SURAT

કારમાંથી 75 લાખ પકડાવાનો મામલો: CCTVમાં દેખાતો ભાગી રહેલો વ્યક્તિ કોંગ્રેસનો હોવાની ચર્ચા

સુરત: (Surat) શહેરમાં એક કારની અંદરથી 75 લાખ રૂપિયા પકડાવવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ રૂપિયાનું કનેક્શન કોંગ્રેસ (Congress) સાથે હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઘટનાને લઇને ચોંકાવનારો સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યો છે. જેમાં એઆઈસીસીના (AICC) સચિવ બી.એમ.સંદીપ રસ્તા પર દોડતા નજરે પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે એક વ્યક્તિ ભાગી રહ્યો છે. તેને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે. કહેવાય છે કે કારમાંથી મળેલા પાર્કિંગ પાસમાં બી.એમ.સંદીપનો પણ પાસ હતો. બીજી તરફ કોંગ્રેસે સીસીટીવી ફૂટેજમાં બી.એમ.સંદીપ છે તે વાત માનવાથી ઇનકાર કરી દીધો છે. કોંગ્રેસનું કહેવું છે કે આ પાર્ટીને બદનામ કરવાનું કાવતરૂં છે.

સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે ચૂંટણી પંચની ફલાઇંગ સ્કવોડ દ્વારા ગાડીઓનું ચેકિંગ કરાઈ રહ્યું હતું. દરમ્યાન મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા કારની તપાસ કરતા રોકડા 75 લાખ લાખ મળી આવ્યા હતા. ઘટના સ્થળ પરથી ડ્રાઇવર સહિત ત્રણમાંથી એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. જ્યારે જે બે લોકો પકડાયા હતાં તેમાંના એક ડ્રાઇવરની પુછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે આ રૂપિયા શ્રીરામ આંગડીયા પેઢીમાંથી લાવ્યા હતા. જ્યારે  રૂપિયા સાથે ઝડપાયેલા ઉદય ગુર્જરનો સીધો કોંગ્રેસ સાથે સંપર્ક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સમગ્ર મેલોડ્રામા પોલીસે શરૂ કર્યો છે, હવે પોલીસ પાછળ કેમ હટી ગઈ? – નૈષધ દેસાઈ
જે સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે તેમાં ફેસની અને એરિયાની ક્લેરિટી નથી. વ્યક્તિની પાછળ પોલીસ હોય કે ગાડી હોય તેવું દેખાતું નથી. આ કોંગ્રેસને બદનામ કરવાનું કાવતરું છે. આ મામલે ઇલેક્શન કમિશનર અને ઇન્કમટેક્સ કમિશનરનું પ્રોસીક્યૂશન પાર્ટી કે પાર્ટીના કોઈ વ્યક્તિ પર થાય પછી પાર્ટી રિપ્લાય આપશે. ઇન્કવાયરી પહેલા આરોપ નહીં ચલાવી લેવાય. પૈસા પાર્ટીના હશે તો પાર્ટી કન્ફેસ કરશે. આ સમગ્ર મેલોડ્રામા પોલીસે શરૂ કર્યો છે. હવે પોલીસ પાછળ હટી ગઈ છે. ગાડીમાંથી કોંગ્રેસનું સાહિત્ય મળ્યું હોય તો પોલીસ સામે લાવે.

જણાવી દઈએ કે ટેસ્ટિક ટીમ દ્વારા જે રૂપિયા પકડી પાડવામાં આવ્યા હતા ત્યાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાર પાસેથી આધારકાર્ડ મળી આવ્યું છે. આ આધારકાર્ડ બી.એમ. સંદીપનું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઘટના સ્થળના આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે બી. એમ. સંદીપ સીસીટીવીમાં દોડતા જોવા મળ્યા છે.

Most Popular

To Top