SURAT

સુરત: અઠવા અને ઉધના સબ રજીસ્ટાર કચેરીઓને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડાશે

સુરતઃ નાનપુરા (Nanpura) જૂની બહુમાળી (Bahumali) ખાતે અત્યારે આઠથી દસ જેટલી સબ રજીસ્ટાર કચેરીઓ (Sub Registrar Office) ધમધમી રહી છે. જેમાં અઠવા અને ઉધના સબ રજીસ્ટાર કચેરી છઠ્ઠા અને સાતમા માળ ઉપર છે. જ્યાં વૃદ્ધો અને દિવ્યાંગોને આવવા જવામાં ઘણી તકલીફો પડતી હોવાનું કલેક્ટરના ધ્યાને આવ્યું હતું. જેને પગલે કલેકટરે રૂબરૂ વિઝીટ લઈને આ બંને કચેરીઓને બહુમાળી ના c બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડવાનો નિર્ણય લીધો છે. અને હાલ બંને કચેરીઓને નીચે ખસેડવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.

નાનપુરામાં તાપી નદીની સામે છાતી તાણીને ઉભી બહુમાળી ઇમારતો દાયકાઓ જૂની છે. અગાઉ કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓ આ બહુમાળી ઇમારતોમાં જ ધમધમતી હતી. પરંતુ સમયની સાથે વધતી વસ્તી અને વધતી ભીડને ધ્યાનમાં લઇ કલેકટર કચેરી સહિતની અનેક સરકારી કચેરીઓને જીલ્લા સેવાસદન-2 માં ખસેડવામાં આવી હતી. અને બહુમાળી ઇમારતમાં બીજી કેટલીક કચેરી અને સબ રજીસ્ટાર કચેરીઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લોકોની દિનપ્રતિદિન વધી રહી ભીડને કારણે લીફટ પર લોડ વધી રહ્યો છે. છઠ્ઠા અને સાતમાં માળ સુધી સબ રજીસ્ટાર કચેરીમાં જનારાઓની સંખ્યા સૌથી વધારે હોય છે. જેને કારણે લાંબી લાઈનો જોવા મળે છે.

ઘણી વખત દિવ્યાંગો અને વૃદ્ધોને લિફ્ટ બંધ હોય તો છઠ્ઠા અને સાતમાં માળ સુધી દાદર ચઢીને જવું ખૂબ અઘરું બને છે. આવામાં જિલ્લા કલેકટર આયુષ ઓકને આ બાબતની જાણ થઈ હતી. જેને પગલે કલેક્ટરે પોતે સબ રજીસ્ટાર કચેરીઓની મુલાકાત લીધી હતી. અને છઠ્ઠા માળે આવેલી અઠવા સબ રજીસ્ટાર કચેરી અને સાતમા માળે આવેલી ઉધના સબરજીસ્ટાર કચેરીને તાત્કાલિક ધોરણે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડવાના આદેશ કર્યો હતો. હાલ બહુમાળીમાં સી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડફ્લોર ઉપર આ બંને કચેરીઓને ખસેડવા માટેની તૈયારી ચાલી રહી છે. અત્યારે કચેરીઓ બનાવવા માટેનું કામ પૂરું જોશમાં શરૂ કરાયું છે. દિવાળી પહેલા આ બંને કચેરીઓ સંભવત નીચે ખસેડાશે.

હવે માત્ર નવાગામ અને અલથાણ સબરજીસ્ટ્રાર ચોથા માળે
બહુમાળીમાં એ બ્લોકમાં હજીરા, કુંભારીયા, નાનપુરા, કતારગામ, નવાગામ, અઠવા અને ઉધના સબ રજીસ્ટાર કચેરીઓ આવેલી છે. જેમાં માત્ર અઠવા અને ઉધના સબ રજીસ્ટાર કચેરી છઠ્ઠા અને સાતમા માળે હતી. જ્યારે અલથાણ અને નવાગામ સબ રજીસ્ટાર કચેરી ચોથા માળે છે. આ સિવાયની કચેરીઓ પહેલા માળે આવેલી છે.

પહેલા કરતા વિશાળ અને હવા ઉજાસવાળી જગ્યા મળશે
નોંધણી નિરીક્ષક સંદીપ સવાણીએ જણાવ્યું હતું કે, છઠ્ઠા અને સાતમા માળની કચેરીઓને સી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખસેડવામાં આવી છે. જ્યાં આ બંને સબ રજીસ્ટાર કચેરીઓ માટે હવે પહેલા કરતા વિશાળ જગ્યા ઉપલબ્ધ થશે. જેથી ઉઠવા બેસવા માટે પણ સારી એવી વ્યવસ્થા રહેશે. હવા-ઉજાસ મળશે તથા સાંજે ઘણી વખત લિફ્ટ બંધ થતી હોય ત્યારે દિવ્યાંગ અને વૃદ્ધોને દાદર પરથી નીચે ઊતરવું પડતું હતું. હવે ગ્રાઉન્ડ ફ્લોર પર આ કચેરીઓ હોવાથી ઘણો ફાયદો થશે.

Most Popular

To Top