SURAT

74 લાખનો મામલો- પહેલો ફોન પેઢીમાંથી રૂપિયા લેવા, બીજો ફોન જે એડ્રેસ આપે ત્યાં રૂપિયા આપવા..

સુરત: (Surat) મહિધરપુરામાં ચેકિંગ કરતાં જ સ્ટેટિક ટીમને એક ગાડીમાંથી રોકડા રૂ.74.80 લાખ મળી આવ્યા હતા, જેમાં ઇનોવા ડ્રાઇવર (Driver) અને એક યુવક પકડાઈ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવક ભાગી જવામાં સફળ રહ્યા હતા. આખી ઘટનાને રાજકીય રૂપ આપવાનો પ્રયાસ થતાં ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે આઇટી ડિપાર્ટમેન્ટે (IT Department) પણ તપાસ હાથ ધરી હતી. પણ હજી સુધી રૂપિયા કોના છે? અને ક્યાંથી આવ્યા છે? સહિતની બાબતો બહાર આવી નથી.

  • પહેલા ફોનમાં મહિધરપુરામાં શ્રી રામ નામની આંગડિયા પેઢીમાંથી રૂપિયા લેવા કહ્યા, બીજા ફોને જે એડ્રેસ આપે ત્યાં રૂપિયા આપવાના હતા
  • મહિધરપુરા ચેકિંગમાં સ્ટેટિક ટીમને ઇનોવા કારમાંથી રોકડા રૂ.74.80 લાખ મળ્યા, મામલો આઇટીમાં પહોંચ્યો

આગામી પહેલી ડિસેમ્બરની (December) સુરત શહેર-જિલ્લાની 16 વિધાનસભાની બેઠકની ચૂંટણીને જોતાં મંગળવારે મોડી રાતે મહિધરપુરા પોલીસ મથક પાસે જ સ્ટેટિક ટીમ ગાડીઓનું ચેકિંગ કરી રહી હતી. તેવામાં જ 23.30 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્ર પાસિંગની એમએચ-04-એએસ-9907 નંબરની ઇનોવા કારની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી રોકડા રૂ.74.80 લાખ મળી આવ્યા હતા. જેથી સ્ટેટિક ટીમે ડ્રાઇવર સહિતના બે યુવકની પૂછપરછ કરી હતી. પરંતુ મોકાનો લાભ લેતાં જ એક યુવક ભાગી ગયો હતો. જ્યારે ડ્રાઇવર અને એક યુવકને પકડી લેવાયા હતા. એ પછી મોડી રાતે બંને પોલીસ મથક લાવી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં એક નવી દિલ્હીનો રહેવાસી ઉદય ગુર્જર અને બીજો સુરતનો મહમ્મદ ફૈજ હોવાનું જણાયું હતું.

જ્યારે સ્ટેટિક ટીમ અને પોલીસને ચકમો આપનાર યુવકનું નામ સંદીપ અને તે કર્ણાટકનો હોવાનું જાણવામાં આવ્યું હતું. પોલીસે સંદીપને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરે એવું કબૂલ્યું હતું કે, મહિધરપુરામાં શ્રી રામ નામની આંગડિયા પેઢી આવી છે. જ્યાંથી રૂપિયા લઇ બીજા ફોનમાં જે એડ્રેસ આપે, ત્યાં રૂપિયા આપવાના હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટિક ટીમે રોકડા રૂ.74.80 લાખ આઇટી ડિપાર્ટમેન્ટને સોંપીને સીઝ્ડ કરી હાલમાં જિલ્લા તિજોરી શાખામાં મૂકવા માટે આપ્યા છે. ડ્રાઇવર સાથે પકડાયેલો અન્ય એક યુવક કોણ હતો અને તેને શું કામગીરી સોંપી હતી સહિતની બાબતોની તપાસ ચાલી રહી છે.

રોકડ રકમ કે આરોપીઓ સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ પ્રકારના સંબંધ નથી
મહિધરપુરામાં મંગળવારે મોડી રાતે તપાસમાં મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી કોંગ્રેસના વીવીઆઇપી પાસ મળી આવ્યા હોવાની વાત બહાર આવી હતી. પણ તે મામલે કોંગ્રેસ પાર્ટીના નૈષધ દેસાઇએ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ સાથે કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમનું કહેવું એમ હતું કે, રોકડ રકમ કે આરોપીઓ સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ પ્રકારના સંબંધ નથી અને હવે જ્યારે આ પ્રકરણમાં આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો આગામી દિવસમાં સત્ય બહાર આવશે.

ચૂંટણી પંચ એલર્ટ મોડ પર
પહેલા તબક્કાની વિધાનસભાની ચૂંટણી પહેલી ડિસેમ્બરે છે. તેવામાં જ મોટા પ્રમાણમાં રોકડ રકમની હેરાફેરી થતી હોવાની શંકાથી ચૂંટણી પંચ એલર્ટ થઈ ગયું છે. રોજેરોજની માહિતી ચૂંટણી પંચ દ્વારા મેળવવામાં આવી રહી હોવાની વાત છે. મહિધરપુરામાં પકડાયેલી કારના રોકડા કોંગ્રેસ પાર્ટીના કે પછી એના કોઈ નેતાના છે કે કેમ તે અંગે માત્ર શંકા જ વ્યક્ત થઈ છે.

પાંચેક પોલીસે દોઢ કલાકે રૂ.74.80 લાખ ગણ્યા
મહિધરપુરામાં કારમાંથી પકડાયેલા રોકડ રૂ.74.80 લાખ મળતા જ પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા હતા. ડ્રાઇવર સહિતના યુવકની પૂછપરછ બાદ પોલીસ મથકમાં જ રોકડા રૂપિયાની ગણવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પાંચેક જેટલા પોલીસ જવાનોએ દોઢ કલાકની જહેમત ઉઠાવીને 500 રૂપિયાની ચલણી નોટો ગણવાનું કાર્ય હાથ ધર્યું હતું.

Most Popular

To Top