Gujarat

અમદાવાદની ગધેડાવાળી ચાલીમાં સ્થાનિકો અને કિન્નરો સામસામે આવતા મામલો ગરમાયો

અમદાવાદ: અમદાવાદની (Ahmedabad) એક ચાલીમાં જૂની અદાવત રાખી સ્થાનિકો અને કિન્નરો (Kinner) વચ્ચે ધર્ષણ થયું હતું જેમાં 150 કરતા વધુ લોકો સામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધવામાં આવી છે. તેમજ મામલો એટલો ગરમાયો હતો કે આગચંપીની ઘટનાને પણ અંજામ આપવામાં આવ્યો હતો જેમાં કોઈ જાનહાનિતો ન હતી થઈ પણ કિન્નરોના ઘર અને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

  • 150 કરતા વધુ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય
  • આંગચંપીની ઘટનાના કારણે કિન્નરોના ઘર અને વાહનો બળીને ખાખ

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સુપ્રીમ હોટલ પાસે આવેલી ગધેડાવાળી ચાલીમાં શનિવારે સવારે એક યુવક તેમજ ઝોયા નામના કિન્નર વચ્ચે કોઈક કારણસર તૂ તૂ મેં મેં થઈ ગઈ હતી. જેની અદાવત રાખી યુવકે શનિવારની રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ લોક ટોળું ભેગું કરી હાથમાં ડંડા, લાકડી અને તલવાર લઈ આશિયાના બાનુ ઉર્ફે સલ્લુદેના ઘરની પાસે પહોંચ્યું હતું અને મારામારી કરવા લાગ્યું હતું. જેનાં કારણે કિન્નરોએ પણ લાકડી ડંડા લઈ યુવક અને લોકટોળા પર પલટવાર કર્યો હતો.

મામલો એટલો ગરમાયો હતો કે લોક ટોળામાંના એક વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ ફેંકી આશિયાના બાનુના ઘર અને તેનું બુલેટ સળગાવી દીધું હતું. મારામારી વચ્ચે આગચંપીની ઘટના બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી કાગડાપીઠ, દાણાપીઠ અને ગાયકવાડ પોલીસ એમ ત્રણેય પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ સાથે આગ ભીષણ ન બને તે માટે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લઈ લીધી હતી જો કે સમગ્ર ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે બીજી તરફ પોલીસે પણ ગધેડાવાળી ચાલમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે બંને પક્ષે 150થી વધુ લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધી હતી અને કેટલાકની અટકાયત કરી હતી.

Most Popular

To Top