SURAT

સુરતના આ વિસ્તારમાં 6 મહિનાથી સ્ટ્રીટ લાઈટ નહીં લાગતા અંધારપટ

સુરત: એક સમયે કૌભાંડનું ઘર બની ગયેલા સુરત મનપાના (SMC) સ્ટ્રીટ લાઇટ (Street Light) વિભાગમાં એસીબીએ ગાળિયો કસતાં એક કાર્યપાલક ઇજનેર સહિત ત્રણ એન્જિનિયરો જેલમાં પહોંચી ગયા હતા. જો કે, અગાઉ બીઆરટીએસ (BRTS) કોરિડોરમાં પણ સ્ટ્રીટ લાઇટનાં કામોમાં કાળાધોળા થયાના આક્ષેપો અને સંબંધિત અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા બાદ આખા વિભાગની સાફસફાઇ કરી દેવાઇ હતી.

  • સ્ટ્રીટ લાઇટ ફિટિંગની અછત મુદ્દે ઇજારદાર એજન્સી ઇઇએસએલ સાથે મનપાએ બેઠક કરવી પડી
  • જો કે, હજુ પણ એજન્સીનો ગોળગોળ જવાબ : બીઆરટીએસ રૂટ પર પણ ટેન્ડરની શરત કરતા ઓછા વોલ્ટના ફિટિંગ લગાવવા એજન્સીના આગ્રહ સામે તંત્ર લાચાર

જો કે, હવે ફરી એકવાર સ્ટ્રીટલાઇટ વિભાગમાં લોલમલોલ જેવી સ્થિતિ ઊભી થઇ રહી હોય તેવી પ્રતીતિ એલઇડી ફિટિંગ્સનો ઇજારો ધરાવનાર સરકારી એજન્સી ઇઇએસએલ દ્વારા સપ્લાય મુદ્દે કરવામાં આવી રહેલા ગલ્લાતલ્લા અને મનપાના તંત્ર દ્વારા તેની સામે રાખવામાં આવી રહેલા નરમ વલણને જોતા થઇ રહી છે. હાલમાં શહેરના તમામ લાઇટ પોલનું LEDકરણ કરવાની કવાયતમાં નવા ફિટિંગ્ઝ સપ્લાયની અછતને કારણે ખોરંભે ચઢી રહી છે. આથી સોમવારે પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગે EESLના સંચાલકો સાથે બેઠક કરી હતી, જેમાં બાકી ફિટિંગ્ઝ લગાવવાની કામગીરી માટે 12 હજાર ફિટિંગ્ઝ મંગાવી લેવાયા હોવાનું એજન્સીએ હૈયાધરપત આપી હતી. સાથે જ ડિસેમ્બર અંત સુધીમાં ફેઝ-2ની બાકી કામગીરી પૂર્ણ કરી લેવાનો પણ દાવો કરાયો હતો.

જો કે, વારંવારની આવી હૈયાધરપત વચ્ચે અડાજણના અજરામર ચોક નજીકની ચોકસી વાડી ખાતે આશરે 6 મહિનાથી નવા પોલ ફિટિંગ્ઝ સપ્લાય ન થવાના લીધે શોભાના ગાંઠિયાની જેમ અંધારાના સાક્ષી બનીને ઊભા છે અને લોકોમાં નારાજગી છવાઇ છે. ત્યારે મનપાનું તંત્ર ઇજારદાર એજન્સી સાથે કડકાઇ વર્તવામાં નબળું પૂરવાર થઇ રહ્યું છે. વળી, વિવિધ વિસ્તારની એકસમાન ફરિયાદના લીધે સોમવારે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા એજન્સી સાથે બેઠક કરાઇ તેમાં પણ માત્ર ખાતરી લઇને વાત પર અલ્પવિરામ મુકાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વળી, એવું પણ જાણવા મળી રહ્યું છે કે, BRTS રૂટ પર 140 વોલ્ટના ફિટિંગ્ઝ લગાવવાની ટેન્ડરમાં શરત હોવા છતાં એજન્સી દ્વારા 140 વોલ્ટના ફિટિંગ્સનો પુરવઠો નહીં હોવાથી આ રૂટ પર 110 વોલ્ટના ફિટિંગ્ઝ લગાવવા પરવાનગી માંગી હોય મનપાના અધિકારીઓ હવે આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top