National

ભારતમાં ખેડૂતોનું જીવન બદલનાર એવા કૃષિ ક્રાંતિના જનક એમ.એસ.સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન

ભારતમાં (India) કૃષિ ક્રાંતિના (Agricultural Revolution) જનક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક (Science) એમ.એસ.સ્વામીનાથન હવે નથી રહ્યા. 98 વર્ષીય સ્વામીનાથનનું ગુરુવારે સવારે 11.20 વાગ્યે ચેન્નાઈમાં અવસાન થયું હતું. તેમણે દેશને દુષ્કાળમાંથી મુક્ત કરવામાં અને ખેડૂતોને (Farmer) મજબૂત બનાવતી નીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની અધ્યક્ષતામાં એક કમિશન પણ બનાવવામાં આવ્યું હતું જેણે ખેડૂતોના જીવન ધોરણને સુધારવા માટે ઘણી મહત્વપૂર્ણ ભલામણો કરી હતી.

ભારતની હરિયાળી ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. સ્વામીનાથન કમિટીના ખેડૂત તરફી રિપોર્ટથી ખૂબ ચર્ચામાં આવેલા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ 1925ના રોજ થયો હતો. ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળવો જોઈએ તેવું તેઓ વિચારતા હતાં.

પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સીમાં વર્ષ 1925માં થયો હતો. સ્વામીનાથન માત્ર 11 વર્ષના હતા જ્યારે તેમણે તેમના પિતા ગુમાવ્યા હતા. તેમના મોટા ભાઈએ તેમને શિક્ષિત કર્યા અને મોટા કર્યા. તેમનો પરિવાર ઇચ્છતો હતો કે તે મેડિકલનો અભ્યાસ કરે પરંતુ તેણે પ્રાણીશાસ્ત્ર સાથે અભ્યાસ શરૂ કર્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1943માં બંગાળમાં ભયંકર દુકાળ પડ્યો હતો જેણે તેમને હચમચાવી નાખ્યા. આ પછી સ્વામીનાથને દેશમાં ખાદ્યપદાર્થોની અછત ન થાય તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કૃષિનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. 1944માં તેમણે મદ્રાસ એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી.

ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળવો જોઈએ તેવા વિચાર સાથે તેમણે C2+50%, MSP ફોર્મ્યુલાની ભલામણ કરી હતી. આજે દરેક ખેડૂતના હોઠ પર તે સૂત્ર છે. ઉદારીકરણ સાથે ખેડૂતોને ટકાવી રાખવાનીસ્વામીનાથન કમિટીની ભલામણો એ તેઓને અમર કરી દીધા છે. વર્ષ ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણની નીતિ બાદ ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં વ્યાપક વૃદ્ધિ થઇ હતી. ત્યારબાદ દેશમાં વિદેશી હુંડિયામણ આવવાના કારણે ઉદ્યોગ-ધંધા તેમજ સર્વિસ સેકટરમાં તેજી આવી હતી પરંતુ ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધારો થયો હતો.

આ માટે સરકાર દ્વારા નવેમ્બર ૨૦૦૪માં રાષ્ટ્રીય ખેડૂત આયોગનું ગઠન કરાયું હતું અને પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને ભારતમાં હરિત ક્રાંતિના જનક એમ એસ સ્વામીનાથનને આ આયોગના ચેરમેન બનાવાયા હતા. જો કે ત્યારબાદ બે વર્ષ બાદ જ સ્વામીનાથને રિપોર્ટ સરકારને સુપરત કર્યો હતો પરંતુ હજી સુધી આ કમીશન પર આંશિક રીતે જ અમલ કરવામાં આવ્યો છે. સ્વામીનાથન હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા હતા. ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી જાતો રજૂ કરવામાં અને વધુ વિકસાવવામાં તેમના નેતૃત્વ અને ભૂમિકા માટે તેમને ભારતમાં હરિયાળી ક્રાંતિના મુખ્ય આર્કિટેક્ટ કહેવામાં આવે છે. 1960ના દાયકામાં તેમણે ભારત અને પાકિસ્તાનને દુષ્કાળ જેવી કેટલીક પરિસ્થિતિઓમાંથી બચાવ્યા હતા. ફિલિપાઇન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI) ના ડિરેક્ટર જનરલ તરીકેનું તેમનું નેતૃત્વ તેમને 1987માં તેમને પ્રથમ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો જે કૃષિ ક્ષેત્રના સર્વોચ્ચ સન્માનોમાંના એક તરીકે ઓળખાય છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામે તેમને “ફાધર ઓફ ઈકોનોમિક ઈકોલોજી” નું બિરૂદ આપ્યું હતું.

એમએસ સ્વામીનાથનને ભારતમાં હરિયાળી ક્રાંતિના નેતા માનવામાં આવે છે. તે પ્રથમ વ્યક્તિ છે જેણે ઘઉંની શ્રેષ્ઠ જાતને ઓળખી. જેના કારણે ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં મોટો વધારો થયો હતો. સ્વામીનાથનને તેમના કાર્ય માટે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં પદ્મશ્રી (1967), પદ્મભૂષણ (1972), પદ્મવિભૂષણ (1989), મેગ્સેસે એવોર્ડ (1971) અને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (1987)નો સમાવેશ થાય છે.

Most Popular

To Top