SURAT

સુરતમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો ઇદેમિલાદ અને ગણેશ વિસર્જનનો પર્વ, કાલે ઇદેમિલાદનું જુલૂસ

સુરત: (Surat) સુરતમાં ગુરુવારે એક સાથે બે ઉત્સવની (Festival) ધૂમ રહી હતી. એક તરફ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) તો બીજી તરફ ઇદે મિલાદનો (Eid-E-Milad) તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જોકે બંને સમુદાયના લોકોએ ખૂબજ શાંતિ પૂર્વક અને એક બીજાના ઉત્સવમાં શામેલ થઈને તહેવારની ઉજવણી કરી હતી. ઇદેમિલાદનો પર્વ પણ ગુરુવારના રોજ જ હોવાથી મુસ્લિમ સમાજના લોકોએ પોતાના મોહલ્લામાં એકત્ર થઈ તહેવાર ઉજવ્યો હતો. જ્યારે શહેરના રસ્તાઓ અને ગલીઓમાં વિસર્જન યાત્રાનાં જુલુસની રોનક જોવા મળી હતી.

આ તરફ સુરતનાં ચોકબજારમાં પરંપરા મુજબ મુસ્લિમ સમાજના અગ્રણી અને માજી મેયર કદીર પીરઝાદાનાં નેતૃત્વમાં ગણેશ વિસર્જનના સરઘસનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે કોમી એકતા જીંદાબાદનાનાં નારા લગાવવામાં આવ્યા હતા. શાંતિ દૂત કબૂતરોને પણ પ્રતીકાત્મક રીતે આકાશમાં છોડવામાં આવ્યા હતા.

આ પ્રસંગે હિન્દૂ મિલન મંદિરના મહંત સ્વામી અંબરીશાનંદ મહારાજ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય અરવિંદ રાણા, સંદીપ દેસાઈ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન રાજન પટેલ, સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, પોલીસ કમિશનર અજય તોમર અને તાજીયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી હાજર રહ્યા હતાં. “કોમી એકતા જિંદાબાદ ” ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

શહેરમાં ઇદેમિલાદનો પર્વ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો. જોકે શહેરમાં ઇદેમિલાદનું જુલુસ શુક્રવારે 29મી સપ્ટેમ્બરે કાઢવામાં આવશે. દરમિયાન ગુરુવારે મુસ્લિમ યુવકો અને બાળકોએ પોતપોતાના મોહલ્લામાં રહીને ઇદેમિલાદની ઉજવણી કરી હતી. મુસ્લિમ વિસ્તારોમાં લોકોએ સામુહિક ભોજનનો આનંદ માણ્યો હતો. જ્યારે મસ્જીદોમાં નાત શરીફ પઢવામાં આવી હતી. મોહંમદ પયગંબરના જન્મ દિવસે બાળકોને ઉપહાર તેમજ ચોકલેટ, બિસ્કટ, આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top