SURAT

પૂણા વિસ્તારમાં બાળકને હાથો બનાવી અફીણ મોકલનાર ગોપાલને પકડવા પોલીસે કરી આ કાર્યવાહી

સુરત: (Surat) બે દિવસ પહેલા પૂણા વિસ્તારમાંથી પકડાયેલા અફીણના (Opium) કેસમાં પોલીસે (Police) બાળકને જૂવેનાઇલ કોર્ટમાં રજૂ કરીને સગીરને બાળહોમમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ બાળકને હાથો બનાવીને અફીણની હેરાફેરી (Smuggling) કરનાર ગોપાલને પકડવા માટે સુરત પોલીસની ટીમ રાજસ્થાન રવાના થઇ છે, ગોપાલ પકડાયા બાદ જ હવે આગળની માહિતી બહાર આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી એક સગીર 1.98 લાખની કિંમતના અફીણ સાથે પકડાયો હતો. પોલીસે આ સગીરની પુછપરછ કરતા તેને રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના પારસોલી તાલુકાના ઇટાવા ગામનો રહેવાસી ગોપાલ રતનજી શર્માએ અફીણ આપ્યું હોવાનું કહ્યું હતું. ગોપાલે સગીરની આવવા-જવાની ટીકીટ, જમવાનો ખર્ચો અને એક મોબાઇલ પણ આપ્યો હતો. જો કે, આ સગીર પોલીસની સામે જ જોઇ રહેતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે સગીરની સામે જૂવેનાઇલ જસ્ટીસ એક્ટ મુજબ કાર્યવાહી કરીને તેને જૂવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે પૂણા પોલીસને બાળકની કસ્ટડી આપી ન હતી. બીજી તરફ ગોપાલને પકડવા માટે પૂણા પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઇ હતી. ગોપાલની ધરપકડ બાદ જ ચોક્કસ માહિતી બહાર આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગોપાલ ડ્રગ્સનો વેપાર કરી રહ્યો છે. અનેકવાર ગોપાલે અફિણની ખેપ મારી હોવાનું પણ પોલીસ પુછપરછમાં બહાર આવ્યું છે. ત્યારે ગોપાલે આ બાળકને પોતાનો હાથો બનાવીને અફીણ સુરત મોકલ્યું હતું. બાળકોની કસ્ટડી પણ મળતી નથી અને બાળકોને રાત્રી દરમિયાન પોલીસ મથકમાં પણ રાખવામાં આવતા નહીં હોવાના કાયદા જાણીને ગોપાલે સગીરને હાથો બનાવ્યો હતો. ગોપાલે આવી રીતે અન્ય કોઇ બાળકોને પણ અફીણ આપીને વેપાર કર્યો છે કે નહી..? તે આગામી દિવસોમાં બહાર આવશે.

બાળકોને પહેલા ડ્રગ્સના બંધાણી બનાવીને પેડલર બનાવાય છે : વકીલ પ્રતિભા દેસાઇ
આ અંગે માહિતી આપતા વકીલ પ્રતિભા દેસાઇએ જણાવ્યું હતું કે, બાળકોને શરૂઆતમાં વિવિધ નશાકારક પ્રદાર્થોના બંધાણી બનાવવામાં આવે છે. બાળકોને ડ્રગ્સ, ગાંજો, દારૂ સહિતના પ્રદાર્થો આપવામાં આવે છે. બાળકો પહેલા બંધાણી બની જાય પછી તેનો ધંધામાં ઉપયોગ કરીને આવી તમામ નશાકારક વસ્તુઓની ખેપ મારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ અનેક બાળકો આવી રીતે પેડલર બન્યા હતા. મજૂર વર્ગમાં માતા-પિતા બાળકો ઉપર ધ્યાન આપતા નથી અને બાળકોને ખુલ્લા છોડી દે છે. ત્યારે અસામાજીક તત્ત્વો આવા બાળકોને ટાર્ગેટ કરીને તેઓને ડ્રગ્સના ધંધામાં લાવી દે છે અને ગેરકાયદેસરના ધંધામાં તેનો ઉપયોગ કરે છે.

Most Popular

To Top