Business

વિદેશમાં મૂડી રોકાણની વિગતો સંતાડનાર સુરત, દક્ષિણ ગુજરાતના આ લોકોનું આવી બન્યું

સુરત: (Surat) વિદેશમાં મૂડી રોકાણની (Capital Investment In Abroad) વિગતો સંતાડનાર સુરત સહિત દક્ષિણ ગુજરાતના 70 કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department) નોટિસ ફટકારી 30 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. સુરત આવકવેરા વિભાગના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટે સુરત, બારડોલી, પલસાણા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના 70 થી વધુ કરદાતાઓને આવકવેરા વિભાગ પાસેથી વિદેશમાં તેમના રોકાણોની માહિતી સંતાડવાના આરોપ નોટિસ ફટકારી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના રોકાણકારોએ બેન્કિંગ ચેનલ થ્રુ વિદેશમાં રહેતા બિન નિવાસી ભારતીયોના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતાં.

આ નાણાં ટેરર ફન્ડિંગના હેતુ માટે છે કે કેમ તેની એજન્સીઓ દ્વારા વિદેશમાં સરકારી ચેનલ થ્રુ તપાસ કરાવી વિગતો મેળવવમાં આવી હતી પણ મોટાભાગના લોકોએ એનઆરઆઈને મકાન, દુકાન, મોટેલ, રેસ્ટોરન્ટ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે આ મૂડી મોકલી હોવાની વિગત જે દેશોમાં બાયલેટરલ ટ્રીટી છે. એવા દેશોમાંથી ઔપચારિક માહિતી મળી હતી. આ વિગતોને આધારે આવકવેરા વિભાગે કરદાતાઓ પાસે માહિતી માંગી છે. આ નાણાં ક્યાંથી આવ્યા અને આવકવેરા રિટર્નમાં વિદેશમાં રોકાણની વિગતો કેમ રજૂ કરી નથી, એ માટે ખુલાસો માંગ્યો છે. જેમને નોટિસ મળી છે. જો તેઓ આવકવેરા વિભાગને સંતોષ કારક ખુલાસો ન કરે તો વાર્ષિક 84 ટકા ટેક્સ, સરચાર્જ અને 12 ટકા ટેક્સ વ્યાજ સ્વરૂપે વસૂલવામાં આવશે.

આઈટી દ્વારા અમેરિકા, બ્રિટન, કેનેડા, ફીઝી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ તેમજ આફ્રિકાના દેશોના રોકાણ પર નજર રાખવામાં આવી હતી
સુરત સહિત દક્ષિણ ગુજરાતની બેંકોની ચેનલ થકી મોટી રકમનું ટ્રાન્જેક્શન થતું હોવાથી તેની પર નજર રાખવા આવકવેરા વિભાગ દ્વારા કોરોનાકાળ દરમિયાન ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. અમેરિકા, બ્રિટન, કેનેડા, ફીઝી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને આફ્રિકાના દેશોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ અવર જવર કરતા હોય છે.

સુરત જિલ્લાના પલસાણા, બારડોલી અને નવસારી જિલ્લાના લોકો મોટી સંખ્યામાં બિઝનેસ વિઝા પર વિદેશમાં વસે છે
સુરત જિલ્લાના પલસાણા, બારડોલી અને નવસારી જિલ્લાના લોકો મોટી સંખ્યામાં બિઝનેસ વિઝા પર વસવાટ કરી રહ્યાં છે. તે થકી મોટી રકમ બેન્કિંગ સિસ્ટમથી વિદેશી બેંકોના ખાતામાં ટ્રાન્સફર થતી હોય છે. 9/11 પછી બેન્કોને 5 લાખથી વધુની રકમ ટ્રાન્સફર થતી હોય તો આરબીઆઇ અને એજન્સીઓને પેમેન્ટ નોટ મોકલવાની હોય છે.

Most Popular

To Top