાર્સલો અન્ય રાજ્યોમાં મોકલાઇ રહ્યા છે પરંતુ કોરોનાને લીધે વાંરવાર વિક્ષેપ આવતા પાર્સલો અટવાઇ રહ્યા છે.

હીરા ઉદ્યોગમાં પણ શુક્રવારે ડાયમંડ બ્રોકર એસોસિયેશન દ્વારા મહિધરપુરા, મીનીબજાર અને ચોકસીબજાર શનિવારે અને રવિવારે બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ બે દિવસ બન્ને બજારો જડબેસલાક બંધ રહ્યા હતા. સોમવારે ફરીથી બજાર ખુલતા ટ્રેડિંગના કામકાજો થશે.

વિવર્સોની સંસ્થા ફોગવાએ પણ અલગ-અલગ વિવિંગ સોસાયટીઓમાં સાડા ચાર લાખ લૂમ્સ મશીનોને સોમવાર સુધી બંધ રહેવાની અપીલ કરી હતી. જોકે પાંડેસરા અને સચિનને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં કેટલાક યુનિટ સંચાલકોએ બંધ પણ રાખ્યા હતા. બે દિવસ બંધ રહ્યા બાદ તમામ યુનિટો સોમવારથી ફરીથી ધમધમતા થઇ જશે. કેટ સાથે સંકળાયેલી કેટલીક રિટેલ વેપારી સંસ્થાઓએ પણ કોરોના ચેઇન તોડવા માટે શનિવારે અને રવિવારે બંધ રાખવાની સંમતિ દર્શાવી હતી તે તમામ રિટેલ દુકાનો પણ સોમવારથી શરૂ થઇ જશે.

જણાવી દઈએ કે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા ‘બ્રેક ધ ચેઈન’બે દિવસ સ્વયંભૂ બંધના એલાનને પગલે સમગ્ર ટેકસટાઈલ માર્કેટ વિસ્તાર અને હીરા બજારના વિસ્તારોએ સંપૂર્ણ સજ્જડ રીતે બંધ પાળ્યો હતો. એવીજ રીતે સુરત મહાનગર પાલિકાની હદમાં આવેલા વિવિંગ ઉદ્યોગે સંપૂર્ણ પણે બે દિવસના બંધને સમર્થન આપી 4.50 લાખ પાવરલૂમ બંધ રાખ્યા હતા. આજે રિંગરોડ અને સારોલીની 200 જેટલી કાપડ માર્કેટોએ જડબેસલાક બંધ પાળ્યો હતો. તેને લીધે કાયમ ટ્રાફિકથી ઉભરાતા રિંગરો઼ડ અને સારોલી-પૂણા વિસ્તાર સુમશાન થઇ ગયો હતો. એવીજ રીતે વરાછા મીની હીરા બજાર,ચોકસી બજાર, મહિધરપુરા હીરાબજાર અને કતારગામ નંદૂડોશીની વાડીમાં આવેલું હીરાબજાર પણ બંધ રહ્યુ હતું. એવીજ રીતે હીરા બજારોમાં આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટ પણ બંધ રહ્યા હતા. હીરા બજારોમાં કેટલીક ઓફિસો ચાલુ રહી હતી. જેમાં બહારગામના ઓર્ડર પુરતુ કામકાજ થયુ હતુ. જ્યારે કાપડ માર્કેટ બંધ રહેતા માર્કેટોમાં કાપડના પાર્સલોના ઢગલા થયા હતા.

Most Popular

To Top