SURAT

ગુરુવારે સુરતીઓનો પોતિકો તહેવાર ‘ચંદની પડવો’, 140 ટન ઘારી ઝાપટી જશે

સુરત: (Surat) શરદ પૂર્ણિમાની (Sharad Purnima) રાત્રે ચંદ્રના અજવાળાના સાનિધ્યમાં દેશી ઘીની ઘારી (Ghari), ફરસાણ અને દૂધપાક ખાવાની સુરતીઓમાં દાયકાઓથી પરંપરા ચાલી આવી છે. ગયા વર્ષે કોરોનાની બીજી લહેર ચાલતી હોવા છતાં સુરત શહેરના 140 ટનના ઘારીના માર્કેટમાં 80 ટન ઘારી એકલા સુમુલડેરીએ વેચાણ કરી હતી. સુમુલડેરીના માર્કેટિંગ મેનેજર મનિષ ભટ્ટનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ડેરીને જે એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે તે પ્રમાણે સુમુલડેરી ચાલુ વર્ષે 100 ટન ઘારીના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે. સુમુલડેરી દ્વારા કેસર-બદામ-પીસ્તા અને સુગર ફ્રી બે પ્રકારની ઘારીનું વેચાણ (Sales) કરવામાં આવે છે.

સુમુલ ઘારીની વિશેષતા એ છે કે તે માનવ સ્પર્શ વિહોણી એટલે કે સંપૂર્ણપણે મશીનરી અને ટેકનોલોજીના આધારે ઘારી બનાવે છે. ઘારીની પૂરી બનાવવાથી લઈ ઘારી પર ઘી સ્પ્રિન્કલ કરવા સુધીની પ્રક્રિયા મશીનરી પર થાય છે. બીજા ઉત્પાદકો ઘારીને પીળી કરવા સિન્થેટીક કલરનો ઉપયોગ કરે છે. જ્યારે ડેરી શુધ્ધ કેસરના દ્રાવણથી ચણાના લોટને માવા ડ્રાયફુટ સાથે પીળા રંગમાં તબદીલ કરે છે. દેશી ઘીથી લઈ માવા સુધીનું ઉત્પાદન સુમુલનું હોય છે. જ્યારે ચણાની દાળનો લોટ અને ખાંડમાંથી બુરૂ પ્રોસેસ કરવામાં આવે છે. મશીનરી પર માનવ સ્પર્શ વિના બીબામાં ઘારી બનતી હોવાથી 1 કિલોમાં ફિક્સ 12 નંગ અને 500 ગ્રામમાં 6 નંગ ઉતરતા હોય છે. એટલે વજનનો કોઈ માર પડતો નથી.

દેશી ઘી અને ડ્રાયફુટ સહિતનાં રો-મટિરિયલનાં ભાવ વધતાં ગયા વર્ષ કરતાં ઘારી 40 રૂા. મોંઘી પડશે
ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રો-મટિરિયલ જેવાં કે દેશી ઘી, દૂધ, માવો, ચણાનો લોટ, ખાંડનું બુરૂ, મેદાનો લોટ, બદામ, પીસ્તા અને શુદ્ધ કેસરનો ભાવ વધવા છતાં સુમુલડેરીએ 500 ગ્રામ ઘારીના બોક્સ પર 20 રૂા. અને કિલો ઘારી પર 40 રૂા. વધુ લેવામાં આવશે. ગયા વર્ષે કેસર-બદામ-પીસ્તા ઘારીનો ભાવ 560 રૂા. કિલો હતો. તેને બદલે હવે 600 રૂા. ભાવ રાખવામાં આવ્યો છે. દેશી ઘી, દૂધ, અને માવો સુમુલડેરીમાં બનતો હોવાથી મિઠાઈવાળાઓ કરતાં સુમુલની ઘારી કિલોએ 50 થી 75 રૂા. સસ્તી રાખવામાં આવી છે.

પ્રથમવાર સુમુલ ઓનલાઈન ઘારીનું વેચાણ કરશે
ચંદનીપડવાના પર્વ નિમિત્તે ઘારી અને ફરસાણનું હોમ ડિલીવરી વેચાણ પણ વધ્યું છે. તેને ધ્યાને રાખી સુમુલડેરીએ પણ ઓનલાઈન ઘારીના વેચાણ માટે એજન્સી સાથે જોડાણ કર્યુ છે એવીજ રીતે વિદેશમાં ઘારી મંગાવવા માટે દક્ષિણ ગુજરાતવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની સાથે જોડાણ કર્યુ છે. એડવાન્સ ઓર્ડર પર અત્યારથી કેસર-બદામ-પીસ્તા ઘારી અને સુગર ફ્રી ઘારી મોકલવામાં આવી રહી છે. ડેરીએ સુગર ફ્રી ઘારી માટે 250 ગ્રામના એરટાઈટ કન્ટેનર બનાવ્યા હોવાનું મનિષ ભટ્ટે જણાવ્યું હતું.

ચોર્યાસી ડેરી ચાલુ વર્ષે 6 ટન ઘારીનું વેચાણ કરશે
સુરતની સૌથી જુની ચોર્યાસી ડેરીના ચેરમેન નરેશ પટેલ (ભેંસાણ)એ જણાવ્યું હતું કે ચોર્યાસી ડેરી દ્વારા ચાલુ વર્ષે 6 ટન સાદી ઘારી અને કેસર બદામ પીસ્તા ઘારીના વેચાણ માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શહેરમાં એક માત્ર ડેરી એવી છે કે જે લોકોની નજર સામે ડેરીના શુધ્ધ ઘી, ભેંસના દુધ અને માવામાંથી ઘારી બનાવે છે. બીજી બધી સંસ્થાઓ માવો રાજસ્થાનથી લાવે છે. જ્યારે ચોર્યાસી ડેરી વર્ષોથી તેનું ઉત્પાદન કરે છે. સોફ્ટનેશમાં ચોર્યાસી જેવી ઘારી ક્યાંય બનતી નથી. તેની પાછળની દાયકાઓ જુની એક મેથડ કામ કરે છે.

Most Popular

To Top