SURAT

સુડામાં સમાવેશના 40 વર્ષ બાદ પણ ઓલપાડના આ ત્રણ ગામનો વિકાસ નહીં થતાં ખેડૂતોએ કહ્યું..

સુરત: 1982 થી 1984 દરમિયાન સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સામેલ ઓલપાડ અને ચોર્યાસી સહિતના તાલુકાઓના ગામો હજી વિકાસથી વંચિત છે. ત્યારે સુડાના 2035ના વિકાસ નકશામાં સામેલ ગામોમાં પણ વિકાસના કોઈ કામો નહીં થતા ખેડૂતો પોતાની જ જમીનનો ઉપયોગ ખેતી વિષયક વિકાસના કામો કે અન્ય હેતુઓ માટે કરી શકતા નથી. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી બનાવ્યા વિના જાહેર કરવામાં આવેલા સુડાના 2035 ડેવલપમેન્ટ પ્લાન સામેની 2016ની પિટિશનનું ઝડપી હિયરિંગ કરવા ખેડૂત સમાજ ગુજરાત તેમના ધારા શાસ્ત્રી મારફત હાઇકોર્ટને અપીલ કરશે.

  • સુડાનો 2035ના ગેરકાયદે વિકાસ નક્શો રદ કરો : ખેડૂત સમાજની માંગ
  • 2035 ડેવલપમેન્ટ પ્લાન સામેની 2016ની પિટિશનનું ઝડપી હિયરિંગ કરવા હાઇકોર્ટને અપીલ કરાશે

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં થયેલા સુધારા મુજબ કોઈ શહેરી વિસ્તારોમાં વિકાસ કરવાનો હોય ત્યારે મેટ્રો પોલિટિન પ્લાનિંગ કમિટી તથા જ્યારે કોઈ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કરવાનો હોય ત્યારે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી દ્વારા વિકાસ કરવાનો હોય છે. પરંતુ SUDA વિકાસ નકશો 2035 એ આવી કોઈપણ જાતની કમિટી બનાવ્યા વિના જ જાહેરનામાં દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

જે બાબતે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા લોક આંદોલન ચલાવવામાં આવ્યું હતું અને વિશાળ રેલી સ્વરૂપે સુડામાં 20 હજાર કરતા વધુ વધાઓ સુરત શહેર અને જિલ્લાના નાગરિકો દ્વારા આપવામાં આવ્યા હતા. ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં SCA 10033/2016 દાખલ કરવામાં આવી હતી. કોવિડ ની પરિસ્થિતિમાં હાલ નામદાર હાઈકોર્ટમાં હિયરિંગ ધીમુ ચાલી રહ્યું હતું પરંતુ ખેડૂત સમાજ ગુજરાત દ્વારા SCA દાખલ કરી ઝડપથી હિયરિંગ થાય એવા પ્રયત્નો કરવામાં આવનાર છે.

ખેડૂતોને પોતાની જ જમીનમાં કોઢાર કે ગોડાઉન બનાવી શકતા નથી : ખેડૂત સમાજ
સુરત: ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડના માસમા, અરિયાણા, અંભેટા જેવા ગામો સુડામાં સામેલ થયાને 30 -40 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં ડેવલપમેન્ટનું કોઈ પ્લાનિંગ થયું નથી. સુડાના વિકાસ નકશાના નામે માત્ર ખેડૂતોની જમીનો એગ્રિકલ્ચર ઝોનમાં મૂકી દેવામાં આવી છે. ખેડૂતોને ઓથોરિટી કોઢાર કે ગોડાઉન બનાવવા પણ મંજૂરી આપતી નથી. નવી શરતની જમીનોમાં એગ્રિકલ્ચર ટુ એગ્રિકલ્ચર પ્રિમિયમ લીધા વિના મંજૂરી મળતી નથી.કોઈપણ ડેવલપમેન્ટના આયોજન વિના ઓથોરિટી ખેડૂતોની 40 ટકા જમીનો કપાતમાં લઇ રહી છે.

Most Popular

To Top