SURAT

સુરતમાં લોકો મેટ્રો, એક્સપ્રેસ વે સહિતનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ધ્યાને રાખી ઘર ખરીદી રહ્યા છે

સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની (Chamber of Commerce and Industry) બિઝનેસ કનેક્ટ કમિટી દ્વારા આયોજિત ‘અવેરનેસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ (Real Estate) ઇન નેકસ્ટ ડિકેડ’ વિશે પેનલ ડિસ્કશનને સંબોધતા ક્રેડાઇ સુરતના પ્રમુખ સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, સુરતનું ભવિષ્ય (Future) ઘણું ઉજળું છે. કોવિડ–19ને કારણે જે પરિસ્થિતિ સર્જાઇ હતી તેને કારણે ઘરમાં કેવી સુવિધા હોવી જોઇએ? તેવું લોકો વિચારતા થયા છે. સુરતમાં ઘણાં નવાં ડેવલપમેન્ટ આવી રહ્યાં છે ત્યારે શેરબજારની જેમ રિયલ એસ્ટેટમાં પણ એન્ટ્રી અને એક્ઝિટ મહત્ત્વના હોય છે. એમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય એ સમયને આધિન હોય છે.

સુરતમાં નવા વિસ્તારો ડેવલપ થઇ ગયા છે અને લોકો હવે નવા વિસ્તારોમાં ઘરો લઇ રહ્યાં છે. ખાસ કરીને મેટ્રોની નજીકની કનેક્ટિવિટીવાળા વિસ્તારોમાં લોકો ઘર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સુરત શહેર હવે મેટ્રો ટ્રેન, બુલેટ પ્રોજેક્ટ, સુરત–ચેન્નાઇ એક્સપ્રેસ વે, સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ સાથે મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે. આથી દેશનું ભવિષ્ય સુરત અને રિયલ એસ્ટેટ બની જાય તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.

  • સુરતમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વોલિટી ઓફ લાઇફ જોતાં સુરતને બ્રાન્ડ બનાવવાની જરૂર: ક્રેડાઇના પેનલિસ્ટ
  • ચેમ્બરની એસબીસી કમિટી દ્વારા બિઝનેસ પ્રેઝન્ટેશન મીટિંગની સાથે ‘અવેરનેસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ ઇન નેક્સ્ટ ડિકેડ’ વિશે પેનલ ડિસ્કશન યોજાઈ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્સટાઇલ, ડાયમંડ અને રિયલ એસ્ટેટ એવા ત્રણ પીલર ઉપર ઊભેલું શહેર છે. સુરતમાં રિયલ એસ્ટેટના ડેવલપમેન્ટ માટે ક્રેડાઇને શ્રેય આપી શકાય તેમ છે. ટેક્સટાઇલ અને ડાયમંડ એ સુરતનું દિલ અને ધડકન છે. તેમણે ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ અને દુબઇ ખાતે યોજાયેલા એક્ઝિબિશન વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, સુરત એ ગારમેન્ટિંગનું હબ બને એ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચેમ્બરની એસબીસી કમિટીના ચેરમેન એડ્વોકેટ પરેશ પારેખ, કમિટીના એડ્વાઇઝર તપન જરીવાલા અને ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું

જંત્રી વધવાને કારણે ઘણા પ્રોજેક્ટને અસર થશે: સુરેશ પટેલ
ક્રેડાઇ સુરતના ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલે જંત્રી, જીએસટી અને રેરા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જંત્રી વધવાને કારણે ઘણા પ્રોજેક્ટને અસર થશે. આથી રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆત બાદ બે મહિનાની રાહત મળી છે. પ્રોપર્ટી ટેક્સ તેમજ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવા માટે પણ રજૂઆત કરાઇ છે અને સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘડાટાની શક્યતા જણાઇ રહી છે. તેમણે રેરા કાયદા વિશે માહિતી આપી ઇમ્પેક્ટ ફી, રેવન્યુ ઇમ્પેક્ટ અને કન્સ્ટ્રક્શન ઇમ્પેક્ટનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ક્રેડાઇ સુરતના ઉપ પ્રમુખ ડો. જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટમાં જમીન એ રો મટિરિયલ હોય છે અને એને રેવન્યુમાં કન્વર્ટ કરવાની હોય છે. રિયલ એસ્ટેટ એવું ક્ષેત્ર છે કે જે ફિઝિકલમાંથી ફિસ્કલમાં કન્વર્ટ થાય છે. ભારતભરમાં સૌથી સારું મોડલ સુરત શહેરમાં છે. સુરતમાં સેલ્ફ સસ્ટેનેબલ મોડલ છે, જે લોકોને સૌથી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે. શહેરના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. દરેક પ્રકારની સુવિધા સુરતમાં મળી રહે છે. સુરતમાં ક્વોલિટી ઓફ લાઇફ છે. આથી સુરતને બ્રાન્ડ બનાવવાની જરૂર છે.

Most Popular

To Top