SURAT

સુરત એરપોર્ટના સૂચિત ક્રોસ રનવે માટે જમીન સંપાદનમાં લેવા મામલે સુડા-ખુડાની ખો

સુરત: (Surat) કેન્દ્રના નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટના રનવે વિસ્તરણ સહિતના પ્રોજેકટ માટે વધારાની જમીન સંપાદનમાં (Land Acquisition) લેવા જણાવતા સુરત ઐરપોર્ટ મેનેજમેન્ટ ઓથોરિટીના વડા જિલ્લા કલેક્ટર આયુષ ઓકે 39.23 હેક્ટર જમીન સંપાદનમાં લેવા સુડાને પત્ર લખ્યો હતો. પરંતુ સુડા દ્વારા કલેકટર કચેરીને પત્ર લખીને મિટીંગમાં જે જમીનો ને લઈ ચર્ચા થઇ હતી તે જમીનો સુડા સત્તામંડળમાં સમાવિષ્ટ નહીં હોય માટે તેમના દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાશે નહી તેવું જણાવી દેવાયું હતું.

  • એરપોર્ટના સૂચિત ક્રોસ રનવે માટે જમીન સંપાદનમાં લેવા મામલે સુડા-ખુડાની ખો સામે કલેકટર ખફા
  • કલેક્ટરે સુડાને પત્ર લખી ખુડા ઓથોરીટી સાથે સંકલન કરી 39.23 હેકટર જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવા આદેશ આપ્યો

આ મામલે કલેક્ટર કચેરી દ્રારા ખુડાને જાણ કરવામાં આવતા ખુડાએ તા .૨૯ નવેમ્બરે કલેકટર કચેરીને પત્ર લખીને એરપોર્ટ ઓથોરિટીની હદ દર્શાવતા નકશામાં આવેલી રેવેન્યુ સરવે વાળી કેટલીક જમીન સુડાના સત્તામંડળમાં આવેલી છે તેવી સ્પષ્ટતા કરી હતી .અને તે જમીનો સંપાદન ની કાર્યવાહી સુડાએ કરવાની રહેશે તેવું જણાવ્યું હતું. સુડાના નકારાત્મક વલણથી અકળાયેલા કલેક્ટરે ૯ ડિસેમ્બરે સુડાને પત્ર મોકલીને આ મુદ્દે ગંભીરતા દાખવી જાહેરનામાને ધ્યાને લઈને ટાઉન પ્લાનર ખુડા સાથે સંપર્ક કરીને હકીકતલક્ષી અહેવાલ ત્વરિત મોકલવા માટે આદેશ આપ્યો હતો. એવું એક આરટીઆઇ અરજીમાં મળેલા ડોક્યુમેન્ટ અને પત્ર વ્યવહારથી જણાય છે. ક્રોસ રનવે અને હયાત રન-વે માટે જમીન ફાળવવા માટે ૧૮ મી નવેમ્બરે કલેક્ટર કચેરી ખાતે સુડા – ખુડા સહિતના જવાબદાર અધિકારીઓની મીટિંગ મળી હતી.

આ મીટિંગમાં રન – વે વિસ્તરણ માટે ૩૯.૨૩ હેક્ટર જમીન સંપાદન કરવાની થતી હોય તેના માટે એરપોર્ટ નજીકની જમીનના નકશાને ઓટોકેડ તથા જીઆઈએસ ફોર્મેટ સોફ્ટહાર્ડ બંન્ને કૌપી ટાઉન પ્લાનર ખુડાને મોકલી આપવા સૂચન કર્યુ હતું . ત્યારબાદ ટાઉન પ્લાનર ખુડાએ એરપોર્ટ ઓથોરિટીના માસ્ટર પ્લાન પર તેઓનો નકશો સુપર ઈમ્પોઝ કરીને સંભવિત સંપાદિત જમીનમાં કયા ગામના ક્યા સરવે નંબરોનો સંપાદિત જમીનમાં સમાવેશ થાય છે , તેની વિગતોનો મેપ તૈયાર કરી મજુરા મામલતદાર , એરપોર્ટ ડિરેક્ટર તથા કલેક્ટર કચેરીને મોકલવા માટે જણાવાયું હતું. આ કામગીરી બાદ મામલતદારને કઈ જમીન સરકારી કે ખાનગી છે તેની વિગત ૭ /૧૨ સાથે સંપાદન થનારા સરવે નંબરોની વિગત દર્શાવતો રિપોર્ટ બનાવવા માટે પણ જવાબદારી સોંપવામાં આવી હતી.

Most Popular

To Top