SURAT

આ બધી સમસ્યાઓના કારણે જ ડેપ્યુટી મેયરના હોમ ગ્રાઉન્ડ વરાછા ઝોનમાં ‘આપ’ને મજબૂત કર્યો

સુરત: (Surat) સુરત શહેરનું રાજકીય કદ હમણા-હમણા બહુ વધી ગયું છે. ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સુરતના, રાજ્યના મંત્રીમંડળમાં ચાર મંત્રી સુરતના અને કેન્દ્રમાં એક મંત્રી (Minister) પણ સુરતના. આમ છતાં સુરતની હાલત ખાસ વખાણવાલાયક નથી. સ્માર્ટ સિટી બની ગયાના દાવા જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તિવકતા તો એ છે કે, નાનાં-નાનાં શહેરોમાં હોય છે તેવી મૂળભૂત સમસ્યાઓથી પણ સુરતની પ્રજાને છૂટકારો મળ્યો નથી. આજે વાત કરીએ સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીના હોમ ગ્રાઉન્ડ વરાછા ઝોનની. (Varacha Zone) આ એવો વોર્ડ છે કે, અહીંથી ચુંટાયેલાં અસ્મીતા શીરોયા અઢી વર્ષ મેયર રહ્યાં હતાં. તો વરાછા રોડ પરથી ધારાસભ્ય બનેલા કુમાર કાનાણી હજુ હમણા સુધી રાજ્યમાં મંત્રી હતા. આમ છતાં આ ઝોનની સમસ્યાઓ દૂર કરાવી શક્યા નથી. તેનું કારણ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ અને વહીવટી તંત્રની નઘરોળતા છે. તેથી તો એક સમયનો ભાજપનો આ ગઢ હવે આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ બની ગયો છે. આ ઝોન એવો છે જ્યાં ગંદકી, દબાણ, ગેરકાયદે બાંધકામ, રસ્તાની ખરાબ હાલત, રખડતાં ઢોર અને કૂતરાંનો ત્રાસ એમ તમામ સમસ્યા મોજૂદ છે. હવે તો વરાછા ઝોનના બે ભાગ પાડીને અધિકારીઓનો બોજ પણ ઘટાડાયો છે. આમ છતાં સ્થિતિ જૈસે થે જેવી જ છે.

વરાછા ઝોનના 35 ટકા વિસ્તારોમાં ગંદકીના ગંજ
વરાછા ઝોન એવો વિસ્તાર છે જ્યાં ગીચતા છે. આથી ખાસ કરીને સફાઇ અને દબાણો બાબતે ખાસ ધ્યાન આપવું પડે. જો કે, ઝોનના તંત્રએ ક્યારેય આ બંને બાબતે કોઇ ખાસ ધ્યાન આપ્યું જ નથી. આથી અહીં સમસ્યા સતત વકરી છે. ગીચતા ધરાવતા ઘનશ્યામનગર, કાપોદ્રાનો ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, ખાડી કિનારાની સોસાયટીઓ, વિવેકાનંદ સોસાયટી, ગાયત્રી મેઇન રોડ-બીઆરટીએસ રોડ, નદી કિનારે ધરતીનગર, બોમ્બે માર્કેટની આજુબાજુ, એ.કે.રોડ પરની અનેક સોસાયટીઓ, ફૂલબજાર, સવાણી એસ્ટેટ સહિત આ ઝોનના અંદાજે 35 ટકા વિસ્તારો એવા છે જ્યાં કાયમ ગંદકીના ગંજ ખડકાય છે. જો સ્વચ્છતા સરવેની ટીમ અહીં રાઉન્ડ લગાવે તો કદાચ સુરત સ્વચ્છતામાં પ્રથમ 100 શહેરમાં પણ ના આવે તેવી હાલત છે. આમ છતાં તંત્ર અહીં સફાઇ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું છે.

અહીં મોટા ભાગના મુખ્ય રસ્તા પર 50 ટકાથી વધુ દબાણો
ગીચતા ધરાવતા વરાછા ઝોનના મોટા ભાગના રસ્તા એવા છે, જેના પર દબાણોને કારણે રાહદારીઓને માત્ર 50 ટકા રસ્તો વાપરવા મળે છે. વરાછા મેઇન રોડ પર ગીતાંજલિ સિનેમાથી છેક નાના વરાછાના ઢાળ સુધી રસ્તાની બંને બાજુ દબાણકર્તાઓ કબજો જમાવીને બેસે છે. આ સિવાય, કાપોદ્રાથી રચના જતો રસ્તો, ગોપાલ સર્કલ, ગાયત્રી મેઇન રોડ, સીતાનગર ચોક, બરોડા પ્રિસ્ટેજથી લાભેશ્વર અને ત્યાંથી માતાવાડી, ઈશ્વરકૃપા રોડ, એ.કે.રોડ પર બીઆરટીએસ રૂટ, હીરાબાગ એમ મોટા ભાગના તમામ રસ્તા પર અડધો રસ્તો તો લારી-ગલ્લા અને ફેરિયાઓથી ભરાયેલો રહે છે. આથી આ ઝોનમાં ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ વધી છે. જો કે, લોકોને પડતી હાલાકી બાબતે અધિકારીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે.

કૂતરાં કરડવાની બીકથી બાળકોને બહાર રમવા દેવામાં પણ જોખમ
ગીચતા અને ગંદકીની સાથે સંકળાયેલું અન્ય એક ન્યૂસન્સ વરાછા ઝોનમાં વકર્યું છે, તે છે કૂતરાંના ત્રાસનું. વરાછા ઝોનમાં એ.કે.રોડથી હીરાબાગ, ફૂલવાડી, સીતાનગર ચોકથી કલ્યાણનગર, લક્ષ્મણનગર, લાભેશ્વર, રચના સોસાયટી ચાર રસ્તા, લંબે હનુમાન રોડ, ત્રિકમ નગર વગેરે વિસ્તારમાં કૂતરાંની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ વિસ્તારો એવા છે કે જ્યાં રાત્રે તો ઠીક દિવસે પણ કૂતરાંથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ વિસ્તારમાં કૂતરાં કરડી જશે તેવી બીકથી બાળકોને બહાર રમવા દેવામાં પણ જોખમ છે.

Most Popular

To Top