SURAT

સુરત અઠવાગેટના બે ગાળા ખોલી ત્યાંનું બસ સ્ટેન્ડ ખસેડાશે

સુરત: (Surat) રિંગ રોડ પર જુની આર.ટી.ઓ પાસે હાલમાં ટ્રાફિક પોલીસે (Traffic Police) બેરિકેડ લગાવી રસ્તો બંધ કરીને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું. ટ્રાફિકને કંટ્રોલ કરવાને બદલે પોલીસે રસ્તા (Road) જ બંધ કરી દીધો હતો. જેની સામે જે તે સમયે ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોને ત્યાંથી રસ્તો ઓળંગવા ખુબ આગળથી ટર્ન લેવો પડતો હોય, આરટીઓ જંકશનની આસપાસની સોસાયટીઓ તેમજ નાનપુરા ટીમલીયાવાડની સોસાયટીવાસીઓએ બેરિકેડ હટાવવા પો.કમિ. સમક્ષ રજૂઆત કરી હતી.

  • આખરે રિંગરોડ પર જુની આરટીઓ જંક્શન પાસેના બેરિકેડ પ્રાયોગિક ધોરણે હટાવવા વિચારણા શરૂ
  • અઠવાગેટથી બહુમાળી તરફ આવતા વાહનો માટે પણ સિગ્નલ મુકવામાં આવશે
  • અઠવાગેટના બે ગાળા ખોલી ત્યાંનું બસ સ્ટેન્ડ પણ ખસેડવા માટે વિચારણા
  • અગાઉ ટ્રાફિક કંટ્રોલ કરવાને બદલે પોલીસે બેરિકેડ લગાડી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું

આ રજૂઆતોને પગલે મંગળવારે વોર્ડ નંબર 21 ના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ સહિતના સ્થાનિક કોર્પોરેટરોએ ડીસીપી પ્રશાંત સુમ્બેને રૂબરૂ બોલાવી ત્યાં ચકાસણી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ આજે કોર્પોરેટરો, તેમજ ડીસીબી પ્રશાંત સુમ્બે તેમજ એસીપી હરેશ મેવાડા સાથે અઠવાગેટ અને આરટીઓ જંકશન પર સ્થળ વિઝીટ કરીને પ્રાયોગિક ધોરણે ખોલવા માટે નિર્ણય કરાયો હતો. સાથે અઠવાગેટ પર બહુમાળીથી આવતા વાહનો માટે પણ સિગ્નલ મુકવા માટે સૂચન કરાયું હતું. તેમજ અઠવાગેટ ના બે ગાળા ખોલવા માટે તેમજ ત્યાનું બસ સ્ટેન્ડ ખસેડવા માટે મનપા સાથે ચર્ચા વિચારણા કરી ખુલ્લા કરવામાં આવશે.

સુરત મનપાની એક્વેરિયમની ટિકીટ મોંઘી થશે

સુરત: એક બાજુ સુરતમાં પિકનિકનાં સ્થળો નહીં હોવાનું મહેણું ભાંગવા માટે મનપા દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યા છે. તેમાં પાલ ખાતે સાકાર થયેલા એક્વેરિયમ અને સિટી લાઇટ સાયન્સ સેન્ટર જેવા અમુક પ્રોજેક્ટ એવા છે જે હજુ પણ ક્લિક થયા નથી. જ્યારે ગોપીતળાવ તો કરોડોનાં આંધણ પછી પણ ફ્લોપ શો જેવી હાલત છે. ત્યારે હવે એક્વેરિયમની પ્રવેશ ફીમાં 18 ટકા જીએસટી વસૂલવા શાસકો પાસે મંજૂરી માંગતી દરખાસ્ત આવી છે. જેના ઉપર સ્થાયી સમિતિની મીટિંગ દરમિયાન નિર્ણય લેવાશે. નવાઇની વાત એ છે કે, મનપા સંચાલિત મનોરંજનના અન્ય પ્રોજેક્ટની ટિકિટમાં જીએસટી નથી, ત્યારે એક્વેરિયમમાં જીએસટીની દરખાસ્તથી વિવાદની શક્યતા જણાઇ રહી છે. જો જીએસટી વસૂલવાની મંજૂરી અપાશે તો હાલમાં જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમમાં વયસ્ક એટલે કે 18 વર્ષથી 65 વર્ષની વ્યક્તિઓ માટે પ્રવેશ ફી 100 છે, તે 118 થશે. જ્યારે બાળકો એટલે કે 3થી 17 વર્ષ માટે રૂ.40 છે તે 47 થઇ જશે. જ્યારે સિનિયર સિટિઝન માટે રૂ.60 વસૂલવામાં આવે છે તે 70 થઇ જશે. જ્યારે વિદેશી નાગરિકો માટે હાલમાં 400 પ્રવેશ ટિકિટ છે તે રૂ.472 અને વિદેશી બાળકો તેમજ સિનિયર સિટિઝનના રૂ.200ની રૂ.236 ટિકિટ થઇ જશે.

Most Popular

To Top