Dakshin Gujarat

સુરત જિલ્લામાં પ્રવેશ કરાય તે પહેલાં ઓલપાડના ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો ઝડપાયો

ઓલપાડ: (Olpad) હાલના સમયમાં રોડ માર્ગે તથા ટ્રેન માર્ગે સુરત શહેરમાં ચરસ ઘુસાડવું મુશ્કેલ હોવાથી ડ્રગ્સ માફીયાઓ દરીયાઈ માર્ગે ડ્રગ્સ તેમજ ચરસનો (Charas) જથ્થો ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે. જે સંદર્ભે ઓલપાડ પો.સ્ટે.નો સ્ટાફ અને એસ.ઓ.જી. ની ટીમ (SOG Team) દ્વારા દરીયાઇ કાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરાઈ હતી. જેમાં ડભારી દરિયા કિનારે એક વાદળી કલરનાં નાના મીણીયા કોથળામાં ચરસ હોવાના અનુમાન સાથે બાતમી મળતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરતા મોટી માત્રામાં High Purity ચરસનો જથ્થો મળી આવ્યો હતો. હાલ આ ઝડપાયેલ રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓની સંડોવણી હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ ગુનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • ઓલપાડના ડભારી દરિયા કિનારેથી 13 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો
  • ખોડીયાર માતાનાં મંદિરથી ઉત્તર દિશા તરફ આશરે 1 કી.મી. અંતરે દરિયા કિનારેથી એક વાદળી કલરનાં નાના મીણીયા કોથળામાં 9 કિલો ચરસના પેકેટ મળી આવ્યા

ઓલપાડ પો.સ્ટે.નાં પોલીસ ઈન્સપેકટર વી.કે.પટેલ અને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેકટર બી.જી.ઇશરાણીએ સુરત ગ્રામ્યમાં ઓલપાડ પો.સ્ટે.નાં અને એસ.ઓ.જી.નાં માણસોની અલગ અલગ ટીમ બનાવી દરીયાઈ માર્ગે થતી તસ્કરી પકડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. દરમ્યાન ડભારી દરિયાકિનારે આવેલ ખોડીયાર માતાનાં મંદિરથી ઉત્તર દિશા તરફ આશરે એક કી.મી.ના અંતરે દરિયાકિનારેથી એક વાદળી કલરનાં નાના મીણીયા કોથળામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ જથ્થો કોઇ અજાણ્યા ઈસમે દરીયાઈ માર્ગે ગે.કા.રીતે મંગાવેલ પ્રતિબંધિત ચરસનો છે. જેનું ચોખ્ખુ વજન ૯.૦૪૦ કિલોગ્રામ છે. આ ચરસની અંદાજિત કિંમત.૧૩,૫૬,૦૦૦/- છે. આ જથ્થો સુરત ગ્રામ્યમાં ઘુસાડવામાં આવે તે પહેલાં પોલીસે તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ ઝડપી પાડયો હતો.

જણાવી દઈએ કે સુરત ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટિક્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે સુરત ગ્રામ્યમાં અન્ય રાજ્યોમાંથી તેમજ દરિયાઈ માર્ગે ચોરી છુપીથી સુરત ગ્રામ્યમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતાં ઈસમો ઉપર વોચ રાખી આ પ્રવૃત્તિને અટકાવવા કડક હાથે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. Stand Strong Against Drugs કેમ્પેઇન હેઠળ સઘન મુહીમ ચલાવવામાં આવી રહી છે. ફિશરમેન તથા દરીયાકાંઠા વિસ્તારના બાતમીદારોને સક્રિય કરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે દરીયાઈ માર્ગે થતી ડ્રગ્સ તસ્કરનીને અટકાવવા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top