Entertainment

અભિનેતા સોનુ સૂદે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના આ 3 નેતા સાથે બંધબારણે બેઠક કરી

કોરોના મહામારી (Corona) દરમિયાન શ્રમિકો-મજદૂરોને વતન પહોંચાડવાની મદદ કરી સાચા કોરોના વોરિયર્સ (Corona Warriors)સાબિત થયેલા અભિનેતા સોનુ સૂદને (Actor Sonu Sood) લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) દ્વારા દરોડા કાર્યવાહી કર્યા બાદ હવે અભિનેતાએ અમદાવાદમાં એક રાજકીય પક્ષના નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી હોવાની વિગતો બહાર આવી છે. દિવસ દરમિયાન ખાનગી હોટલમાં મિટીંગ કરી અભિનેતા સાંજે મુંબઈ પરત રવાના થઈ ગયો હોવાની માહિતી મળી છે. આ સાથે જ અભિનેતા સોનુ સૂદ રાજકીય પાર્ટીમાં જોડાવાનો હોવાની અટકળોને વેગ મળ્યો છે. જોકે, આ અંગે હજુ સુધી અભિનેતા તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.

  • અમદાવાદના સિંધુ ભવનની ખાનગી હોટલમાં અભિનેતાએ આખો દિવસ વીતાવ્યો
  • ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને ગોપાલ ઈટાલિયા સાથે બેઠક કરી
  • કેજરીવાલને મળ્યા બાદ અભિનેતા પર Income Tax ના દરોડા પડ્યા હતા

અમદાવાદના સિંધુ ભવન ખાતે આવેલી એક ખાનગી હોટલમાં અભિનેતા બુધવારે આખો દિવસ રહ્યો હતો અને અલગ-અલગ લોકો સાથે મિટીંગ કરી હોવાની વિગતો બહાર આવી છે. તે પૈકી ગુજરાતના આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ત્રણ નેતાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. સોનુ સૂદે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી (Isudan Gadhvi), મહેશ સવાણી (Mahesh Savani) અને ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) સાથે બેઠક કરી હતી. આપના આ નેતાઓ સાથે અભિનેતાએ દોઢથી બે કલાક મિટીંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ નેતાઓ સાથે શું ચર્ચા થઈ તે જાણવા મળ્યું નથી, પરંતુ અભિનેતા સોનુ સૂદ આપમાં જોડાઈ રહ્યો હોવાની ચર્ચાને ફરી એકવાર વેગ મળ્યો છે.

સુરત મહાનગરપાલિકાની 27 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા ત્યાર બાદ પક્ષનું ગુજરાતમાં જોર વધ્યું છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારી કરી રહી છે, ત્યારે અભિનેતા પર આઈટીના દરોડા અને ત્યાર બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેની બેઠક ખૂબ જ સૂચક છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનેતા મળ્યો ત્યારથી આ ચર્ચા ચાલી રહી છે.

અભિનેતા સોનુ સૂદે ગઈ 27 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળા દિલ્હીના ડેપ્યુટી સીએમ તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદીયા પણ હાજર રહ્યાં હતાં. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સોનુ સૂદની સાથે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. ત્યાર બાદથી સોનુની પ્રોપર્ટીની એકાઉન્ટ બુકમાં ગેરરીતિઓ હોવાના આરોપો ઉઠ્યા હતા. કેજરીવાલ સાથેની મિટીંગ બાદ સોનુ સૂદ પર આવકવેરાના દરોડા પડ્યા હતા. અભિનેતાની મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરગ્રામની ઓફિસો પર તપાસ કરાઈ હતી, જેમાં 20 કરોડની કરચોરી પકડાઈ હોવાનો આવકવેરા વિભાગે દાવો કર્યો હતો.

Most Popular

To Top