SURAT

સુરતમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો, ઠેરઠેર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા

સુરત: બુધવારે મધરાતથી સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. આખાય દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વરસી રહ્યાં છે. સુરતના વરાછા-એ ઝોનમાં બુધવારે રાત્રિના 12 વાગ્યાથી ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 124 મિ.મી. વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. વાહનચાલકો અટવાયા છે. કામરેજની ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન થયું છે, જ્યારે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે.

મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરાછા ઝોન-એમાં 10 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરાછા અને કામરેજ તરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સાથે જ હાઈ વે પર પાણી ફરી વળતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદના કારણે સવારે નોકરી ધંધે જતા તેમજ સ્કુલે જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. સુરતના પર્વત ગામ પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પડી હતી. અહી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. કામરેજના દાદા ભગવાન મંદિર પાસેના આસપાસના વિસ્તારોમાં પણ ભરચક પાણી ભરાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઝૂંપડપટ્ટી પાણી ભરાઇ જતા ઘરવખરીને પણ નુકશાન થયું હતું.

ઉકાઈ ડેમમાંથી 11,604 ક્યૂસેક પાણીનો આઉટફ્લો, કોઝવે બંધ કરાયો

દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં રાત્રિ દરમિયાન સારો વરસાદ વરસ્યો હોય ઉકાઈ ડેમમાં પાણીની આવક સારી રહી છે. ડેમની સપાટી 342.04 ફૂટ પર પહોંચી છે, જે ડેન્જર લેવલ 345થી 3 ફૂટ જ ઓછી છે. હાલમાં ડેમમાં 46527 ક્યૂસેક ઈન્ફલો સામે 11604 આઉટફ્લો છે. ડેમની સ્થિતિ હાલ કંટ્રોલમાં છે. સુરતમાં આવેલા અને રાંદેર કતારગામને જોડતા વિયરકમ કોઝવે પણ ઓવરફલો થયો છે. કોઝવેની સપાટી 6 મીટરને પારી કરીને 6.62 મીટર પહોચી છે. કોઝવે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

ઉમરપાડામાં સૌથી વધુ 73 મિ.મી. વરસાદ વરસ્યો

સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન સારો વરસાદ વરસ્યો છે. જિલ્લાના અલગ-અલગ તાલુકામાં રાતભર વરસાદ વરસતો રહ્યો હતો. સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 73, પલસાણામાં 61 અને માંગરોળમાં 35 મિ.મી. વરસાદ વરસ્યો છે. કડોદરા હાઈવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અહી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઇ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top