SURAT

કોરોનાએ ફરી દસ્તક દેતાં ફરી માસ્કની ડિમાન્ડ વધી : સુરતમાં માસ્કનો પૂરતો સ્ટોક હોવાનો દાવો

સુરત: ચીનમાં (China) કોરોનાની (Corona) સાતમી લહેરમાં મળી આવેલા નવા વેરિએન્ટના પરિણામે મોટી સંખ્યાંમાં હોસ્પિટલ, દવાખાનાં ઊભરાવા સાથે ઘણા લોકોનાં મૃત્યુ (Death) થતાં ભારત સરકાર પણ સજાગ બની છે. કોરોના સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન મુજબ તમામ રાજ્ય સરકારને તાવ હોય તો આરટીપીસીઆર ટેસ્ટ (RtPcr Test) કરાવવો, હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવા દેવી, તહેવારોમાં પણ ભીડ પર અંકુશ મૂકવો ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત બનાવવું સહિતની નોંધ મોકલાવી છે.

સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હોવાથી આ વખતે સુરતીઓ પ્રિકોશનનાં પગલાં લઈ રહ્યા છે. સરકારે માસ્ક પહેરવા માટેની અપીલ કરતાં સુરતમાં માસ્કનો ઉપાડ વધ્યો છે. અગ્રણી કેમિસ્ટના જણાવ્યા મુજબ અત્યારે N-95 માસ્કનો ઉપાડ ઓછો છે. મોટા ભાગે 20 રૂપિયાવાળા થ્રી લેયર માસ્કની ડિમાન્ડ નીકળી છે. 4800 કેમિસ્ટ અને 450 હોલસેલર પાસે માસ્કનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ટેક્સટાઈલ અને મેડિકલ ફિલ્ડના માસ્ક ઉત્પાદકોએ માસ્કનો નવો સ્ટોક ઉત્પાદન કરવા તૈયારીઓ દાખવી છે. પણ અત્યારે ભરાવો કરવાને બદલે રાહ જોવાનું નક્કી કર્યું છે. સુરતમાં 99 % ટકા કેમિસ્ટ દ્વારા વેક્સિનના બે ડોઝ અને બુસ્ટર ડોઝ લઈ લેવામાં આવ્યો છે. જેથી મેડિકલ ડિલિવરી ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક તંદુરસ્ત રહે.

કોરોનાનો હાઉ: તંત્રની ટેસ્ટિંગ, લોકોની વેક્સિન માટે દોડાદોડી
સુરત: વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાએ ફરીવાર માથું ઊંચક્યું છે. છેલ્લા ઘણા માસથી કોરોનાના કેસ નહીંવત પ્રમાણમાં નોંધાતા હતા. જેથી જનજીવન ફરી પાટે ચઢ્યું હતું. પરંતુ ચીનમાં વધી રહેલા કોરોના કેસને કારણે ફરીથી ભયનો માહોલ ઊભો કર્યો છે. ભારત દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઓછા નોંધાતા હોવાથી કોઈ ગાઈડલાઈન ન હતી. જેથી તમામ દેશોમાં લોકો પ્રવાસ કરી રહ્યા છે. જેના કારણે હવે કોરોના વકરવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફરીવાર કોરોના માટેના નિયમો પાળવા માટે અપીલ કરી છે. સુરત શહેરમાં પણ લોકો સ્વયંભૂ વેક્સિન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. છેલ્લા 2 જ દિવસમાં 6388 લોકોએ વેક્સિન મુકાવી દીધી છે.

છેલ્લે જાન્યુઆરી માસમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો હતો. પરંતુ તે સમયે કોરોનાની ગંભીરતા ઓછી હતી. એટલે કે, લોકો ઘરે જ સાજા થઈ જતા હતા. તે અગાઉ આવેલી કોરોનાની બે લહેર ભયાવહ હતી. જેથી લોકો હવે કોરોનાના નામથી ડરી જાય છે. ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં લોકો જાતે જ સાવચેત થઈ રહ્યા છે અને સામેથી વેક્સિન મુકાવવા માટે જઈ રહ્યા છે. સુરત મનપાનાં તમામ હેલ્થ સેન્ટરો પર હાલ વેક્સિનેશનની કામગીરી ચાલી જ રહી છે. તા.13થી 21 દરમિયાન એટલે કે, 9 દિવસમાં માત્ર 2941 લોકોએ વેક્સિન લીધી હતી. જ્યારે હાલ છેલ્લા 2 જ દિવસમાં એટલે કે, તા.22 અને 23 દરમિયાન 6388 લોકોએ વેક્સિન લઈ લીધી છે. ઉપરાંત લોકો ટેસ્ટ કરાવવા માટે પણ હવે જાતે આગળ આવી રહ્યા છે. ટેસ્ટિંગમાં છેલ્લા 10 દિવસના આંકડા જોતાં છેલ્લા 2 દિવસમાં ટેસ્ટિંગમાં નજીવો વધારો નોંધાયો છે.

શહેરમાં ચાર લાખથી વધુ લોકોએ હજુ બીજો ડોઝ લીધો નથી
સુરત મનપા દ્વારા 16 જાન્યુઆરી-2021થી વેક્સિન આપવાની શરૂઆત કરી છે. ત્યારથી લઈ આજદિન સુધીમાં શહેરમાં કુલ 44,84,053 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ અને તે પૈકીના 40,46,234 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે અને કુલ 8,22,418 લોકોએ પ્રિકોશનરી ડોઝ પણ લીધો છે. અને હવે સંક્રમણની ભીતિ વધતાં લોકો ફરીવાર વેક્સિન માટે પડાપડી કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, સુરતમાં હજુ ચાર લાખ લોકો એવા છે, જેમણે બીજો ડોઝ લીધો નથી.

Most Popular

To Top