Sports

કુંબલે, ટોમ મૂડી નહીં આ ખેલાડી બનશે ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રવિ શાસ્ત્રીને હટાવી દેવાનું લગભગ ફાઈનલ થઈ ગયું છે. T-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીને હટાવીને નવા કોચની નિમણૂંક કરી દેવા બાબતે છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા ચાલી જ રહી છે. ટોમ મૂડી, અનિલ કુંબલે સહિત કેટલાંય નામો મીડિયામાં ચર્ચાયા છે, પરંતુ છેલ્લી જાણકારી અનુસાર ભારતીય ટીમના આ દિગ્ગજ ખેલાડીને હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવે તે ફાઈનલ થઈ ગયું છે.

ભારતના બેટિંગ લેજેન્ડ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવા માટે પૂરી રીતે તૈયાર છે, શરૂઆતી અનિચ્છા બાદ તેમણે બીસીસીઆઈની (BCCI) દરખાસ્ત મંજૂર કરી હતી તેઓ યુએઈમાં ટી-20 વર્લ્ડ કપ (T-20 WorldCup) બાદ આ પદ સંભાળશે.

‘રાહુલ 2023 વિશ્વ કપ સુધી ભારતીય ટીમના કોચ બનવા તૈયાર થયા છે. શરૂઆતમાં તેમની ઈચ્છા ન હતી પણ આઈપીએલ ફાઈનલને સમાંતર અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે રાહુલ સાથે બેઠક કરી હતી અને તેમને રાજી કર્યા હતા, એમ બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન જણાવવાની શરત પર કહ્યું હતું. ‘આ એક વચગાળાની ભૂમિકા નહીં હોય’, એમ તેમણે ઉમેર્યું હતું.

48 વર્ષીય દ્રવિડ ભારત માટે રમનાર શ્રેષ્ઠ બેટ્સમેન પૈકી એક હતાં, તેઓ છેલ્લા 6 વર્ષથી રાષ્ટ્રીય ‘એ’ અને અન્ડર 19 ટીમના કોચ હતાં અને તેમણે બનાવેલી પદ્ધતિ મારફતે ઋષભ પંત, આવેશ ખાન, પૃથ્વી શૉ, હનુમા વિહારી અને શુભમન ગિલ જેવા કેટલાંક સારા ખેલાડીઓ સામે આવ્યા હતાં.

દ્રવિડના વિશ્વાસુ પારસ મહામ્બ્રે બોલિંગ કોચ બને તેવી અપેક્ષા છે જ્યારે વિક્રમ રાઠોર બેટીંગ કોચ તરીકે ચાલુ રહેશે. બોર્ડના ટોચના અધિકારીઓ વિચાર કરી રહ્યા છે કે દ્રવિડના ભારતીય ક્રિકેટમાં પ્રતિભાઓના સ્ત્રોતના બહોળા જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, તેમની ભૂમિકા માત્ર મુખ્ય કોચ તરીકે સીમિત નહીં હોય પણ સર્વગ્રાહી રહેશે.

ભારતીય ‘એ’ અને અન્ડર 19 ટીમોને પોત પોતાના કોચ મળશે ત્યારે બીસીસીઆઈ દ્રવિડને સમસ્ત કોચના વડા બનાવી શકે છે જેમને એનસીએ સ્ટાફ સહિત સમસ્ત ક્રિકેટ ખાતાઓ રીપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ સાથે વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

Most Popular

To Top