SURAT

સુરત આવકવેરા વિભાગના ટાર્ગેટમાં 20 ટકાનો વધારો- સુરત કમિશનરેટને 9000 કરોડ રૂપિયાનો ટાર્ગેટ

સુરત: (Surat) એક બાજુ લોકો કોરોનાને લીધે પરેશાન છે. વેપાર ઉદ્યોગ બંધ જેવી પરિસ્થિતિમાં છે અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લીધે ઉદ્યોગ સાહસિકો કોઇ નવુ સાહસ કરવા તૈયાર નથી. વેપારમાં મંદીને લીધે ઉદ્યોગકારો આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે તેવામાં પણ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં તમામ આવકવેરા (Income Tax) કમિશનરેટ માટે લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સુરત કમિશનરેટને 9000 કરોડ રૂપિયાનો ટાર્ગેટ (Target) આપવામાં આવ્યો છે.

ગુજરાત (Gujarat) ઝોનને 55,500 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં સુરત કમિશનરેટને 9000 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પાછલા નાણાકીય વર્ષ 2020-21માં સુરત કમિશનરેટને 7470 કરોડ઼ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે ડિપાર્ટમેન્ટે 7550 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. દેશભરમાં કોરોનાની પરિસ્થિતિને લીધે આવકવેરા વિભાગની (Income Tax Department) કામગીરી પર પણ અસર પડી છે. રિકવરી સર્વે તેમજ સ્ક્રૂટિનીના કેસોની કામગીરી પણ ધીમી પડી છે. જેને લીધે ટાર્ગેટ સુધી પહોંચવામાં વિભાગને મુશ્કેલી નડી શકે છે. સુરતમાં કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ ત્રણ ઉદ્યોગ મહત્વપૂર્ણ છે પરંતુ હાલ ત્રણેય ઉદ્યોગો મુસીબતના દોરમાંથી પસાર થઇ રહ્યા છે. જેને લીધે પણ આવકવેરાના કલેક્શન પર અસર પડી શકે છે. દેશભરમાં હાલ કોરોનાને લીધે સર્ચની કાર્યવાહી પણ ઓછા પાયે કરવામાં આવી રહી છે. સીબીડીટી દ્વારા કરદાતાઓ પરેશાન થાય તેવી કામગીરી નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરમાં રિફંડ કામગીરી ઝડપી કરાઇ
આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 15.47 લાખ કરદાતાઓને રૂ. 26,276 કરોડનું રિફંડ કર્યું છે. કુલ પરત આપવામાં આવેલી રકમમાંથી રૂ. 7,538 કરોડ વ્યક્તિગત આવકવેરા હેઠળ 15.02 લાખ કરદાતાઓને પરત કરવામાં આવ્યા છે, જ્યારે કંપની કરવેરા હેઠળ 44,531 કરદાતાઓને રૂ. 18,738 કરોડનું રિફંડ કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે ટ્વિટર પર લખ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ 1 એપ્રિલ, 2021 અને 31 મે, 2021 દરમિયાન 15.47 લાખથી વધુ કરદાતાઓને 26,276 કરોડ રૂપિયાથી વધુ પરત કર્યા છે. જોકે આવકવેરા વિભાગે એ સ્પષ્ટતા કરી નથી કે આ રકમ કયા નાણાકીય વર્ષથી સંબંધિત છે. આ રિફંડ નાણાકીય વર્ષ 2019-20 માટે ભરવામાં આવેલા ટેક્સ રીટર્નથી સંબંધિત છે તેવુ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top