SURAT

સુરત આ વિસ્તારમાં ગ્લેંડરગ્રસ્ત છ ઘોડાને દયા મૃત્યુ આપી દફનાવી દેવાયા

સુરત: (Surat) સુરત શહેરમાં આશરે સોળ વરસ બાદ દેખાયેલા અશ્વકૂળના પશુઓના ગ્લેંડર ડિસિઝને (Glandular Disease) લઇને સમસ્ત પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયુ છે. ગઇકાલે આંઠ પૈકી છ ઘોડામાં (Horse) આ ડિસીઝ પોઝીટીવ ડિટેકટ થયા બાદ આજે સવારે છ ઘોડાને દયામૃત્યુ (Mercy Death) આપી દફનાવી (Inhumation) દેવાયા હતા.

  • ગ્લેંડરગ્રસ્ત છ ઘોડાને સવારે દયા મૃત્યુ આપી દફનાવી દેવાયા :જિલ્લા કલેકટર આયુષ ઓક
  • લાલદરવાજા વિસ્તારના એક માલિકના આંઠ પૈકી છ ઘોડા મોતને ભેટતા પરિવાર ઉપર આભ તૂટી પડયુ

સુરત શહેરમાં ઘોડા અને બગીના વ્યવસાયથી આજીવીકા મેળવનારાઓ ઉપર નવુ સંકટ તોળાઇ રહયુ છે. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ જણાવ્યુ હતુ કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વકૂળના પશુઓમાં ગ્લેડંર નામનો ડિસિઝ ફેલાયો હતો. આ રોગ અતિ ઝડપથી પ્રસરતો હોવાથી માનવમાં પણ તેનો ચેપ લાગી શકે છે. સુરત જિલલા પંચાયતના પશુપાલન વિભાગ દ્રારા ગઇકાલે લાલદરવાજા સહિતના પાંચ કિલોમીટર પેરફરીમાં આવાત તમામ વિસ્તારોમાં અશ્વકૂળના પશુઓની અવરજવર ઉપર પાબંધી ફરમાવી દીધી હતી. આ અંગે વધુપુછપરછ કરતા જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી ડો.ભીમાણીએ કહયુ હતુ કે લાલદરવાજા વિસ્તારના એક અશ્વપાલકને ત્યાં આંઠ ઘોડાના સેમ્પલ લેવાયા હતા.

આ સેમ્પલમાં બ્લડ લઇ અમદાવાદ સ્થિત ગુજરાત સરકારની લેબોરેટરીમાં મોકલાયા હતા. ગત સત્તરમી જાન્યુઆરી લેવાયેલા સેમ્પલ પોઝીટીવ જણાતા વધુ તપાસ માટે સેમ્પલ ભારત સરકારની હરિયાણા સ્થિત નેશનલ રિસર્ચ સેન્ટર ઓન એકવાઇન્સ હીસ્સાર મોકલાયા હતા. આ સેમ્પલ પણ પોઝીટીવ આવતા ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ છ ઘોડાને ઇન્જેકશન (થાયોપેન્ટલ) આપી દયા મોત આપી દેવાયુ હતુ. પશુપાલન અધિકારીએ કહયુ હતુ કે આ ભારત સરકારની ગાઇડલાઇન છે. જે મુજબ ઇન્જેકશન આપ્યા બાદ ઘોડાને વૈજ્ઞાનિક પધ્ધિતથી દફનવિધી કરી દેવાઇ હતી. સવારે છ ઘોડાઓને ખજોદ ડિસ્પોઝલ સાઇટ ઉપર દફનાવી દેવાયા હતા.

લાલદરવાજા વિસ્તારમાં દોઢસોથી અઢીસો ઘોડાની તપાસ
સુરત જિલ્લાના પશુપાલન અધિકારી ડો.મયુર ભીમાણીએ જણાવ્યુ હતુ કે આવતીકાલથી લાલદરવાજા વિસ્તારમાં બ્લડ સેમ્પલ લેવાનું શરુ કરી દેવાશે તે માટે ટીમ એલર્ટ કરી દેવાઇ છે. આ ઉપરાંત જરૂર પડે તો વધુ તપાસ પણ હાથ ધરાશે.

