Gujarat Election - 2022

EVM સીલ કરી સુરતની બે કોલેજના સ્ટ્રોંગરૂમમાં મુકાયા, બંદોબસ્ત એવો ગોઠવાયો કે…

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પહેલાં તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના રોજ પુરું થયું. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 બેઠકો પર મતદાન (Voting) શાંતિપૂર્ણ રીતે પુરું થયું છે. સુરતની 16 બેઠકો પર 62 ટકાથી ઓછું મતદાન થયું છે. 1 ડિસેમ્બરની આખી રાત ઈવીએમ (EVM Seal) મશીનો પેક કર્યા બાદ આજે 2 ડિસેમ્બરને શુક્રવારે સવારે ચૂંટણી પંચના કર્મચારીઓ દ્વારા ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા.

આ સાથે જ સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસ તો અંદર જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્ટ્રોંગ રૂમ (Strong Room) પર સતત નજર રાખવા માટે સીસીટીવી (CCTV) કેમેરા ગોઠવી દેવાયા છે. હવે આગામી તા. 8મી ડિસેમ્બરના રોજ ઈવીએમના સીલ ખોલી મતગણતરી કરવામાં આવશે. સુરતમાં એસવીએનઆઈટી (SVNIT) અને ગાંધી કોલેજ (Gandhi College) ખાતે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે. સુરત શહેરની લિંબાયત, વરાછા રોડ, કરંજ, મજુરા, પૂર્વ અને ઉત્તર વિધાનસભાના ઈવીએમ એસવીએનઆઈટીના સ્ટ્રોંગ રૂમમાં જ્યારે અન્ય બેઠકોના ઈવીએમ ગાંધી કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

સુરતની 16 બેઠક પર કંગાળ 61.71 ટકા જ મતદાન થયું
સુરત: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી અન્વયે 1 ડિસેમ્બરે સુરત શહેર જિલ્લામાં આવેલી કુલ 16 વિધાનસભા બેઠકો પર યોજાયેલી મતદાનની પ્રક્રિયા નિર્વિધ્ને સંપન્ન થઈ હતી. સુરત જિલ્લાના આદિવાસી બેલ્ટ પર આવેલી વિધાનસભા બેઠકો પર સવારથી સાંજ સુધી આક્રમક મતદાન થતું જોવાયું તો શહેરી વિસ્તારોમાં આરોહ-અવરોહ વચ્ચે સાંજે પાંચના ટકોરે જ્યારે મતદાન સંપન્ન થયું ત્યારે સાવ કંગાળ 61.71 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

સુરત શહેર જિલ્લામાં માત્ર 29.28 લાખ મતદાતાઓએ જ મતદાન કર્યું
સુરત શહેર જિલ્લાની 16 બેઠકો પર બધુ મળીને 29.28 લાખથી વધુ મતદાતાઓએ પોતાની ફરજ અને કર્તવ્ય સમજીને મતદાન કર્યું હતું. સુરત શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન માંડવી (એસ.ટી.) વિધાનસભા બેઠક પર 75.24 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન કરંજ વિધાનસભા બેઠક પર 50.45 ટકા જેટલું નોંધાયું છે. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધીના દરમિયાન સુરત શહેર જિલ્લાના 4700થી વધુ મતદાન મથકો પૈકી ક્યાંયથી કોઇ ગંભીર કે મોટી ફરીયાદ કે અનિચ્છનીય ઘટના વગર મતદાન નિર્વિધ્ન સંપન્ન થયું છે. ઇવીએમ ખોટકાય જવાની, ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાની ફરીયાદો તેમજ મતદાન મથકમાં મોબાઇલથી ફોટા પાડવા બાબતે પોલીસ તથા સિક્યુરીટી સ્ટાફ સાથે ઘર્ષણની અનેક ફરીયાદો જિલ્લા તંત્રને મળી હતી.

2017માં સુરતમાં 66 ટકા મતદાન નોંધાયું હતું
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતની જેમ જ બે તબક્કામાં યોજાઇ હતી. 2017માં યોજાયેલી ચૂંટણી દરમિયાન સુરત શહેર જિલ્લામાં કુલ મતદાન 66.58 ટકા મતદાન નોંધાયુ હતું. એ વખતે પણ ગુજરાતના ઓવરઓલ સરેરાશ મતદાન 69.30 કરતા પણ ઓછું મતદાન સુરત શહેર જિલ્લામાં નોંધાયું હતું. આ વખતે 2022ની ચૂંટણીઓમાં પણ સુરત શહેરમાં આ જ પ્રકારનું મતદાન થયું છે.

Most Popular

To Top