SURAT

જેના સ્મરણથી પાપમુક્તિ મળે છે તે તાપી માતાને તેમના જન્મદિવસે 1100 મીટરની ચૂંદડી અર્પણ કરાઈ

સુરત: સુરતની (Surat) જીવાદોરી સમાન તાપી નદીનો (Tapi River) આજે જન્મ દિવસ છે. તાપીનો નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો. સમગ્ર વિશ્વમાં તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેવી તાપી નદીના જન્મદિવસની ઉજવણી આજે પણ ધૂમધામથી કરવામાં આવી છે. દર વર્ષની જેમ તાપી નદીને ચુંદડી ઓઢાડી પૂજા કરાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે પણ પૂજા કરી હતી.

  • ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે: કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ
  • કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે પણ તાપી માતાની પૂજા કરી

આજે તાપી માતાના જન્મદિવસે સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજ્યમોટા સૂર્યોદય ઘાટે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તાપી માતાને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. દર્શના જરદોશે જણાવ્યું હતું કે સૂર્યપુત્રી મા તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરમાં કુરુક્ષેત્ર પવિત્ર સ્થાને મા તાપી માતાના જન્મદિવસ નિમિતે લોકોએ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરીને ચૂંદડી અર્પણ કરી. તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર હમેંશા વિકસતું અને ધબકતું રહ્યું છે. આફતને અવસરમાં બદલનાર આ સુરત શહેરને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તે માટે તાપી માતાના જન્મદિવસે પૂજા અર્ચના કરી છે.

કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યું હતું કે ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. આજે તાપી માતાનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં કુરુક્ષેત્ર ધામ ખાતે ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

તાપી નદીના તટે વસેલા સુરત શહેરના લોકોની આસ્થા તાપી નદી સાથે અતૂટ રીતે જોડાયેલી છે. ભક્તિ ભાવપૂર્વક તાપી માતાનો જન્મ ઉત્સવ દબદબાભેર ઉજવાય છે. 

Most Popular

To Top