જિલ્લા કલેકટરએ મનપાને સૂચના આપી અશ્વપાલકોના પરિજનોના સેમ્પલ લેવા જણાવ્યુ
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહયુ હતુ કે ઘોડાઓમાં ગ્લેડરનો ચેપ ફેલાયા બાદ તે માનવોમાં પણ ફેલાઇ શકે છે. તેથી આજે જે ઘોડાને દયા મોત આપી દેવાયુ છે. તેમના ઉછેર સાથે સંકળાયેલા લોકોના પણ બ્લડ સેમ્પલ લેવાશે.

શનિવાર રવિવારે લગ્નના વરઘોડામાં માટે ચારસો ઘોડાના બુકીંગ પણ રદ કરી દેવાયા
સુરત જિલ્લાના અશ્વકૂળના પશુઓમાં દેખાયેલા ગ્લેડર ડિસિઝને કારણે હવે પશુપાલન વિભાગે ઘોડાની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. મોટાભાગે શનિવાર અને રવિવારે લગ્નસરા દરમિયાન વરઘોડા માટે આશરે ચારસો ઘોડાના બુકીંગ હતા. પરંતુ આ બુકીંગ પણ રદ કરી દેવાયા છે. પશુપાલન વિભાગે એકપણ ઘોડાને હવે લગ્નસરામાં મોકલવા પાબંધી ફરમાવી છે.

માંડવીમાં યોજાયેલા અશ્વમેળામાં ભાગ લેનાર તમામ ચારસો ઘોડાની પણ તપાસ થશે
સુરત શહેરના લાલદરવાજા વિસ્તારમાં ઘોડાઓમાં દેખાયેલા ગ્લેંડર ડિસીઝને પગલે સુરત જિલ્લા તંત્રએ હવે દરેક અશ્વપાલકોને ત્યાં તપાસ શરુ કરી છે. તાજેતરમાં માંડવીમાં અશ્વમેળો યોજાયો હતો. જેમાં ચારસોથી વધુ અશ્વ હતા. આ તમામ અશ્વપાલકોની વિગતો લઇ તેમના ઘરે પણ જઇ અશ્વના લોહીના નમૂના લેવામાં આવશે. માંડવીનાં પીપરિયામાં ગત રવિવારે યોજાયેલા અશ્વ મેળામાં ગયેલા સુરતનાં ઘોડાઓની આરોગ્ય તપાસ થશે.આ મેળામાં 5 રાજ્યો અને સુરત સહિત ગુજરાતમાંથી 310 ઘોડા આવ્યાં હતાં.સુરત હોર્સ રાઇડિંગ સોસાયટીનું પ્રતિનિધિ મંડળ આજે નાયબ નિયામક પશુ પાલન ડો.ભીમાણીને મળી સામેથી ઘોડાઓની ટેસ્ટ માટે સહયોગ આપશે.

લાખો રૂપિયાની બોલીથી વેચાતા ઘોડાનુ સરકારી ચોપડે મૂલ્ય પચ્ચીસ હજાર!
સાધન સંપન્ન પરિવારમાં ઉછેરાતા ઘોડાની હરાજીમાં લાખ્ખો રૂપિયા બોલાય છે. ઘોડાની કિંમત આખના ભવા ચઢી જાય તેવી છે. પરંતુ આ ઘોડાનું સરકારી ચોપડે મૂલ્ય માત્ર પચ્ચીસ હજાર છે.જિલ્લાના પશુપાલન અધિકારી ડો.મયુર ભિમાણીએ કહયુ હતુ કે આજે જે છ ઘોડાને ઇન્જેકશન આપી દેવાયા છે. તેમના પાલકોને સરકારી નિયમોનુસાર વળતર અપાશે હાલ સરકારના ધારોધોરણો મુજબ એક ઘોડાના વળતર પેટે પચ્ચીસ હજાર રૂપિયા રકમ નિયત છે.

Most Popular

To Top