SURAT

સુરત: રોગચાળામાં વધુ 3 માસુમ અને એક કિશોરી સહિત મહિલાનું મોત, આંકડો 29 ને પાર

સુરત: સુરતમાં (Surat) છેલ્લા 12 કલાકમાં વધુ ત્રણ માસુમ બાળકો, એક કિશોરી સહિત મહિલાનું ઝાડા ઉલટી અને તાવમાં મોત (Death) નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહી પણ ઉપરા ઉપરી રોગચાળામાં મોતની ઘટના વધતા પાલિકાની (SMC) બેદરકારી ખુલ્લી રહી હોય એમ કહી શકાય છે. આ સાથે રોગચાળામાં મોત ને ભેટેલાઓનો આંકડો 29ને પાર થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

જાફરભાઈ (માસુમ દીકરાના કાકા)એ જણાવ્યું હતું કે ભત્રીજાના જન્મ બાદ એને તાવ આવતા બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ રજા આપી દેવાય હતી. જોકે ઘરે આવ્યાના ત્રીજા દિવસે ફરી તાવ ઉથલો માર્યા બાદ કમળો થઈ ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ રોગચાળામાં છીનવાઇ જતા પરિવાર શોકમાં ડૂબી ગયું હતું. યુપીના રહેવાસી ઇરફાનભાઈ અબાજ બે વર્ષથી સુરતમાં સિલાઈ કામ કરી રોજગારી મેળવી રહ્યા હતા. પિંકી બહેનને આ ત્રીજી પ્રસુતિ હતી.

મનોજ કનોજીયા (આસ્થા ના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ યુપીના રહેવાસી અને ડીંડોલીના લષ્મી નારાયણ નગરમાં રહે છે. દીકરી આસ્થાના અચાનક પેટમાં દુખાવો અને ઝાડા થઈ જતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તેણીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ધોરણ-8 બાદ દીકરી આસ્થા બીમારી ને લઈ ઘરે જ રહેતી હતી. બે વાર ટ્યુમરનું ઓપરેશન કરાવ્યું હતું. ત્રણ સંતાનોમાં આસ્થા સૌથી નાની દીકરી હતી. મજૂરી કામ કરી સહપરિવાર નું ગુજરાન કરતા હતા.

મૃતક નસીમબાનું મહમદ સીદીકિ ઉ.વ. 40 રહે પખાલી વાડ ચોક બજારના બહેને જણાવ્યું હતું કે નસીમબાનું કુંવારા હતા. ચાર ભાઈઓમાં બે ભાઈઓ સાથે રહેતા હતા. બે-ચાર દિવસથી ઝાડા-ઊલટીઓ થતી હતી. નજીકના દવાખાનાની સારવાર ચાલી રહી હતી. 13મીની સાંજે તબિયત બગડતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

અવિનાશ મગનભાઈ (મૃતક બાળકીના પિતા) કહ્યું હતું કે મોગરી 7 મહિનાની જ હતી. બે દિવસથી તાવ-ઝાડા અને ઊલટીઓ થઈ રહી હતી. મહારાષ્ટ્ર નંદુરબારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ એને સુરત રીફર કરાઈ હતી. સિવિલ લઈ આવતા જ મૃત જાહેર કરાઈ હતી.

પ્રમોદ યાદવ (માસુમ દીકરીના પિતા) એ કહ્યું હતું કે નિશા માત્ર બે મહિનાની હતી. લગ્ન બાદ આ પહેલુ બાળક હતું. અચાનક ખાંસી સાથે તાવ આવતા એને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં નિશાને મૃત જાહેર કરાઈ હતી. જોકે મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.

Most Popular

To Top