SURAT

લોકદરબારમાં ઘૂસી યુવકે સુરત પોલીસ કમિશનરને પૂછ્યું, ‘શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા કેમ ચાલે છે?’

સુરત : સુરત શહેરમાં ગુનાખોરીને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પબ્લીક ફ્રેન્ડલી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર રોજ બપોરે 12 કલાકે લોકદરબાર યોજે છે, જેમાં શહેરનો કોઈ પણ નાગરિક કોઈ પણ ખચકાટ વિના સીધી કમિશનરને જ ફરિયાદ કરી શકે છે. આ લોકદરબારમાં મળતી ફરિયાદોના પગલે અનેક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ છે, તો અનેકોવખત એવા બનાવ પણ બને છે જેમાં સુરત શહેરના પોલીસ કમિશનરની સુરક્ષા જોખમમાં મુકાઈ જાય છે. શુક્રવારે આવું જ બન્યું હતું.

  • પો.કમિ.ના લોકદરબારમાં ઘુસી આવેલા માનસિક અસ્થિરે હોબાળો મચાવ્યો
  • પો.કમિ. દર શુક્રવારે લોકદરબાર ભરતા હોવાથી ગમે તેવા લોકો પણ ઘૂસી આવે છે

લોકોને ખબર છે કે સુરતના પોલીસ કમિશનર અજય તોમર બપોરના બાર વાગ્યે લોકોને સીધા સાંભળે છે. જેથી લોકો સીધા તેઓ પાસે જઇને મળીને રજૂઆત કરતા હોય છે. તેમાં શહેરના પોલીસ સ્ટેશનોની ગેરરિતી તો બહાર આવે છે. જોકે, શુક્રવારે બપોરે આ લોક દરબારમાં માનસિક રીતે અસ્થિર યુવાન ઘૂસી આવ્યો હતો. તેણે પોલીસ કમિશનરને કહ્યું હતું કે, શહેરમાં દારૂ અને જુગારના અડા શા માટે ચાલે છે? તમે બંધ કરાવી દો. કમિ તોમરે યુવાનને શાંતિથી સાંભળ્યો હતો. બાદમાં અન્ય પોલીસ અધિકારીઓને આ યુવાન માનસિક રીતે અસ્થિર જણાતા તેને પકડી લીધો હતો. જોકે, કમિ. તોમરે યુવાનને છોડી દેવા માટે કહ્યું હતું. આ ઉપરાંત અન્ય એક કેસમાં એક ટાઉટ રિવોલ્વર અપાવવા માટે પો.કમિ. તોમર પાસે આવ્યો હતો. આ ટાઉટ તે થર્ડ પાર્ટી માટે આવ્યો હતો પરંતુ કમિ અજય તોમરે ત્વરિત જ આ ટાઉટની સામે તપાસ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

એક બોલેરો અને અશોક લેલનમાં પલસાણાથી લવાયેલો 6.33 લાખનો દારૂ ઝડપાયો, ત્રણ વોન્ટેડ
સુરત: શહેરના પાંડેસરા ખાતે પલસાણાથી એક બોલેરો અને એશોક લેલનમાં લવાઈ રહેલો 6.33 લાખનો દારૂ પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને ગાડીના ડ્રાઈવરને ઝડપી કુલ 15.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. પાંડેસરા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે પાંડેસરા સિધ્ધાર્થનગર સી.એન.જી. પમ્પ પાસે ઉધના-નવસારી મેઇન રોડ પરથી બે આરોપી પ્રવીણકુમાર ક્રિષ્ણારામ બિશ્નોઇ (ઉં.વ.28) (રહે., સાઇદીપ સોસાયટી, પ્લોટ નં.૭૨૦, જોળવા, તા.કડોદરા, જિ.સુરત તથા મૂળ ઝાલોર, રાજસ્થાન) તથા ભજનલાલ બાબુલાલ બિશ્નોઇ (ઉં.વ.31)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6.33 લાખની કિંમતના દારૂની 6336 બોટલ મળી હતી. ભજનલાલ અને પ્રવીણ બંનેએ સુનીલ ઉર્ફે શ્રીરામ બિશ્નોઇ તથા દેવાભાઇએ બોલેરો પિકઅપ તથા અશોક લેલનમાં દારૂનો જથ્થો ગેરકાયદે રીતે ભરી લાવ્યા હતા. અને આ દારૂનો જથ્થો મંગાવનાર મનોજ પટેલને આપવા જતા હતા. પોલીસે તેમને ઉધના-નવસારી મેઇન રોડ પર દારૂની હેરાફેરી કરતાં બોલેરો પિકઅપ નં.(GJ-05-BV-9580) તથા અશોક લેલન નં.(GJ-03-AX-9715) સાથે પકડી પાડ્યા હતા. જેમાં ચેક કરતાં ખાખી કલરનાં 132 બોક્સ (પેટી) હતાં. અને દારૂની 6336 બાટલી કિંમત 6.33 લાખ મળી આવી હતી. બોલેરો પિકઅપ ગાડીની કિંમત 6 લાખ અને અશોક લેલન દોસ્તની કિં.3.50 લાખ તથા બંને પાસે મળેલા મોબાઈલ અને રોકડ મળી કુલ 15.90 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સિવાય પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર સુનીલ ઉર્ફે શ્રીરામ વિરદારામ બિશ્નોઇ (રહે., સાંઇ દર્શન સોસાયટી, વરેલી, કડોદરા), દારૂનો જથ્થો મોકલનાર દેવાભાઇ તથા દારૂનો જથ્થો લેનાર મનોજ પટેલ (રહે.,ઉધના)ને વોન્ટેડ જાહેર કર્યા છે. ભજનલાલ બાબુલાલ બિશ્નોઇ સામે વરાછા પોલીસમાં દારૂના બે, ગોડાદરામાં એક ગુનો દાખલ છે. જ્યારે પ્રવીણ બિશ્નોઇ સામે કામરેજમાં એક ગુનો દાખલ છે.

Most Popular

To Top