SURAT

સુરતના એન્ટ્રી ગેટ અને આઈકોનિક રોડ બનાવવા માટે સુડાનું કામરેજમાં મોટું ડિમોલીશન

કામરેજ: (Kamrej) સુરતના એન્ટ્રી ગેટ તરીકે કામરેજ ચાર રસ્તાથી સુરત (Surat) આવતા રોડને આઇકોનિક (Iconic Road) બનાવવાનું આયોજન છે. ત્યારે કામરેજ ચાર રસ્તા પર દબાણોના ન્યૂસન્સને દૂર કરવા માટે બુધવારે સુડાનું (Suda) તંત્ર દળ કટક સાથે ત્રાટક્યું હતું. તેમજ અહીં છેલ્લા ઘણા સમય દબાણ કરીને બેઠેલા દુકાનદારો, લારીગલ્લા, પતરાવાળી દુકાનો વગેરે દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયાં હતાં. જો કે, સાંજે વરસાદ આવી જતાં કામગીરી બંધ કરવી પડી હતી. સુડા દ્વારા એક જ દિવસમાં 50 દબાણ (Encroachments) દૂર કરવામાં આવ્યાં હતાં.

  • કામરેજ ચાર રસ્તા ખાતે સુડાનું મેગા ડિમોલિશન
  • નોટિસ પાઠવવા છતાં દબાણકારો સુધરતા ન હતા, 50 દબાણ દૂર કરાયાં

સુરત શહેરના પ્રવેશદ્વાર ગણાતા કામરેજ ચાર રસ્તા પર ગેરકાયદે બાંધકામ, લારીગલ્લા તેમજ વિવિધ પ્રશ્નને લઈ અગાઉ કામરેજ નાગરિક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવતાં સુડા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફરી પાછું બાંધકામ થઈ ગયું હતું. જેને લઈ કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધુ બની હતી. જેને લઈ સુરત કલેક્ટર દ્વારા એક અઠવાડિયા અગાઉ તમામ દબાણો દૂર કરવા આદેશ કરાયો હતો. કામરેજ તેમજ નવાગામ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદે બાંધકામ કરનાર દુકાનધારકો, પતરાં-કેબિનધારકો, લારીગલ્લાવાળા તમામને જગ્યા ખાલી કરી દેવા નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ જગ્યા ખાલી ન કરતાં આખરે બુધવારે સુરત સુડાના ડે.કલેક્ટર ઈન્દ્રબાલાએ પોતાની ટીમ સાથે કામરેજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરી હતી. સાથે ડીજીવીસીએલની ટીમ પણ જોતરાઈ હતી. ગેરકાયદે બાંધકામ જે.સી.બી. મશીનથી દૂર કરવામાં આવ્યું હતું.

જેમાં નવાગામની હદમાં કામરેજ ચાર રસ્તાથી સુરત જતાં સર્વિસ રોડ પર આવેલા મયૂરનગર, તાલુકા પંચાયતની બહાર તેમજ ગોપાલનગરમાં કામગીરી સવારથી કરવામાં આવી હતી. જો કે, સાંજના 4 કલાકે ધમાકેદાર વરસાદ વરસતાં કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. સાંજ સુધીમાં ટીપી નં.40 નવાગામ ખાતે તાલુકા પંચાયતની બહાર દીવાલને અડીને આવેલી પતરા કેબિન 22 તેમજ પાકી દુકાન 1 તેમજ ખોલવડની ટીપી નં.49 કામરેજ ચાર રસ્તાની બંને બાજુ પરના લારી-ગલ્લાનાં 17 દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. જો કે, વરસાદને લઈ હવે ગુરુવારે ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે.

Most Popular

To Top