SURAT

સુરતના સિંગણપોરમાં જમીન પરથી ગેરકાયદે કબજો ખાલી કરવા માટે વૃદ્ધ પાસે બે કરોડની ખંડણી માંગી

સુરત: (Surat) વેડરોડ ખાતે રહેતા વૃદ્ધની સિંગણપોરમાં ટીપી 26 માં કરોડોની જમીન (Land) આવેલી છે. આ જગ્યા પર વર્ષ 2019 થી હરજી રબારીએ 30 જેટલા બોગસ કબજા રસીદો બનાવી ગેરકાયદેસર કબજો (Illegal Possession) કર્યો હતો. આ કબજો ખાલી કરવા માટે રબારીએ વૃદ્ધ પાસેથી બે કરોડની ખંડણી માંગી હતી. વૃદ્ધ દ્વારા સિંગણપોર પોલીસમાં લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ કરાતા વધારે તપાસ હાથ ધરાઈ છે.

વેડરોડ ખાતે નારાયણમૂનિ સોસાયટીમાં રહેતા 73 વર્ષીય લાલજીભાઈ દયાળભાઈ પટેલ હાલ નિવૃત્ત જીવન જીવે છે. તેમની સીંગણપોર ખાતે સર્વે નંબર ૧૦૯/પૈકી ૧ ક્ષેત્રફળ ૧૬,૬૯૧ ચો.મી તેનો ટી.પી સ્કીમ નંબર ૨૬ સિંગણપોરમા ફાળવેલ પ્લોટ નંબર ૭૫, ૭૬, ૭૭ વાળી કરોડોની જમીન આવેલી છે. હરજીભાઈ અરજણભાઇ રબારીએ તેમના મળતિયાઓ સાથે મળીને ખોટી સહી તથા કચેરીના બનાવટી સિક્કા કરી તમામ ખોટી કબ્જા રસીદો બનાવી હતી. તેમજ પાવર ઓફ એટર્ની હોલ્ડર ગોરધનભાઈ અરજણભાઈ દુધાત દ્વારા કબ્જા રસીદો બનાવી આપી ન હોવા છતા કબ્જા રસીદોમાં ગોરધનભાઇ દુધાતની બનાવટી સહીઓ કરી હતી. અને લાલજીભાઈની માલિકીની આ જમીનમાં હરજીભાઇ અરજણભાઇ રબારી અને તેના મળતિયાઓએ જમીનના પ્લોટોમાં અલગ અલગ કુલ 30 વ્યક્તિઓના નામે બોગસ અને બનાવટી કબ્જા રસીદો બનાવી કાઢી હતી.

બાદમાં તમામે જમીન ઉપર કબજો કરી લીધો હતો. આ જમીનનો ગેરકાયદેસર કબ્જો કર્યા બાદ ધાક-ધમકી આપી આરોપીઓ દ્વારા લાલજીભાઈની માલિકીની જમીન પરથી ગેરકાયદેસર કબ્જો ખાલી કરવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ જમીન પર આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરી પાકા બાંધકામવાળા મકાન તથા ગાય ભેંસોના તબેલા બનાવી દેવાયા હતા. સિંગણપોર પોલીસે આ હરજીભાઈ અરજણભાઈ રબારી (રહે. એસ.એમ.વી.એસ મંદિરની સામે ડભોલી રોડ) ની સામે લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

જુની તારીખમાં બનાવટી કબજા રસીદ અને સ્ટેમ્પનો ઉપયોગ કર્યો
બનાવટી કબ્જા રસીદો પોતાના નામે બનાવનારા તમામ પ્લોટ હોલ્ડરોએ એકબીજાની કબ્જા રસીદમા સાક્ષી બનીને અરસ-પરસ સાક્ષી તરીકે સહીઓ કરી હતી. લાલજીભાઈની માલિકીની જમીન હોવા છતાં આ જમીનમાં આરોપીઓએ તેઓની માલિકીના ખોટા અને બનાવટી પુરાવાઓ ઉભા કર્યા હતા. ખોટી કબ્જા રસીદો જુની તારીખોમાં કોઇપણ રીતે વણ વપરાયેલા એડવોકેટના નામના સ્ટેમ્પ પેપર ઉપર તથા પાછલી તારીખમાં ઈસ્યુ થયેલા સ્ટેમ્પ પેપરોનો ઉપયોગ કર્યો હતો.

Most Popular

To Top